Friday, June 5, 2026
HomeGeneralઝૂલતા પુલ દુર્ઘટનાના આરોપી જયસુખ પટેલને જેલમાં મોકલવા આદેશ

ઝૂલતા પુલ દુર્ઘટનાના આરોપી જયસુખ પટેલને જેલમાં મોકલવા આદેશ

- Advertisement -

નવજીવન ન્યૂઝ. મોરબી: Morbi bridge collapse case today updates :મોરબીનો ઝૂલતો પુલ તૂટી પડતા 135 લોકોના મોત નિપજ્યા હતા. આ મામલે ઓરેવા કંપનીના ડિરેક્ટર અને કેસના આરોપી જયસુખ પટેલની(Oreva Group MD Jaysukh Patel) સરેન્ડર બાદ ધરપકડ કરવામાં આવી હતી. ત્યારે આજરોજ જયસુખ પટેલના રિમાન્ડ પૂર્ણ થતા મોરબી ચીફ જ્યુડિશિયલ કોર્ટે જયસુખ પટેલને જેલ હવાલે કરવાનો હુકમ કર્યો છે. મહત્વની વાત છે કે સાત દિવસ સુધી પોલીસ રિમાન્ડ પર રહેલા જયસુખ પટેલ પાસેથી પોલીસ કેવી માહિતી બહાર લાવી છે તે મામલે સત્તાવાર નિવેદન સામે આવ્યું નથી.

મોરબીના ઝૂલતા પુલની દુર્ઘટનાના ઘેરા પ્રત્યાઘાત રાજ્યભરમાં પડ્યા હતા. આ દૂર્ઘટના બાદ ઝૂલતા પુલનો કોન્ટ્રાક્ટ ધરાવતી ઓરેવા કંપનીની બેદરકારી સામે આવતા તેના વિરૂધ્ધ પોલીસ કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. પરંતુ શરૂઆતના દિવસોમાં ટિકીટ ચેકિંગ કરનાર અને રિપેરિંગ કરનાર તેમજ મજૂરોની ધરપકડ કરી મામલો ભીનો સંકેલવાનો પ્રયાસ થયો હતો. બાદમાં જનઆક્રોશ ફાટી નિકળતા પોલીસે ઓરેવા કંપનીના ડિરેક્ટર જયસુખ પટેલને પણ આરોપી તરીકે દર્શાવ્યો હતો. પરંતુ જયસુખ પટેલ ઘટના બાદ મહિનાઓ સુધી પોલીસ પકડથી દૂર રહ્યો હતો અને બાદમાં તેણે 24 જાન્યુઆરીના રોજ આગોતરા જામીન અરજી કરી હતી. પરંતુ કોર્ટે આ અરજી 1 ફેબ્રુઆરી સુધી મુલતવી રાખતા જયસુખ પટેલ કોર્ટ સમક્ષ સરેન્ડર કરવા પહોંચ્યો હતો. જયસુખ પટેલે કોર્ટમાં સરેન્ડર કરવામાં આવતા તેને પોલીસ કસ્ટડીમાં મોકલી દેવાયો હતો.

- Advertisement -

બાદમાં પોલીસે જયસુખ પટેલની ધરપકડ કરી વિધિવત કાર્યવાહી શરૂ કરી હતી. પોલીસે કાર્યવાહી કરી જયસુખને કોર્ટ સમક્ષ રજૂ કરી 14 દિવસની રિમાન્ડની માગણી કરતા કોર્ટે જયસુખના 8 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. 8 દિવસ સુધી પોલીસે જયસુખ પટેલની પુછપરછ કરી તપાસ હાથ ધરી હતી. પરંતુ હજુ સુધી આ મામલે જયસુખે શું ખુલાસા કર્યા છે તે બાબતે પોલીસે સત્તાવાર કોઈ નિવેદન આપ્યું નથી. પરંતુ આશંકા સેવાઈ રહી છે કે જયસુખ પટેલને કેસમાં ફરાર રહેવા દરમિયાન આશરો આપનાર વિરૂધ્ધ પણ કાર્યવાહી થઈ શકે છે. પોલીસે ગત 27 જાન્યુઆરીના રોજ મોરબી સેસન્સ કોર્ટમાં 1262 પાનાની ચાર્જશીટ રજૂ કરી હતી. આ ચાર્જશીટમાં આરોપી જયસુખ પટેલને ભાગેડુ દર્શાવવામાં આવ્યો હતો. ચાર્જશીટમાં પોલીસે જયસુખ પટેલે અંગત સ્વાર્તને ખાતર અધૂરા સમારકામે જ ઝૂલતા પુલને ખુલ્લો મુક્યાનો આરોપ લગાવ્યો છે. સાથે જ આર્થિક લાભ હોવાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. મહત્વની વાત છે કે, પોલીસ પકડથી નાસતા ફરતા જયસુખ પટેલ દેશ બહાર ન નિકળી જાય માટે પોલીસે લુકઆઉઠ નોટિસ પણ જાહેર કરી હતી.

ચાર્જશીટમાં પોલીસે સ્ફોટક માહિતી રજૂ કરતા ચકચાર મચી ગઈ હતી. જેમાં જયસુખ પટેલ વિરૂધ્ધ આરોપ છે કે, સમારકામની મુદત એક વર્ષ હોવા છતાં પણ માત્ર 6 મહિનામાં કામ પૂર્ણ કરી દેવાયું હતું. તેમજ પુલના કેબલમાં નબળો કેબલ હોવા છતા સમારકામમાં ગંભીરતા દાખવવામાં ન આવતા દુર્ઘટના ધટી છે. જ્યારે કુલ 49 તારમાંથી 22 તારનો કાટ ખાધેલી હાલતમાં હતા અને તેને રિપેર કરવામાં આવ્યા ન હતા. ઉપરાંત સમારકામ માટે કોઈ ટેકનિકલ મદદ વગર જ કામ આપી દેવામાં આવ્યું હતું અને નદી પરનો બ્રીજ હોવા છતાં કોઈ લાઈફ સપોર્ટ સિસ્ટમ પણ ઉપલબ્ધ ન હતી.

TAG: Morbi bridge collapse case updates today

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

- Advertisement -
  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular