નવજીવન ન્યૂઝ. વલસાડ: વલસાડ જિલ્લાના ઉમરગામના GIDC વિસ્તારમાં ગોળ કેન્ટીન ચાર રસ્તા પાસે હિટ એન્ડ રનનો ચકચારી બનાવ સામે આવ્યો છે. પુરપાટ ઝડપે આવતી ઇકો કારએ એક્ટિવા અને બાઈક સવારોને ટક્કર મારી ગંભીર અકસ્માત સર્જ્યો હતો.
માહિતી મુજબ, કાર ચાલકે પહેલા એક્ટિવા ચાલકને એટલી જોરદાર ટક્કર મારી કે તે દડાની માફક ઉછળી ગયો હતો. ત્યારબાદ કારએ બાઈક સવારોને પણ અડફેટે લીધા હતા. અકસ્માત સર્જ્યા બાદ કાર ચાલક પળવારમાં જ સ્થળ પરથી વાહન સાથે ફરાર થઈ ગયો હતો.
આ અચાનક બનેલી ઘટનાથી આસપાસના લોકો અને વાહનચાલકો ક્ષણભર માટે સ્તબ્ધ થઈ ગયા હતા. સ્થાનિક લોકો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા અને ઇજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડ્યા હતા. પ્રાથમિક માહિતી અનુસાર બંને સવારોને સામાન્ય ઇજાઓ પહોંચી છે, જેથી મોટી જાનહાનિ ટળી છે.
ઘટનાના દ્રશ્યો નજીકના CCTV કેમેરામાં કેદ થયા છે. ફૂટેજમાં સ્પષ્ટ જોવા મળે છે કે કાર ચાલક બેદરકારીથી વાહન ચલાવી રહ્યો હતો અને સીધો બાઈક અને એક્ટિવા સવારોને અડફેટે લે છે.
પોલીસે CCTV ફૂટેજ કબજે કરીને ફરાર આરોપીની શોધખોળ શરૂ કરી છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટનાએ વિસ્તારમાં માર્ગ સુરક્ષા અને બેદરકારીપૂર્વક વાહનચાલન અંગે ગંભીર પ્રશ્નો ઊભા કર્યા છે.








