નવજીવન ન્યૂઝ. વેરાવળ: બિપોરજોય વાવાઝોડાના (Biparjoy Cyclone) પગલે સૌરાષ્ટ્રના ગીર સોમનાથ, પોરબંદર, દ્વારકા, જામનગર અને કચ્છના દરિયાકાંઠાના વિસ્તારમાં ઝંઝાવાતી પવન અને વરસાદ જોવા મળ્યો છે. જેમાં સૌથી વધારે અસર કચ્છ, દ્વારકા અને જામનગરના વિસ્તારોમાં જોવા મળી હતી. ત્યારે આજરોજ ગીર સોમનાથ કલેકટરે (Collector) ગીર સોમનાથ ((Gir Somnath)જિલ્લામાં થયેલી અસરો વીશે સત્તાવાર માહિતી આપી હતી.
ગીર સોમનાથ કલેકટર એચ. કે. વઢવાણીયાએ આજરોજ ગુરૂવારે પત્રકારોને બિપોરજોય વાવાઝોડાના પગલે થયેલા નુકશાન અને અસર વિશે માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે ગીર સોમનાથના દરિયાકાંઠાના વિસ્તારોમાં ગતરોજ વાવાઝોડાની અસર જોવા મળી હતી. જે અસર લેન્ડફોલ બાદ વધી હતી અને પવનની ગતી 34 કિલોમીટર પ્રતિકલાકથી લઈ 45 કિલોમીટર પ્રતિકલાક સુધી જોવા મળી હતી. પરંતુ ગીર સોમનાથ જિલ્લામાં અગાઉથી જ તંત્રએ કાર્યવાહી કરવાની શરૂઆત કરી હોય કોઈ માનવ મૃત્યુની ઘટના નોંધાઈ નથી.
ગીર સોમનાથ જિલ્લામાં થયેલા નુકશાન અંગે વઢવાણીયાએ જણાવ્યું હતું કે, જિલ્લામાં કુલ 80 મકાનોને નુકશાન પહોંચ્યું છે જ્યારે 67 વૃક્ષો ધરાશાયી થયા છે. તેમજ એક પશુનું પણ મૃત્યુ થયું છે. સૌથી વધારે નુકશાન વીજ પુરવઠા માટેના વીજ પોલને પહોંચ્યું છે. જેમાં ગ્રામજ્યોતીના કનેક્શન ધરાવતા પોલને સૌ પ્રથમ મરામત કરી વીજ પૂરવઠો પૂર્વરત કરી કરી દેવાયો છે. તેમજ એગ્રીકલ્ચર કનેક્શનના પોલનું રિપેરિંગનું કામ શરૂ કરી દેવામાં આવ્યું છે જે થોડા સમયમાં પૂર્ણ થઈ જશે.
સાથે જ વઢવાણીયાએ ઉમેર્યું હતું કે જે કાચા મકાનોને થોડુ ઘણું નુકશાન થયું છે તેના વળતર માટેની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. સાથે જ જે લોકોને સ્થળાંતરીત કરવામાં આવ્યા હતા તેમના માટે પણ ગ્રામપંચાયતને સૂચના આપી દેવામાં આવી છે. આમ ગીર સોમનાથ જિલ્લામાં બિપોરજોય વાવાઝોડાના કારણે કોઈ મોટી નુકશાની કે જાનહાની નથી થઈ તેવી માહિતી કલેકટર વઢવાણીયા દ્વારા આપવામાં આવી છે.
(ઈનપુટ: ધર્મેશ જેઠવા)








