Wednesday, July 8, 2026
HomeGeneralહવે તો ઓનલાઈન જુગાર મામલે જાગૃત થાઓ ગુજરાત સરકાર, સાયબર ક્રાઇમે 27...

હવે તો ઓનલાઈન જુગાર મામલે જાગૃત થાઓ ગુજરાત સરકાર, સાયબર ક્રાઇમે 27 કરોડના હિસાબનો પર્દાફાશ કર્યો

- Advertisement -

તુષાર બસિયા (નવજીવન ન્યૂઝ. અમદાવાદ): રાજ્યમાં ઓનલાઈન સટ્ટાની જાહેરાતો પ્રતિષ્ઠિત ગુજરાતી અખબારમાં પ્રસિધ્ધ થતી હતી. નવજીવન ન્યૂઝ દ્વારા આ જાહેરાતો અને ઓનલાઈન સટ્ટા મામલે સરકાર અને પોલીસને ઢંઢોળતા કેટલાક ઈન્વેસ્ટીગેટીવ અહેવાલો પ્રસિધ્ધ કરવામાં આવ્યા છે. આ દરમિયાન પોલીસ વિભાગના અધિકારીઓ જે જવાબ આપતા હતા તે તમામ જવાબ પર સવાલ પેદા થાય તેવો કિસ્સો પોલીસ ખુદ જ શોધી લાવી છે.

અમદાવાદ સાયબર ક્રાઈમને વિશાલ ગાલાએ 27 કરોડની ઓનલાઈન છેતરપિંડીની ફરિયાદ આપી હતી. સાયબર ક્રાઈમ પોલીસે આ ફરિયાદની તપાસ કરતા અલગ જ વાસ્તવિકતા બહાર કાઢી હતી. સાયબર ક્રાઈમની તપાસ મુજબ આ ફરિયાદમાં ફ્રોડ થયાની વાત ખોટી છે અને આ રકમ બેંગ્લોરના આરોપી કરનસિંઘની કંપની FONEPAISA અને અન્ય ખાતા મારફતે ઓનલાઈન સટ્ટાની હારજીત માટે આપવામાં આવી હતી. આ ઓનલાઈન સટ્ટો INDIA24BET.COM પર ચાલતો હતો. આ તમામ હકિકત ખુદ સાયબર ક્રાઈમ જ સામે લાવી છે.

- Advertisement -

જ્યારે નવજીવન ન્યૂઝે ઈન્વેસ્ટીગેટીવ સ્ટોરી મામલે ગુજરાત પોલીસના વિવિધ અધિકારીઓનો સંપર્ક કર્યો ત્યારે કેટલાક અધિકારીઓ જવાબ આપતા હતા તો કેટલાક જવાબ આપવા કે મળવાનું પણ ટાળતા હતા, પરંતુ જે અધિકારી જવાબ આપતા હતા તે જવાબ પણ આજે અમદાવાદ સાયબર ક્રાઈમે કરેલા આજના ખુલાસા પરથી સરળભાષામાં છટકવાની વાત હતી તેમ કહી શકાય છે.

નાની રકમના કેસમાં ED ન આવે, આ વિદેશથી ચાલતું નેટવર્ક છે, વિદેશમાં રજીસ્ટર કરેલું હોય છે, બેન્ક કે વોલેટના ખાતા ધારકો સુધી પહોંચી નથી શકાતું, આ વેબસાઈટો પર નોટ લખી હોય છે કે તમારા રાજ્યમાં ગેમ્બલિંગ કાયદેસર હોય તો જ રમવું જેવા વિવિધ જવાબો પોલીસ અધિકારીઓ દ્વારા નવજીવન ન્યુઝના પત્રકારોને આપતા હતા.

આ સવાલોની સામે નવજીવન ન્યુઝના પત્રકારો પણ સવાલ કરતા હતા કે, આવી કોઈ કંપની રજીસ્ટર હોય તો જણાવો, ઓનલાઈન સટ્ટાની જાહેરાત આપતા આરોપીની અન્ય રાજ્ય ગુનો દાખલ કરી તપાસ કરે છે તો આપણે કેમ નહીં, નાણાકીય વ્યવહાર જે ખાતામાં થાય છે તેના ખાતા ધારકો પર અન્ય રાજ્ય પોલીસ કાર્યવાહી કરે તો આપણે કેમ નહીં, આવા ખાતા ધારકોની વિગતો મેળવી આરોપી પર મની લોન્ડ્રીંગ જેવી ગંભીર કલમોથી કાર્યવાહી કેમ નહીં. પરંતુ જ્યારે સરકાર અને પોલીસ વિભાગની ઈચ્છા શક્તિની વાત આવે ત્યારે પત્રકારના સવાલો નકામા થઈ જતા હોય છે તેવું આ કિસ્સામાં પણ થતું રહ્યું છે. આ તમામ બાબતો વચ્ચે વિશાલ ગાલાના કેસમાં જે હકિકત અમદાવાદ સાયબર ક્રાઈમ શોધી લાવી તે કાબીલે દાદ છે. આ કેસમાં પોલીસે કરેલા ખુલાસા પરથી સમજી શકાય છે કે ઓનલાઈન સટ્ટો રમાડનાર અને રમનાર બંને ભારતીય છે. નાણાકીય વ્યવહારો પણ ગેરકાયદેસર છે અને કરોડોના છે. પરંતુ હવે પોલીસ ઉંડી તપાસ કરી મસમોટું ઓનલાઈન સટ્ટા કૌભાંડ બહાર લાવે છે કે કેમ તે સમય જ કહેશે. ઉપરાંત આ કેસમાં કરોડોની રકમ છે નાણાકીય વ્યવહારો ગેરકાયદેસર છે અને જુગારના છે તો આરોપીઓ પર મની લોન્ડ્રિંગની કલમો લાગશે કે કેમ, સરકાર જાગૃત થઈ ઘસાયેલા જૂના જુગાર ધારાના કાયદાને સુધારી ઓનલાઈન ગેમ્બલિંગ અટકાવે તેવા કાયદા લાવશે કે કેમ તેવા સવાલો પણ થઈ રહ્યા છે.

Follow on Social Media
Tushar Basiya
Tushar Basiyahttp://www.tbasiya.com/
Tushar Basiya Journalist For Navajivan.in . Tushar Studied Journalism From Mahatma M.K. Gandhi's Trust Navjivan school of journalism Ahmedabad.
RELATED ARTICLES
- Advertisment -

Most Popular