Thursday, April 23, 2026
HomeGujaratઅમદાવાદના નિકોલમાં પામોલીન તેલથી બનતું હતું ગાયનું ઘીઃ 400 Kg જપ્ત

અમદાવાદના નિકોલમાં પામોલીન તેલથી બનતું હતું ગાયનું ઘીઃ 400 Kg જપ્ત

- Advertisement -

નવજીવન ન્યૂઝ. અમદાવાદ: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ના ફૂડ વિભાગે નિકોલ વિસ્તારમાં મોટી કાર્યવાહી કરીને નકલી ઘી બનાવવાનું ગેરકાયદે રેકેટ પકડી પાડ્યું છે. રહેણાંક મકાનમાં ચાલતા આ યુનિટમાંથી આશરે 400 કિલો ડુપ્લીકેટ ‘ગાયનું ઘી’ જપ્ત કરવામાં આવ્યું છે.

માહિતી મુજબ, વેજીટેબલ ફેટ અને પામોલીન તેલના મિશ્રણથી ભેળસેળિયું ઘી બનાવી તેને ‘મંગલમૂર્તિ ગાયનું ઘી’ નામે પેકિંગ કરીને બજારમાં વેચવામાં આવતું હતું. AMCના હેલ્થ વિભાગને મળેલી બાતમીના આધારે નિકોલના ચિત્રકૂટ આવાસ યોજના નજીક રોયલ બંગ્લોઝ વિસ્તારમાં દરોડો પાડવામાં આવ્યો હતો.

- Advertisement -

તપાસ દરમિયાન બહાર આવ્યું કે આ યુનિટ પાસે કોઈપણ પ્રકારનું રજીસ્ટ્રેશન કે FSSAI લાયસન્સ નહોતું. પેકિંગ પર દર્શાવાયેલ લાયસન્સ નંબર પણ સમયગાળો પૂરો થઈ ચૂકેલો હતો. ઉપરાંત, કઠવાડા વેદ ઇન્ડસ્ટ્રીયલ પાર્ક-2 સ્થિત ‘મુરલીધર ફૂડ પ્રોડક્ટ્સ’ને મેન્યુફેક્ચરર તરીકે દર્શાવવામાં આવતું હતું.

ફૂડ વિભાગે સ્થળ પરથી અંદાજે ₹1.60 લાખની કિંમતનો 400 કિલો ડુપ્લીકેટ ઘી (500 ગ્રામ અને 100 મી.લી.ના પેકમાં) જપ્ત કર્યો છે. સાથે જ 500 કિલો જેટલા ખાલી જાર, લેબલ, પેકિંગ મશીનરી, ગેસ સિલિન્ડર અને મોટા તપેલા સહિતના સાધનો પણ સીઝ કરવામાં આવ્યા છે.

જપ્ત કરાયેલા ઘીના નમૂનાઓ લેબોરેટરી તપાસ માટે મોકલવામાં આવ્યા છે. AMCના અધિકારીઓએ જણાવ્યું છે કે શહેરીજનોના આરોગ્ય સાથે ચેડા કરનારાઓ સામે FSSAI અને GPMC એક્ટ હેઠળ કડક કાર્યવાહી કરવામાં આવશે.

- Advertisement -

હાલ ફૂડ વિભાગ દ્વારા વધુ તપાસ ચાલી રહી છે કે આ નકલી ઘી શહેરના કયા વિસ્તારોમાં સપ્લાય કરવામાં આવ્યું હતું અને આ રેકેટ સાથે અન્ય કોણ સંકળાયેલા છે.

Follow on Social Media

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular