Saturday, September 12, 2026
HomeGujaratનિઝામનું એન્કાઉન્ટર થઈ ગયું, સ્ટોરી ફરી એની એ જ | શતરંજ-26

નિઝામનું એન્કાઉન્ટર થઈ ગયું, સ્ટોરી ફરી એની એ જ | શતરંજ-26

- Advertisement -

પ્રશાંત દયાળ (શતરંજ-26, નવજીવન ન્યૂઝ): આદેશ રાહ જોઈને ઊભો. ઇન્દ્રસિંહ ક્યારેક કેતન રાજપૂત સાથે તો ક્યારેક ફૉરેન્સિક અધિકારીઓ સાથે વાત કરતા હતા. સવાર થઈ હતી, ટ્રાફિક રોકાઈ રહ્યો હતો તે વાત ઇન્દ્રસિંહના ધ્યાનમાં આવતાં તેમણે, તરત, કેતનને કહ્યું : “મોટર સાઇકલના માર્ક લઈ તેને દૂર ખસેડો.” તરત કેતને બે કૉન્સ્ટેબલોને બોલાવ્યા. તેમણે આડી પડેલી મોટર સાઇકલના બંને તરફનાં વ્હિલ હતાં ત્યાં ચોકથી કૂંડાળાં કર્યાં અને મોટર સાઇકલ ઊંચકી બાજુ ઉપર મૂકી દીધી. કેતને બૅરિકેડ હટાવી ટ્રાફિકને ચાલુ કરવાની સૂચના આપી. રોડની બંને તરફનો ટ્રાફિક શરૂ થયો. આવતા-જતા વાહન ચાલકો કૌતુકવશ પોતાનું વાહન ધીમું કરતા, એટલે ત્યાં હાજર બે પોલીસવાળા તરત વ્હિસલ વગાડતા. ક્યારેક ગાળો બોલતા તો ક્યારેક કોઈ ટુ વ્હિલર વાળાને ધક્કો મારી આગળ હડસેલતા. આદેશે ત્યાં સ્થાનિક પોલીસવાળા સાથે વાત કરી. તેણે તો કહ્યું, “અમે પોલીસ સ્ટેશનમાં નાઇટ ડ્યૂટીમાં હતા. અમને તો સર્વેલન્સની કોઈ સૂચના ન હતી. પાંચ વાગે કંટ્રોલરૂમ તરફથી જગ્યા ઉપર પહોંચવાના મૅસેજ આવ્યા. સ્થાનિક પોલીસ પણ આદેશ અને પબ્લિકની જેમ સાક્ષીભાવે આખી ઘટના નિહાળી રહી હતી.”

લગભગ એક-દોઢ કલાક પછી ઇન્દ્રસિંહ ઉતાવળે પોતાના વાહન તરફ આવ્યા. આદેશ સહિત બીજા પત્રકારો ત્યાં પહોંચ્યા હતા. તે પણ ઇન્દ્રસિંહ તરફ દોડ્યા. ઇન્દ્રસિંહને જોતાં તેમના ડ્રાઇવરે કાર ચાલુ કરી નાખી હતી. ઇન્દ્રસિંહે પત્રકારોને જોતાં કહ્યું, “સૉરી, મારે સિવિલ પોસ્ટમૉર્ટમ રૂમ ઉપર જવું પડે તેમ છે. બપોરે આપણે મળીએ. પ્રેસ-કૉન્ફરન્સનો મૅસેજ આવી જશે.” પત્રકારો સવાલ પૂછવા માગતા હતા, પણ ઇન્દ્રસિંહ કંઈ પણ કહ્યા વગર જતા રહ્યા. આદેશે જોયું તો ચાર રસ્તા ઉપર જ એક ચાની લારી હતી. તે લારી ઉપર ગયો. ખિસ્સામાંથી સિગારેટનું પાકીટ કાઢી, સિગારેટ સળગાવી ચાનો ઑર્ડર આપ્યો. તેનો ઇરાદો ચા પીવા કરતાં ચાની લારીવાળા સાથે વાત કરવાનો હતો. તેણે ચા પીતાં પીતાં વાત કરવાની શરૂઆત કરી. તેણે સાવ અજાણ્યા થઈ લારીવાળાને પૂછ્યું : “શું થયું છે?” ચાવાળાએ આદેશને ઉપરથી નીચે તરફ જોયો. પહેલાં તેને લાગ્યું કે પોલીસવાળો હશે, કારણ કે આદેશનો પહેરવેશ અને વાત કરવાની ઢબ વર્ષોથી પોલીસ સાથે કામ કરવાને કારણે પોલીસ જેવી થઈ ગઈ હતી. ચાવાળાએ જાણે વિચાર કરી જવાબ આપ્યો હોય તેવું લાગ્યું : ‘શું ખબર મને!’ આદેશે તેને વિશ્વાસમાં લેતાં કહ્યું, “પત્રકાર છું માટે પૂછું છું.” તેણે ફરી એ જ જવાબ આપ્યો. આદેશ કંઈ બોલ્યો નહીં. તેને ખબર હતી કે લોકોના મનમાં પોલીસ માટેનો ખોફ કેવો હોય છે. તેણે પૈસા આપતી વખતે જુદી રીતે સવાલ પૂછ્યો, “કેટલા વાગે લારી ખોલે છે!?” “પાંચ વાગે.” તેણે સરળતાથી જવાબ આપ્યો. “તું આવ્યો ત્યારે પોલીસ હતી?” તેણે કહ્યું : “હા, પોલીસ અને એક ઍમ્બ્યુલન્સ પણ હતી. કોઈને ગોળી વાગી હતી. તેને લઈ ગઈ. પોલીસવાળા બૂમો પાડતા હતા — જલદી કરો જલદી કરો.” ચાવાળાએ આજુબાજુ જોતાં કહ્યું : “બચી જાય તો સારું.”

- Advertisement -

એક તો ચાવાળાને ખબર ન હતી, કે જેને ગોળી મારવામાં આવી છે તે મરી ગયો છે. બીજું તેનું વાક્ય હતું કે ‘બચી જાય તો સારું.’ તેનો અર્થ તેને જેને ગોળી વાગી તેની ઉપર દયા આવતી હતી. તે પાંચ વાગે આવ્યો તે વાત ખોટી હતી. સંભવ છે કે તેણે કંઈક જોયું છે અને પાંચ વાગ્યા પહેલાં આવ્યો હતો પણ તે કહેવા માગતો ન હતો. આદેશના મનમાં ઘણા બધા પ્રશ્નો અનુત્તર હતા. પણ તેનો તાળો મળવો મુશ્કેલ હતો. બધા પત્રકારોએ નક્કી કર્યું કે સિવિલ હૉસ્પિટલ જઈએ, ત્યાં ઇન્દ્રસિંહ મળી જાય. જતાં પહેલાં આદેશ કેતન પાસે ગયો. તે થોડો રિલેક્સ લાગતો હતો. આદેશ તેની પાસે જતાં કેતને પૂછ્યું, “કેમ છે આદેશભાઈ?” આદેશ કંઈ જવાબ આપે તે પહેલાં જ તેની આંખોમાં રહેલા પ્રશ્નનો ઉત્તર આપતાં કહ્યું, “રાજસ્થાનનો કોઈ નિઝામ કરીને છે. રાજસ્થાન પોલીસને ઇન્ફર્મેશન મળી હતી. તે છેલ્લા છ મહિનાથી લશ્કરે-એ-તોઇબાના સંપર્કમાં આવ્યો હતો. પૈસાનો લાલચુ હતો. તેણે મુખ્યમંત્રીની સોપારી લીધી. પચાસ લાખનું કામ હતું. તેણે નડિયાદથી એ બાઇકની ચોરી પણ કરી હતી.” કેતને બાઇક તરફ ઇશારો કરતાં કહ્યું, “મહેમદાવાદ રોડ ઉપરથી આવતો હતો.” કેતને એ તરફ હાથનો ઇશારો કર્યો. “રાજસ્થાન પોલીસના માણસો અમારી સાથે હતા.” ત્યાં ઊભા રહેલા ખાનગી કપડાવાળા માણસો તરફ ઇશારો કરતાં કહ્યું, “તેમણે નિઝામને ઓળખી લીધો, તેમણે તેને હાથનો ઇશારો કરી રોકાઈ જવાનું કહ્યું. અમે રસ્તો બ્લૉક કર્યો હોવાને કારણે આગળ જઈ શકે તેમ ન હતો. તેણે તરત જમણી તરફ બાઇક વાળી ભાગવાનો પ્રયત્ન કર્યો, તેમાં બાઇક સ્લિપ થઈ, પાછો ઊભો થઈ ભાગ્યો. ભાગતાં ભાગતાં તેણે પોતાની પાસેની રિવૉલ્વરમાંથી ત્રણ રાઉન્ડ ગોળીઓ છોડી, તરત અમે પણ સામે ફાયરિંગ કર્યું. તેમાં તેને ત્રણ ગોળી વાગી.” આદેશ જાણે તેની બધી વાત સાચી માની રહ્યો હોય તેમ સાંભળી રહ્યો હતો. કેતને તરત માનવતાવાદી વલણ દાખવતાં કહ્યું, “આપણે તો એવું ઇચ્છીએ તે બચી જાય તો સારું. મેં તરત ઍમ્બ્યુલન્સને ફોન કર્યો. ત્યારે તે જીવતો હતો, પણ સિવિલ પહોંચતાં સુધીમાં મરી ગયો.” કેતનને જાણે અફસોસ થતો હોય તેવો તેના ચહેરા ઉપર ભાવ હતો.

આદેશે પૂછ્યું, “કેટલા વાગ્યાનો બનાવ છે?” કેતને તરત કહ્યું, “ચાર, સવા ચાર થયા હશે.” “તમે કેટલા રાઉન્ડ ગોળીઓ છોડી?” કેતને પોતાની રિવૉલ્વર હાથ પર મૂકી કહ્યું, “મેં બે છોડી. કદાચ ઉદય પટેલે પણ બે છોડી અને રાજસ્થાનવાળાએ પાંચ છોડી હશે. લગભગ નવ-દસ રાઉન્ડ હશે.” બંને વાતો કરી રહ્યા હતા, ત્યારે કેતનનો કૉન્સ્ટેબલ કેશવ કાગળો લઈ આવ્યો : “સાહેબ, ફરિયાદમાં સહી કરી આપો ને!’ કેતને તરત કાગળો લઈ સહી કરી આપી. કેતને આદેશને કહ્યું, “હું જ ફરિયાદી છું.” કેશવ એક મિનિટ ઊભો રહ્યો. કેતને તેની સામે જોતાં તેણે પૂછ્યું; “પંચનામામાં કોની સહી લઉં?” કેતને આજુબાજુ જોયું અને આદેશે જ્યાં ચા પીધી હતી, તેની તરફ ઇશારો કરતાં કહ્યું, “એક પેલા ચાવાળાની લઈ લે અને બીજા પેલા કોઈ ટેમ્પોવાળાની લઈ લે.” કેશવ ત્યાંથી પંચનામામાં સહી લેવા જતો રહ્યો. આદેશે જોયું તો ચાવાળા અને ટેમ્પોવાળાએ કંઈ પણ પૂછ્યા વગર અને વાંચ્યા વગર પંચનામામાં સહી કરી આપી. કારણ તેમને રસ્તા ઉપર ધંધો કરવાનો હતો. પત્રકારો બધા સિવિલ હૉસ્પિટલ પહોંચ્યા હતા, પણ પોસ્ટમૉર્ટમ રૂમ ઉપર કોઈ ન હતું, ઇન્દ્રસિંહ પણ ન હતા. નિઝામનું પોસ્ટમૉર્ટમ થઈ ચૂક્યું હતું. પોસ્ટમૉર્ટમ રૂમમાં રહેલા સફાઈ કામદારને પૂછતાં તેણે નિઝામનું સ્ટ્રેચર ઉપર પડેલું શરીર બતાવ્યું. નિઝામ પાતળા બાંધાનો હતો. કપાળથી લઈ પેટના ભાગે ચીરફાડ કર્યા બાદ, ટાંકા લીધેલા હતા. તેની છાતીમાં બે ગોળી અને પેટના ભાગે એક ગોળી વાગ્યાનું નિશાન હતું.

આ તરફ ક્રાઇમ-બ્રાન્ચમાં જ્યારે નિઝામના ઍન્કાઉન્ટરના સમાચાર મળ્યા, ત્યારથી એસીપી દિનેશ નાયર બહુ ડિસ્ટર્બ હતા. તેઓ એવું માની ચાલતા હતા કે, તેમના સિનિયર દ્વારા તેમને ઍન્કાઉન્ટરની તક આપવામાં આવશે, પણ તેવું બન્યું ન હતું. સવારે આવતાં જ તેમણે પોતાની ચેમ્બરમાં ઇન્સ્પેક્ટર મહેશ રાવ અને વિનય તોમરને બોલાવી આવું કેમ બન્યું તે અંગેના સવાલો પૂછી નાખ્યા હતા, ત્યારે બંનેએ બહુ સહજતાથી સમજાવ્યું હતું : “આવું બનવું કોઈ અસ્વાભાવિક ઘટના નથી. આપણે જે ટાસ્ક સોંપવામાં આવે તે જ કરવાનું હોય છે. દરેક કામ અલગ અલગ ટીમો દ્વારા જ થતું હોય છે. જોકે નાયરને તેમનો તર્ક ગળે ઊતર્યો ન હતો. બપોર થતાં ડીસીપી જે. કે. વછરાજાની ઑફિસ પહોંચ્યા તેની સાથે જ દિનેશ નાયર તેમને મળવા પહોંચી ગયા હતા. નાયરને જોતા વછરાજાનીએ કહ્યું : “નાયર કોન્ગ્રૅચુલેશન! આપકે કારણ નિઝામ કા ઑપરેશન સક્સેસ રહા.” નાયરે તરત કહ્યું, “અગર અચ્છા હોતા સર! મુઝે આખરી તક ઑપરેશન કા હિસ્સા રખા ગયા હોતા…” વછરાજાનીએ તેમને સમજાવવા માટે કહ્યું, “બેઠો બેઠો નાયર, કભી કભી એસા હોતા હૈ.” કહી ફિલ્મી ડાઇલૉગ બોલતાં હસી પડ્યા અને ફરી વાત શરૂ કરતાં કહ્યું, “દેખો યહ હમારા ઑપરેશન થા હી નહીં. આપ માન કે ચલતે થે, કિ યહ ક્રાઇમ-બ્રાન્ચ કા ઑપરેશન હૈ. સહી મેં યહ ઇન્ફર્મેશન એટીએસ કે જાડેજા કી થી. હમેં હોમ મિનિસ્ટ્રિ સે આદેશ થા, નિઝામ કા પિકઅપ હમ કર કે ઉન્હેં સોંપ દેંગે.”

- Advertisement -

નાયરને જે કંઈ થોડું ઘણું ઑપરેશન સમજાયું હતું, તેના કારણે — આધારે હજી કેટલાક પ્રશ્નો હતા. તેમણે તરત પૂછ્યું, “તો એટીએસ કે સાથ રાજસ્થાન પોલીસ કહાં સે આ ગઈ?” “કુછ બાતેં ઐસી હોતી હૈં, જો વક્ત સે પહલે જાનને કી હમેં જરૂરત નહીં હોતી. હોમ મિનિસ્ટ્રી કી ઑપરેશન મેં ઇન્વોલ્વમેન્ટ થી ઇસ કારણ કોઈ પોલિટિકલ રિઝન ભી હોગા.” તેમ કહી વછરાજાનીએ વાતનો અંત લાવવાનો પ્રયત્ન કર્યો પણ નાયરના પ્રશ્નો ચાલુ હતા. “લેકિન નિઝામ કી બીવી રૂપા કા ક્યા હુવા?” હવે વછરાજાની થોડા અકળાયા હતા. તેમણે થોડા મોટા સ્વરમાં ‘નાયર’ કહીને સ્પષ્ટતા કરી : “હમ દૂસરી એજન્સી કે ઑપરેશન મેં જ્યાદા જાનકારી રખે વો હમારે લિયે અચ્છા નહીં. મુઝે ભી અચ્છા નહીં લગતા. કોઈ ઓર એજન્સી હમારે ઑપરેશન કે બારે મેં જાનના ચાહતી હૈ.’ તે નાયર સમજ્યા ન હતા, તેમના પ્રશ્નોના ઉત્તર મળ્યા ન હતા, પણ પોતાના કરતા સિનિયર અધિકારીને નારાજ કરવાનું તેમને પાલવે તેમ ન હતું.

ત્યાં જ વિનય તોમર ચેમ્બરમાં દાખલ થયા. તેમણે પૂછ્યું, “જુનેદવાળા કેસના આરોપીઓના ફર્ધર રિમાન્ડ માટે કોર્ટમાં લઈ જઉં.” વછરાજાનીએ માથું હલાવતાં, વિનય બહાર નીકળ્યો, તેણે પોતાના સ્ટાફને જુનેદ, મકસૂદ, જાહીદ અને મુઝબિલને કોર્ટ માટે લઈ જવાની તૈયારી કરવા કહ્યું અને થોડી વારમાં ચારેયને બુરખા પહેરાવી, હાથકડી અને દોરડા બાંધી બહાર લાવવામાં આવ્યા. તેમને પોલીસવાનમાં બેસાડવા માટે ક્રાઇમ-બ્રાન્ચના દરવાજા પાસે લાવ્યા ત્યારે એક મહિલા પોલીસને ગાળો ભાંડતી જુનેદ તરફ દોડી. તરત એસઆરપી જવાનોએ તેનો હાથ પકડી રીતસર તેને પાછી ધકેલી દીધી. છતાં તેની ગાળો ચાલુ હતી. તે જુનેદની પત્ની રુક્સાના હતી. તેણે વિનયને જોતાં જ પિત્તો ગયો. તેણે વિનય તરફ હાથનો ઇશારો કરતાં કહ્યું : “કીડે પડેંગે તેરે કો. તૂને ઔર તેરે સા’બ વછરાજાનીને કિતના ગલત કિયા હૈ, મેરા ખુદા દેખતા હૈ. તેરી હાલત ભી ખરાબ હોંગી, તૂ ભી જેલ મેં જાયેગા’. પોલીસવાળા તેને દૂર હડસેલી રહ્યા હતા. વિનય જુનેદ અને તેની સાથે હતા, તે બધાંને ઉતાવળે પોલીસવાનમાં બેસાડી કોર્ટ તરફ જવાની ઉતાવળમાં હતા. તેના કાને રુક્સાનાના જે શબ્દો પડતા હતા, તે તેને અંદરથી ધ્રુજાવી મૂકતા હતા. ખોટું કરનાર ઈશ્વરથી વધારે ડરતા હોય છે, છતાં તેમની ઈશ્વર ઉપરની આસ્થા કરતાં લાલસા વધુ તાકાતવર હોવાને કારણે તે ખોટું કરે છે તેવી વિનય જેવા લોકોને ખબર હોય છે.

મોઢા ઉપર બુરખો હતો. જુનેદ ક્યાંય જોઈ શકતો ન હતો, છતાં તે પોતાની પત્ની રુકસાનાનો અવાજ ઓળખી ગયો. તે પણ વાનમાં ચઢતાં મોટેથી બૂમો પાડીને પોતાની પત્નીને કહેતો હતો : ‘તેરે કો બોલા થા ન મત આ ક્રાઇમ પર. લેકિન તું માનતી નહીં. જો હોગા દેખા જાયેગા. ચલી જા. ચલી જા.” તે બોલતો રહ્યો અને પોલીસ તેમને લઈ કોર્ટ તરફ નીકળી. રુકસાના પોલીસવાનની પાછળ દોડવા લાગી અને કાફલો રુકસાનાને છોડી ચાલ્યો ગયો.

- Advertisement -

શાહીબાગ એટીએસની ઑફિસમાં પ્રેસ-કૉન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં એટીએસના ડીસીપી ઇન્દ્રસિંહ જાડેજા, રાજસ્થાન ટાસ્કફૉર્સના એસપી રાયસિંગ રાઠોર, એટીએસનો સ્ટાફ અને રાજસ્થાન ટાસ્કફૉર્સના અધિકારીઓ હાજર હતા. બંને એજન્સીની જૉઇન્ટ પ્રેસ-કૉન્ફરન્સ હતી. ઇન્દ્રસિંહે માહિતી આપતાં જણાવ્યું હતું : “રાજસ્થાન પોલીસને તેમના બાતમીદારો તરફથી માહિતી મળી હતી કે, નિઝામ જે તેમનો વૉન્ટેડ આરોપી છે તે ગુજરાતમાં છે. તેને ગુજરાતના મુખ્યમંત્રી ગોવિંદરાય મહેતાની હત્યા કરવાની લશ્કર-એ-તોઇબા તરફથી સોપારી આપવામાં આવી હતી, જેના કારણે રાજસ્થાન પોલીસના અધિકારીઓ તેને પકડવા માટે અમદાવાદ આવ્યા હતા. તેમની મદદે એટીએસના ઇન્સ્પેક્ટર કેતન રાજપૂત અને સબ-ઇન્સ્પેક્ટર ઉદય પટેલ તેમના સ્ટાફ સાથે ગયા હતા.” બાકી બધી વાતનો આદેશ ઇન્સ્પેક્ટર રાજપૂત પાસેથી સાંભળી ચૂક્યો હતો. પણ વાતમાં પહેલી વખત ટ્વિસ્ટ એવો હતો. લશ્કર-એ-તોઇબાએ મુખ્યમંત્રીની હત્યાની સોપારી આપી હતી… આ વાત નવી હતી. જોકે આદેશ જાણતો હતો કે ઇન્દ્રસિંહ સારા સ્ક્રિપ્ટ-રાઇટર છે. કોઈ પણ આતંકવાદી-સંગઠન સોપારી આપે તે વાત માની શકાય તેવી ન હતી. વળી ઇન્દ્રસિંહને પણ ખબર હતી કે તેમની કોઈ પણ જુઠ્ઠી સ્ટોરીનો લશ્કર-એ-તોઇબા ખુલાસો મોકલવાનું નથી.

ઇન્દ્રસિંહની આગળની સ્ટોરી એવી હતી કે, નિઝામ છેલ્લા ઘણા દિવસથી મુંબઈમાં હતો, ત્યાંથી તે નડિયાદ આવ્યો હતો. તે જે ટ્રેનમાં આવ્યો હતો તેની ટિકિટ પણ પોલીસને મળી હોવાનો તેમનો દાવો હતો. તેમના દાવા પ્રમાણે તે જેના ઉપર અમદાવાદ આવી રહ્યો હતો તે મોટર સાઇકલ નડિયાદ ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચાર દિવસ પહેલાં જ ચોરાઈ હતી, જેની પોલીસ- ફરિયાદ પણ નોંધાયેલી છે. પત્રકારો માટે અગાઉના ઍન્કાઉન્ટરની સ્ટોરીમાં કેટલાંક પાત્રોનાં નામ, સ્થળનું નામ અને થોડીક વિગતો જ બદલી આ સ્ટોરી લખી નાખવાની હતી. ગુજરાત પોલીસ દ્વારા રાજસ્થાનમાં રહેતા નિઝામના ભાઈ નૂરુને નિઝામના ઍન્કાઉન્ટરની જાણ કરી દેવામાં આવી હતી. પ્રેસ-કૉન્ફરન્સ પૂરી કરી, રાજસ્થાન પોલીસના એસપી રાયસિંગ રાઠોર તેમના સ્ટાફ સાથે રાજસ્થાન જવા નીકળી ગયા હતા. નિઝામના ઍન્કાઉન્ટરના એક દિવસ પહેલાં રાજસ્થાન પહોંચી ગયેલા રામને ડુંગરપુર પોલીસે નક્કી થયા પ્રમાણે અગાઉના એક સામાન્ય મારામારીના કેસમાં આરોપી બતાવી ધરપકડ કરી લીધી હતી. પોલીસ ધરપકડ કરે ત્યાર બાદ ચોવીસ કલાકમાં આરોપીને કોર્ટમાં રજૂ કરવાનો હોય છે. રામની ધરપકડ બાદ ચોવીસ કલાક પૂરા થવાના થોડા કલાકો બાકી હતા, એટલે રામ ડુંગરપુર પોલીસના લૉકઅપમાં જ હતો. નિઝામની સાથે અમદાવાદમાં શું બન્યું તે પૂરી ઘટનાથી તે અજાણ જ હતો.

ગોલ્ડન ફાર્મમાં રહેલી રૂપા ત્યાં હાજર એટીએસના પોલીસવાળાને વારંવાર પૂછી રહી હતી કે નિઝામ ક્યાં છે. તે લોકો તેને ગઈ રાતથી એવું કહી રહ્યા હતા કે, તેને એટીએસની ઑફિસમાં લઈ ગયા છે. નિઝામને તેનાથી જુદા થયાને બીજો દિવસ થઈ ગયો હતો. રૂપાને બરાબર યાદ છે કે ગઈ રાતે જ્યારે નિઝામને ફાર્મ હાઉસમાંથી લઈ ગયા ત્યારે તેના ચહેરા ઉપર ડર હતો; પણ નિઝામ રૂપાને ખબર ના પડે માટે સ્વસ્થ દેખાવાનો ડોળ કરતો હતો. રૂપાએ પોલીસવાળાને વિનંતી કરી કે, તે એક વખત નિઝામ સાથે ફોન ઉપર વાત કરાવી દે. કંઈક અજુગતું બન્યું હોવાની રૂપાને શંકા જતી હતી.
(ક્રમશ:)

Follow on Social Media
Urvish Patel
Urvish Patelhttps://www.navajivan.in
A journalist with over 10 years of experience in print, electronic, and digital media. He has worked with renowned media organizations such as Divya Bhaskar, (GujaratTAK) TV Today, ETV Bharat, and Mera News, bringing extensive expertise in news reporting and content creation.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular