Saturday, September 12, 2026
HomeInternationalBRICS પર કોંગ્રેસની સ્પષ્ટતા, ચિદમ્બરમે ઉઠાવેલા સવાલ બાદ કહ્યું- ભારતે આ મંચનો...

BRICS પર કોંગ્રેસની સ્પષ્ટતા, ચિદમ્બરમે ઉઠાવેલા સવાલ બાદ કહ્યું- ભારતે આ મંચનો દેશહિતમાં ઉપયોગ કરવો જોઈએ

- Advertisement -

BRICS 2026 congress P. Chidambaram: BRICS સમિટને લઈને કોંગ્રેસ નેતા પી. ચિદમ્બરમે સવાલ ઉઠાવ્યો હતો કે આ આયોજનથી ભારતને શું મળશે. તેમના નિવેદન બાદ ભાજપે કોંગ્રેસ પર કટાક્ષ કર્યો હતો અને ચિદમ્બરમને લઈને ટિપ્પણી કરી હતી. વિવાદ વધ્યા બાદ હવે કોંગ્રેસે BRICSને લઈને પોતાની સ્થિતિ સ્પષ્ટ કરી છે. કોંગ્રેસે એક પત્ર જાહેર કરીને BRICSને મહત્વપૂર્ણ સંગઠન ગણાવ્યું છે અને સરકારને આ મંચનો દેશહિતમાં ઉપયોગ કરવાની સલાહ આપી છે.

કોંગ્રેસે પોતાના પત્રમાં જણાવ્યું છે કે ભારતે BRICSના સહયોગી દેશો સાથે મળીને સક્ષમ, ન્યાયી અને સંતુલિત વૈશ્વિક વ્યવસ્થા ઊભી કરવા માટે કામ કરવું જોઈએ. કોંગ્રેસના જણાવ્યા અનુસાર ભારતે પોતાના રાષ્ટ્રીય હિતોને આગળ વધારવાની પ્રતિબદ્ધતા જાળવી રાખીને BRICSને નૈતિક નેતૃત્વ અને વ્યૂહાત્મક સ્પષ્ટતા આપવી જોઈએ. કોંગ્રેસે પૂર્વ વડાપ્રધાન ડૉ. મનમોહન સિંહના કાર્યકાળનો ઉલ્લેખ કરીને કહ્યું કે તેઓ પણ આ જ દિશામાં સતત કામ કરતા હતા.

- Advertisement -

કોંગ્રેસે વધુમાં કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ભારતે ‘ગ્લોબલ સાઉથનો અવાજ’ બનવું જોઈએ તેવી વાત કરી છે, જે કોંગ્રેસ લાંબા સમયથી કરતી આવી છે. જોકે, કોંગ્રેસનું માનવું છે કે માત્ર એકતાના નિવેદનો પૂરતા નથી અને તેને સતત તથા અસરકારક પગલાં સાથે જોડવા જરૂરી છે.

કોંગ્રેસે સરકારને BRICSમાં ભારતની ભૂમિકા વધુ મજબૂત બનાવવાની પણ સલાહ આપી છે. પાર્ટીનું કહેવું છે કે સરકારે ભારતને ઐતિહાસિક રીતે મળેલું રાજદ્વારી સ્થાન અને વૈશ્વિક કદ ફરી મજબૂત કરવાનો પ્રયાસ કરવો જોઈએ. કોંગ્રેસે પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા યુદ્ધ દરમિયાન ભારતની રાજદ્વારી ભૂમિકા અંગે પણ સવાલો ઉઠાવ્યા છે અને BRICSના સભ્ય દેશો વચ્ચે સર્વસંમતિ ઊભી કરવામાં સરકારની ભૂમિકા અંગે ચિંતા વ્યક્ત કરી છે.

કોંગ્રેસે BRICSના સ્થાપક સભ્ય દક્ષિણ આફ્રિકાનો પણ ઉલ્લેખ કર્યો છે. પાર્ટીના જણાવ્યા અનુસાર રાજદ્વારી દબાણનો સામનો કરી રહેલા દક્ષિણ આફ્રિકાને પૂરતું સમર્થન મળ્યું નથી. કોંગ્રેસે કહ્યું કે ભારતે ગ્લોબલ સાઉથના દેશો વચ્ચે વિશ્વાસ ફરી સ્થાપિત કરવા માટે નક્કર પગલાં લેવા જોઈએ અને સંકટના સમયમાં પણ ભારત વિશ્વસનીય તથા રચનાત્મક ભાગીદાર છે તે સાબિત કરવું જોઈએ.

- Advertisement -

કોંગ્રેસનું કહેવું છે કે ભારતે પોતાના હિતોને આગળ વધારવા માટે પૂરતું મજબૂત હોવું જોઈએ, પરંતુ વધુ ન્યાયી વિશ્વની ઈચ્છા ધરાવતા દેશોની સાથે ઊભા રહેવા માટે સિદ્ધાંતવાદી ભૂમિકા પણ નિભાવવી જોઈએ. સાથે જ ભારતે ગ્લોબલ સાઉથ અને ગ્લોબલ નોર્થ વચ્ચે વિશ્વસનીય સેતુ તરીકેની ભૂમિકા ભજવવી જોઈએ.

આ સમગ્ર વિવાદની શરૂઆત પી. ચિદમ્બરમના BRICSને લઈને કરાયેલા સવાલોથી થઈ હતી. તેમણે કહ્યું હતું કે કેટલા રાષ્ટ્રપતિ અને વડાપ્રધાન ભારતની મુલાકાતે આવી રહ્યા છે તેની તેમને જાણ નથી, પરંતુ છેલ્લા બે-ત્રણ BRICS સંમેલનોથી ભારતને કોઈ નક્કર લાભ કે વાસ્તવિક પરિણામ મળ્યું નથી. તેમણે QUADનો પણ ઉલ્લેખ કરીને સવાલ કર્યો હતો કે તેમાં સામેલ થયા બાદ ભારતને શું સંદેશ અથવા પરિણામ મળ્યું છે. ચિદમ્બરમના આ નિવેદન બાદ ભાજપે તેમના પર કટાક્ષ કર્યો હતો અને હવે કોંગ્રેસે પત્ર જાહેર કરીને BRICS અંગે પોતાની સ્થિતિ સ્પષ્ટ કરી છે.

Follow on Social Media
Urvish Patel
Urvish Patelhttps://www.navajivan.in
A journalist with over 10 years of experience in print, electronic, and digital media. He has worked with renowned media organizations such as Divya Bhaskar, (GujaratTAK) TV Today, ETV Bharat, and Mera News, bringing extensive expertise in news reporting and content creation.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular