નવજીવન ન્યૂઝ, અમદાવાદ : અમદાવાદના નરોડામાં આવેલા હંસપુરા ખાતે બુધવારની મોડી રાતે ગમખ્વાર અકસ્માત (Fatal accident in Ahmedabad) સર્જાયો છે. બેફામ સ્પીડે આવતી એક કારના ચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવી દેતાં કાર ફૂટપાથ પર ચઢી ગઈ હતી અને એક મહિલાને કચડી નાંખી હતી. અકસ્માત સર્જ્યા બાદ લોકોના ટોળા એકઠાં થઈ જતાં ચાલક કાર મુકીને સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. મોતના પગલે એકઠાં થયેલા ટોળાએ કારને પલટાવી નાંખી પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો.
હિટ એન્ડ રનની અમદાવાદ (Ahmedabad Hit and Run) માં બનેલી ઘટનામાં પિન્કીબહેન બળદેવભાઈ પટણીને માથાના ભાગે, ચહેરા પર તેમજ છાતી અને પેટના ગંભીર ઈજાઓ પહોંચી હતી. અકસ્માત બાદ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા પિન્કીબહેનને તાત્કાલિક સારવાર અર્થે સિવિલ હૉસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, પરંતુ ત્યાં હાજર ફરજ પરના ડૉક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા. આ મામલે ટ્રાફિક પોલીસે ફરાર કાર ચાલક સામે ગુનો નોંધી કાર્યવાહી કરી છે.








