Aravalli Haridwar Ganga Arti: (જય અમીન.અરવલ્લી) અરવલ્લી જિલ્લાના મેઢાસણ ગામમાં પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે ભક્તિમય માહોલ સર્જાયો હતો. ગામના ઐતિહાસિક શ્રી રામેશ્વર મહાદેવ મંદિર ખાતે યોજાયેલા ધાર્મિક કાર્યક્રમોમાં હજારો શિવભક્તો ઉમટી પડ્યા હતા. ગાગર તળાવના કિનારે યોજાયેલી ભવ્ય ગંગા આરતી અને મંદિર પરિસરમાં યોજાયેલી 1008 મહા આરતીએ સમગ્ર મેઢાસણ ગામને શિવભક્તિના રંગે રંગી દીધું હતું.
શ્રી રામેશ્વર મહાદેવ મંદિર ટ્રસ્ટ દ્વારા સતત બીજા વર્ષે ગાગર તળાવ કિનારે ભવ્ય ગંગા આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. બનારસના પંડિતો દ્વારા મંત્રોચ્ચાર અને વૈદિક વિધિ સાથે ગંગા આરતી કરવામાં આવતા ઉપસ્થિત ભક્તો મંત્રમુગ્ધ બની ગયા હતા. ગંગા આરતી દરમિયાન ગાગર તળાવ અને આસપાસનો વિસ્તાર રોશનીથી ઝળહળી ઉઠ્યો હતો, જ્યારે ભવ્ય આતશબાજીએ સમગ્ર પ્રસંગની શોભામાં વધારો કર્યો હતો.

ખાસ વાત એ રહી કે ગાગર તળાવમાં થ્રી-ડી લાઇટિંગ સાથે મહાદેવની પ્રતિમાનું આકર્ષક દૃશ્ય તૈયાર કરવામાં આવ્યું હતું. દીવડાઓની ઝગમગાટ, ધૂપ-દીપની સુગંધ, મંત્રોચ્ચાર અને ‘હર હર મહાદેવ’ના ગગનભેદી નાદ વચ્ચે ઉપસ્થિત ભક્તોને હરિદ્વાર અને કાશીના ઘાટો જેવી આધ્યાત્મિક અનુભૂતિ થઈ હતી.
મેઢાસણના શ્રી રામેશ્વર મહાદેવ મંદિર ખાતે યોજાયેલી 1008 મહા આરતીમાં સંતો-મહંતો, ગ્રામજનો તેમજ આસપાસના દસથી વધુ ગામોના શિવભક્તોએ ભાગ લીધો હતો. હજારો દીવડાઓના પ્રકાશ વચ્ચે યોજાયેલી મહા આરતી દરમિયાન સમગ્ર મંદિર પરિસર ભક્તિમય બની ગયું હતું. સંતો અને મહંતોની ઉપસ્થિતિએ ધાર્મિક કાર્યક્રમને વધુ વિશેષ બનાવ્યો હતો.

આ પ્રસંગે દેશ અને વિદેશમાં વસવાટ કરતા મેઢાસણ ગામના લોકો પણ પોતાના વતનમાં પહોંચ્યા હતા અને ગંગા આરતીમાં સહભાગી બન્યા હતા. શ્રાવણ માસમાં પોતાના ગામમાં યોજાતા આ ભવ્ય ધાર્મિક આયોજનમાં જોડાવા માટે દૂર-દૂરથી આવેલા ગ્રામજનોએ પણ ભક્તિભાવપૂર્વક મહાદેવની આરાધના કરી હતી.
ધાર્મિક કાર્યક્રમમાં અનંત વિભૂષિત શ્રી શ્રી 1008 જગતગુરુ ગંગાગીરી પીઠાધીશ્વર શ્રી મહેન્દ્રાનંદ ગીરીજી મહારાજ સહિત અનેક સંતો-મહંતો અને ધાર્મિક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. ગંગા આરતી અને 1008 મહા આરતીના દિવ્ય દૃશ્યોએ સમગ્ર કાર્યક્રમને યાદગાર બનાવી દીધો હતો.

શ્રી રામેશ્વર મહાદેવ યુવક મંડળ દ્વારા આ સમગ્ર આયોજન માટે ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી. ગંગા આરતી, મહા આરતી, રોશની અને ધાર્મિક વિધિઓના સંગમથી મેઢાસણ ગામમાં સર્જાયેલો આ અલૌકિક માહોલ ભક્તો માટે અવિસ્મરણીય અનુભવ બની રહ્યો હતો. અંતે મહાપ્રસાદ સાથે ધાર્મિક કાર્યક્રમની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી.








