Wednesday, April 22, 2026
HomeGeneralભરૂચમાં રાજકીય અદાવતમાં હુમલો: ભાજપ સમર્થક માતા-પુત્ર પર હુમલો, મહિલા ઇજાગ્રસ્ત

ભરૂચમાં રાજકીય અદાવતમાં હુમલો: ભાજપ સમર્થક માતા-પુત્ર પર હુમલો, મહિલા ઇજાગ્રસ્ત

- Advertisement -

નવજીવન ન્યૂઝ. ભરૂચ: ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના કલમ ગામે રાજકીય અદાવતને પગલે હિંસક હુમલાની ઘટના સામે આવી છે. ભાજપના પ્રચારને લઈને માતા-પુત્ર પર હુમલો કરવામાં આવતા વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. આ મામલે વાગરા પોલીસ મથકે ગુનો નોંધાયો છે.

મળતી માહિતી મુજબ, કલમ ગામના સ્કૂલ ફળિયામાં રહેતી અનિશાબેન સિકંદરભાઈ સણવી 20 એપ્રિલની રાત્રે ગામની એક દુકાનેથી અગરબત્તી લેવા ગયા હતા. આ દરમિયાન તેમનો 20 વર્ષીય પુત્ર મોહંમદ ફૈઝ ત્યાં પોતાની મોટરસાયકલ સાથે હાજર હતો. એ સમયે ગામનો જ રહેવાસી ઈકબાલ સુલેમાન સાધુ (ઉર્ફે નાનો) પોતાની રીક્ષા લઈને ત્યાં આવ્યો હતો.

- Advertisement -

આરોપી ઈકબાલ સાધુએ મોહંમદ ફૈઝને જોઈ ઉશ્કેરાઈને કહ્યું હતું કે, “તું આજકાલ ભાજપનો ઝંડો લઈને ફરે છે અને પ્રચાર કરે છે, પણ અમારા ફળિયામાં ભાજપનો પ્રચાર કરવા આવવું નહીં.” આ બાબતે બોલાચાલી થતા આરોપીએ ગાળાગાળી શરૂ કરી અને મોહંમદ ફૈઝને લાત મારી નીચે પાડી દીધો હતો.

પુત્રને બચાવવા વચ્ચે પડેલી માતા અનિશાબેન પર આરોપીએ વધુ હિંસક વલણ અપનાવ્યું હતું. તેણે પોતાની રીક્ષામાંથી લોખંડનું પાળિયું કાઢીને અનિશાબેનના ડાબા ખભા પર બે ઘા ઝીંક્યા હતા, જેના કારણે તેમને ગંભીર ઇજાઓ પહોંચી હતી. ઘટના બાદ આરોપી ફરાર થઈ ગયો હતો.

ઇજાગ્રસ્ત અનિશાબેનને તાત્કાલિક સારવાર માટે વાગરાની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. વાગરા પોલીસે આ મામલે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (BNSS) હેઠળ કલમ 115(2), 118(1), 351(3), 352 તેમજ જી.પી. એક્ટની કલમ 135 મુજબ ગુનો નોંધ્યો છે. હાલ હેડ કોન્સ્ટેબલ સુરેશભાઈ વાઘેલા દ્વારા વધુ તપાસ હાથ ધરાઈ રહી છે.

- Advertisement -

આ ઘટનાએ સ્થાનિક સ્વરાજ્યની આવનારી ચૂંટણીઓ પહેલા રાજકીય માહોલને વધુ તંગ બનાવ્યો છે. 26 એપ્રિલે યોજાનારી મતદાન પ્રક્રિયા પહેલા પક્ષો વચ્ચે પ્રચાર જોરશોરથી ચાલી રહ્યો છે, જેના કારણે તણાવ વધી રહ્યો છે. આવા સંજોગોમાં શાંતિપૂર્ણ અને નિષ્પક્ષ મતદાન સુનિશ્ચિત કરવું તંત્ર માટે મોટો પડકાર બન્યો છે.

Follow on Social Media

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular