નવજીવન ન્યૂઝ. નવી દિલ્હી: રાજ્ય અને દેશમાં સતત વિકસી રહેલા ઓનલાઈન ગેમ્બલિંગના(Online Gambling) ધંધા પર સતત નવજીવન ન્યૂઝ ઈન્વેસ્ટીગેટીવ રિપોર્ટ (Navajivan News Investing Report) પ્રસિધ્ધ કરી રહ્યું છે. આ મામલે ગુજરાતના વિખ્યાત અખબારમાં આવતી જાહેરાતને લઈને પણ નવજીવન ન્યૂઝે સવાલ ઉઠાવ્યા છે. ત્યારે આજરોજ દેશની સંસદમાં પણ આ મુદ્દો ગુંજતો જોવા મળ્યો હતો. આ મુદ્દો ઉઠાવી સાંસદ દેશના ઈલેક્ટ્રોનિક્સ અને આઈ.ટી. વિભાગના મંત્રી અશ્વિની વૈષ્ણવને(Ashwini Vaishnaw) ઓનલાઈન ગેમ્બલિંગ મામલે સવાલ પુછતા જોવા મળ્યા હતા.
ઓનલાઈન ગેમ્બલિંગના નેટવર્ક અને અખબારોમાં અને ટીવી ચેનલમાં આવતી જાહેરાત સમયથી જ નવજીવન ન્યૂઝ અહેવાલોના માધ્યમથઈ રાજ્ય સરકારને ઢંઢોળી રહ્યું છે. પણ ઉંઘમાં સુતેલી રાજ્ય સરકાર પર કોઈ ખાસ અસર જોવા મળી નથી. ત્યારે તાજેતરમાં જ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે સટ્ટાકિંગ રાકેશ રાજદેવન સહિતના બુકીઓના 1400 કરોડ કરતા રૂપિયાના દુબઈના હવાલા કાંડનો પર્દાફાશ કર્યો છે. એવામાં આજરોજ ઉત્તરપ્રદેશના સાંસદ રાજેન્દ્ર અગ્રવાલે ઓનલાઈન ગેમ્બલિંગ અને ગેરકાયદેસર બેટિંગ મામલે લોકસભામાં સવાલ ઉઠાવ્યો હતો. જેમાં તેમણે પુછ્યું હતું કે, ‘શું સરકાર ઓનલાઈન ગેમ્બલિંગમાં રકમ હારી જતા થતા સુસાઈડ અને કંપનીઓ દ્વારા થતા ઉત્પીડનથી વાકેફ છે ? જો વાકેફ હોય તો છેલ્લા એક વર્ષના આંકડા આપવામાં આવે. સાથે જ તેમણે પુછ્યું હતું કે, શું સરકારે ઓનલાઈન ગેમ્બલિંગ સાથે સંકળાયેલી કોઈ કંપનીઓને નોટિસ ઈશ્યુ કરી છે? અને સરકાર ઓનલાઈન ગેમીંગ અને ગેરકાયદેસર બેટિંગ મામલે કોઈ કડક કાયદો લાવવાની દરખાસ્ત લાવવાની છે?’
લોકસભામાં રાજેન્દ્ર અગ્રવાલ દ્વારા પુછવામાં આવેલા સવાલના જવાબમાં ઈલેકટ્રોનિક્સ અને આઈ.ટી. વિભાગના મંત્રી અશ્વિની વૈષ્ણવે જવાબ આપતા જણાવ્યું હતું કે, ‘આજે આપણી સામાજિક પરિસ્થીતીઓમાં જેવી રીત ડિજિટલનો પ્રભાવ છે તેમાં કેટલાક ફાયદા છે તો કેટલાક નુકશાન પણ છે. તેમાંનું એક નુકસાન આ પણ છે. આપણા બંધારણના સાતમાં શિડ્યુલ લીસ્ટ 2 બેટિંગ અને ગેમ્બલિંગ રાજ્યોના હિસ્સામાં આવે છે. જેમાં 19 રાજ્યો અને એ પોતાના નવા કાયદા બનાવ્યા છે. જ્યારે 17 જેટલા રાજ્યોએ મોડિફિકેશન કરી ઓનલાઈન ગેમીંગ અને ગેમ્બલિંગને રેગ્યુલેટ કરે છે. પંરતુ ડિજીટલ માધ્યમમાં રાજ્યોની સરહદનો કોઈ મતલબ નથી રહેતો. માટે આ પેચીદા વિષય માટે એક ઈન્ટરમિનિસ્ટીરીયલ ટાસ્ક ફોર્સે તમામ રાજ્યો સાથે ચર્ચા કરી કેન્દ્રીય સ્તરે પણ રેગ્યુલેશનની જરૂર હોવાનો નિષ્કર્ષ આપ્યો હતો. ત્યારે હાલ સરકારે ઈન્ટરમીડીયેટરી રૂલ્સના માધ્યમથી પ્રથમ પગલું ભર્યું છે, બાદમાં તેના પરિણામોના આધારે આગળ કામ કરવામાં આવશે.’ સાથે જ તેમણે ઉમેર્યું હતું કે આ માટે કેન્દ્રીય સ્તરે પણ કાનૂનની બનાવવો જરૂરી જણાય છે.
ચર્ચા દરમિયાન રાજેન્દ્ર અગ્રવાલે મંત્રી અશ્વિની વૈષ્ણવને સવાલ કર્યો હતો કે, ‘કેન્દ્રીય સ્તર પર ઓનલાઈન ગેમ્બલિંગ અને બેટિંગના માધ્યમો પર કાર્યવાહીનું પરિણામ ક્યારે આવશે?’ જેના જવાબમાં અશ્વિની વૈષ્ણવે કર્યું હતું કે આપણા કાયદાની વ્યવસ્થા મુજબ સમયાંતરે અમે એક્શન લીધા છે, સાથે જ અભિનેતાઓ સહિતનાઓ માટે એડવર્ટાઈઝીંગ માટેની એડવાયઝરી પણ જાહેર કરી છે. અને આ મામલે કેન્દ્ર સરકાર ગંભીર છે અને મારું માનવું છે કે આ માટે કેન્દ્રીય કાયદો પણ બનવો જોઈએ.
સાથે જ કોંગ્રેસના સાંસદ મનીષ તિવારીએ પણ ઓનલાઈન સટ્ટા અને બેટિંગ મામલે કેન્દ્ર સરકારને ઘેરી હતી. ઉપરાંત તામિલનાડુના સાઉથ ચેન્નાઈના ડી.એમ.કે. સાંસદ ટી. સુમથીએ પણ ઓનલાઈન ગેમ્બલિંગના કારણે યુવાનોની આત્મહત્યાનો મુદ્દો ઉઠાવી કહ્યું હતું કે તામિલનાડુમાં પણ સરકારે બિલ બનાવ્યું છે પણ તે મંજૂરીની રાહમાં છે. આમ આજે સંસદમાં ઓનલાઈન સટ્ટા મામલે કાયદા ઘડવા સંદર્ભે મહત્વની ચર્ચાઓ થઈ હતી.
ઉલ્લેખનીય છે કે દેશમાં ઓનલાઈન ગેમ્બલિંગનું દુષણ સતત વધી રહ્યું છે. કાયદાની અસમંજસતા અને અભાવના કારણે ગેમ્બલિંગ માફિયાઓ બેફામ બન્યા છે અને અખબાર જેવા જાહેર માધ્યમોમાં પણ ભ્રામક જાહેરાતો કરતા જોવા મળે છે. ઓનલાઈન ગેમ્બલિંગ માફિયાઓ ખુબ મોટી રકમ દેશમાંથી વિદેશમાં હવાલા મારફતે ટ્રાન્સફર કરી રહ્યા છે તેવો જ કિસ્સો અમદાવાદમાં પણ સામે આવ્યો છે. આ મામલે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે સટ્ટાકિંગ રાકેશ રાજદેવ સહિતનાઓ વિરૂધ્ધ રૂપિયા 1400 કરોડની રકમ હેરફેર સંદર્ભે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. ત્યારે દેશ અને રાજ્યમાં વહેલી તકે ઓનલાઈન ગેમ્બલિંગને નાથવા મજબૂત કાયદો બનાવવાની સ્પષ્ટ જરૂરિયાત વર્તાઈ રહી છે.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








