Saturday, November 8, 2025
HomeGujaratમોનિટરિંગ સેલની જાસૂસી કરતા ભરૂચના બે કોન્સ્ટેબલ સહિત બુટલેગરો વિરૂધ્ધ ગુનો દાખલ

મોનિટરિંગ સેલની જાસૂસી કરતા ભરૂચના બે કોન્સ્ટેબલ સહિત બુટલેગરો વિરૂધ્ધ ગુનો દાખલ

- Advertisement -

નવજીવન ન્યૂઝ. ભરૂચ: પૈસા કમાવાના વિચાર આવવા કે પૈસા કમાવા પ્રયાસ કરવા અપરાધ નથી. પરંતુ તકલીફ ત્યારે થાય છે જ્યારે આપણે પૈસા કમાવા માટે જ્યારે અનૈતિક અને નિમ્ન સ્તરે જતા રહીએ. આવો જ શરમજનક ચહેરો સામે આવ્યો છે ગુજરાત પોલીસનો (Gujarat Police). આ મામલાનો ઘટસ્ફોટ થતા તપાસનો ધમધમાટ શરૂ થયો હતો અને હવે તે મામલે પોલીસ કર્મચારીઓ અને બુટલેગર વિરૂધ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

વાત કંઈક એવી છે કે, ગત મહિને સ્ટેટ મોનિટરિંગ સેલ (State Monitoring Cell) ના વડા નિર્લિપ્ત રાય (SP Nirlipt Rai) અને ડીવાયએસપી કે.ટી. કામરીયા (Dysp K.T. Kamariya) ને ગયેલી શંકાથી સમગ્ર મામલાનો પર્દાફાશ થયો હતો. દક્ષિણ ગુજરાતમાં દરોડો કરે ત્યારે તેમને મળતી નિષ્ફળતા બાદ તેમને આ શંકા ઉપજી હતી. બાદમાં ખાનગી રાહે મામલાની તપાસ શરૂ કરવામાં આવી હતી. પરંતુ જ્યારે મોબાઈલ સર્વિસ પ્રોવાઈડર કંપનીઓના સંપર્ક કરવામાં આવ્યા ત્યારે સમગ્ર ઘટનામાં ચોંકાવનારો વળાંક આવ્યો હતો. કારણ કે તેમાં ખુલ્યું હતું કે, ભરૂચ પોલીસ જ મોનિટરિંગ સેલના વડા સહિતનાઓની હિલચાલ પર નજર રાખવા મોબાઈલ લોકેશન મેળવી રહી હતી. હડકંપ ભરી માહિતી સામે આવતા જ ભરૂચ પોલીસ વડા લીના પાટીલે (Bharuch SP Leena Patil) ગંભીરતાથી તપાસ હાથ ધરી હતી. જેમાં લીના પાટીલની દેખરેખ હેઠળ તપાસ ડીવાયએસપી ચિરાગ દેસાઈને સોંપવામાં આવી હતી.

- Advertisement -

આ પણ વાંચો: સ્ફોટક સમાચાર: નિર્લિપ્ત રાયની જાસૂસી કરતાં હતા આ પોલીસ કર્મચારીઓ

ભરૂત SOGના PI એ આ મામલાની ફરિયાદ બી ડિવિઝન પોલીસ મથકમાં નોંધાવી હતી. જે ફરિયાદના આધારે શરૂ કરવામાં આવેલી તપાસમાં ચિરાગ દેસાઈ (Chirag Desai) ને માલૂમ પડ્યું હતું કે ભરૂત પોલીસના કોન્સ્ટેબલ અશોક સોલંકી અને મયુર ખુમાણ જ પોલીસની વર્દીમાં બેઠેલા જાસૂસો છે. ચોંકાવનારી વિગતો સામે આવતા એફ.એસ.એલ.ની મદદથી પુરાવા એકત્રિત કરી બંને કોન્સ્ટેબલના મોબાઈલ ફોન પણ તપાસમાં આવ્યા હતા. સાથે જ ચિરાગ દેસાઈને હાથ એક ડાયરી લાગી હતી જેમાં મોનિટરિંગ સેલ સહિત ભરૂચ એલ.સી.બી.ના અધિકારી અને કર્મચારીઓના પણ નંબર લખેલા જોવા મળ્યા હતા. ઝીણવટ ભરી તપાસ કરતા સામે આવ્યું હતું કે બંને આરોપ કોન્સ્ટેબલે બુટલેગર પરેશ ઉર્ફે ચકો અને નયન કાયસ્થ ઉર્ફે બોબળાના કહેવાથી પોલીસની જ જાસૂસી કરી હતી. કોન્સ્ટેબલોએ પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓના લોકેશન નંબર રૂપિયા 1 લાખના બદલામાં બુટલેગરોને આપ્યા હતા.

પોલીસને તપાસમાં ખુલેલી વિગતો મુજબ આરોપીઓએ વોડાફોનમાંથી કુલ 435 અને જીયોમાંથી 215 જેટલા લોકેશન મેળવી બુટલેગરોને આપ્યા હતા. આમ આરોપીઓ બુટલેગર સાથે મળી પોલીસની જ માહિતીઓ લીક કરી દેતા હોય દરોડા દરમિયાન પોલીસને હાથ કંઈ લાગતું ન હતું. ત્યારે આજરોજ ભરૂચ પોલીસે ઉપરોક્ત બંને પોલીસ કોન્સ્ટેબલ અને બુટલેગરો વિરૂધ્ધ ગુનો નોંધી બંને કોન્સ્ટેબલની ધરપકડ કરી છે.

- Advertisement -

ઉલ્લેખનીય છે કે, ચોંકાવનારી ઘટનાનો ઘટસ્ફોટ થતાની સાથે જ ભરૂચ એસ.પી. લીના પાટીલ તુરંત જ હરકતમાં આવ્યા હતા. અને બંને આરોપી પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કર્યા હતા. તેમજ ઉંડાણ પૂર્વક તપાસ હાથ ધરી અન્ય કોઈની સંડોવણી છે કે નહીં તેની પણ તપાસ કરી હતી. પરંતુ મળતી વિગતો મુજબ તપાસ કરતા ડીવાયએસપી ચિરાગ દેસાઈને આ મામલે આરોપી કોન્સ્ટેબલના પી.આઈ.ની સંડોવણી હોવાનું માલૂમ પડ્યું નથી.

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular