Modasa Chain Snatching Incidence: મોડાસા: મોડાસા શહેરમાં ચેઇન સ્નેચિંગનો વધુ એક પ્રયાસ સામે આવતા મહિલાઓ અને વૃદ્ધોમાં ફફડાટ ફેલાયો છે. રામપાર્ક વિસ્તારમાં આવેલી સ્વામિનારાયણ સ્કૂલ નજીક સવારે એક મહિલા પોતાના પાંચ વર્ષીય ભત્રીજા સાથે મોપેડ પર પસાર થઈ રહી હતી ત્યારે બાઈક પર આવેલા બે શખ્સોએ તેના ગળામાંથી ચેઇન ખેંચવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, મહિલાએ હિંમત અને સમયસૂચકતા દાખવી સ્નેચરોનો પ્રતિકાર કરતા ચેઇન પરત ખેંચી લીધી હતી. પણ અહીં ચોંકાવનારું એ છે કે આસપાસ લોકો જોઈ રહ્યા હતા પણ કોઈ તે બહેનને બચાવવા વચ્ચે પડ્યું નહીં, તેણીએ એકલા હાથે લડત આપી અને ના માત્ર ચેઈન બચાવી પરંતુ તેનું બેગ આંચકી લીધુ.
પ્રાપ્ત માહિતી અનુસાર, આજે શુક્રવારે 11 સપ્ટેમ્બર 2026ના રોજ સવારે આશરે 8:20 વાગ્યે 37 વર્ષીય આરતીબેન ચિરાગભાઈ શાહ પોતાના પાંચ વર્ષીય ભત્રીજા રેયાંશ હિતેશભાઈ શાહને ટ્યુશનમાં મૂકવા જઈ રહ્યા હતા. દરમિયાન બુકાની બાંધેલા બે શખ્સો બાઈક પર તેમની મોપેડ પાસે આવ્યા હતા અને ચાલુ વાહને આરતીબેનના ગળામાંથી દોરો આંચકવાનો પ્રયાસ કર્યો હતો.
ચેઇન ખેંચવામાં સ્નેચરો સફળ થયા હતા, પરંતુ આરતીબેને હિંમત રાખીને તરત જ પ્રતિકાર કર્યો હતો. ઝપાઝપી દરમિયાન આરતીબેન અને પાંચ વર્ષીય રેયાંશ મોપેડ પરથી નીચે પડી ગયા હતા. બંનેને ઈજા પહોંચી હતી. તેમ છતાં આરતીબેને સ્નેચરોનો સામનો ચાલુ રાખ્યો અને આખરે તેમની પાસેથી ચેઇન પરત ખેંચી લીધી હતી.
આસપાસના લોકોને બૂમો પાડી પણ…
આરતીબેને આસપાસના લોકોને મદદ માટે બૂમો પાડી હોવાનું તેમના પતિ ચિરાગભાઈએ જણાવ્યું હતું. જોકે, કોઈ વચ્ચે ન પડતાં તેમણે પોતે જ બંને શખ્સોનો પ્રતિકાર કર્યો હતો. આ દરમિયાન ઝપાઝપી થતાં તેઓ સ્નેચરો પાસેથી પોતાની દોઢેક તોલાની ચેઇન પરત મેળવવામાં સફળ રહ્યા હતા.

સ્નેચરનું બેગ મહિલાએ ખેંચી લીધું, હથિયાર મળ્યાનો દાવો
આરતીબેનના પતિ ચિરાગભાઈ કહે છે કે, સવારે મારા પત્ની ભત્રીજા રેયાંશને ટ્યુશન મુકવા જતા હતા. ત્યારે આ ઘટના બની હતી. આ શખ્સોએ પહેલા તો મોંઢે બુકાની બાંધેલી હતી. તેઓ ચાલુ વાહનમાં આરતીના એક્ટીવાની પાસે આવ્યા અને તેમણે ગળામાંથી દોરો આંચકવાનો પ્રયાસ કર્યો અને તેમાં તેઓ સફળ પણ થયા પણ ત્યાં જ આરતીએ હિંમત રાખીને પ્રતિકાર કરતા તેઓ નીચે પડ્યા આ દરમિયાનમાં મારા પત્ની અને ભત્રીજો રેયાંશ પણ નીચે પડ્યા. જોકે મારા પત્નીએ જોયું કે તેમણે દોરો તોડી લીધો છે, તેમણે તેમનો પ્રતિકાર કરતા આસપાસના લોકોને બુમો પણ પાડી પણ કોઈ વચ્ચે પડ્યું નહીં. આખરે પોતે જ હિંમત રાખીને બંને શખ્સોનો પ્રતિકાર કરવા લાગી. દરમિયાન ઝપાઝપી થઈ અને મારા પત્નીએ દોરો શખ્સો પાસેથી પાછો ખેંચી લીધો અને એટલી વારમાં ગભરાયેલા બંને શખ્સો ત્યાંથી ભાગી છૂટ્યા પણ આરતીએ તેમનું બેગ પણ ખેંચી લીધું હતું. જેમાંથી અમને જોખમી હથિયારો મળી આવ્યા છે. જેને કારણે અમે આ મામલાની જાણ જ્યારે પોલીસને કરી ત્યારે આ મુદ્દામાલ પણ તેમને સોંપી દીધો છે. હવે પોલીસ સીસીટીવીના આધારે વધુ કાર્યવાહી કરી રહી છે. મારા માટે હાંશકારો એ છે કે બંને સલામત છે, જોકે રેયાંશને ઈજા વધારે થઈ છે અને મારા પત્ની પણ ઈજાગ્રસ્ત છે. હવે આગામી સમયમાં પોલીસ કાર્યવાહી કરશે.
ઘટના દરમિયાન આરતીબેન અને પાંચ વર્ષીય રેયાંશ બંને મોપેડ પરથી નીચે પડી જતાં ઈજાગ્રસ્ત થયા હતા. પરિવારના જણાવ્યા મુજબ રેયાંશને ઈજા વધુ પહોંચી છે, જ્યારે આરતીબેનને પણ ઈજા થઈ છે. બંનેને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.

સ્નેચરો ફરાર, CCTVના આધારે તપાસ
મહિલાની હિંમતના કારણે ચેઇન સ્નેચિંગનો પ્રયાસ નિષ્ફળ ગયો હતો, પરંતુ ઘટનામાં સંડોવાયેલા બંને શખ્સો ફરાર થઈ ગયા હોવાનું જાણવા મળ્યું છે. ભોગ બનનાર મહિલાએ મોડાસા ટાઉન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરી છે.
પોલીસ દ્વારા ઘટનાસ્થળ અને આસપાસના CCTV ફૂટેજના આધારે આરોપીઓને ઝડપી પાડવા કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી હોવાનું જાણવા મળ્યું છે.

મોડાસા પોલીસની કામગીરી સામે સવાલો
મોડાસા શહેરમાં ચેઇન સ્નેચિંગના પ્રયાસની ઘટના સામે આવતા પોલીસ પેટ્રોલિંગ અને ખાસ કરીને ડી-સ્ટાફની કામગીરી સામે પણ સવાલો ઉઠી રહ્યા છે. શહેરમાં સ્નેચરો સક્રિય હોવાના આક્ષેપો વચ્ચે ગુનાખોરી અટકાવવા પોલીસની સક્રિયતા કેટલી અસરકારક છે તે અંગે ચર્ચા શરૂ થઈ છે. આ શખ્સોના બેગમાં ઘાતક હથિયારો પણ હતા જેને કારણે લોકોમાં પણ ડરનો માહોલ છે. લૂંટ, ચોરી જેવી ઘટનાઓ પર પોલીસની ધાક બેસે તેવી લોકોની માગ છે.
હવે મોડાસા ટાઉન પોલીસ CCTV સહિતના પુરાવાના આધારે ફરાર બંને શખ્સોને કેટલી ઝડપથી ઝડપી પાડે છે અને ઘટનામાં મળેલા હથિયાર અંગે શું તપાસ થાય છે તેના પર સૌની નજર છે. હાલ તો પોલીસે જાણવાજોગ નોંધી છે પરંતુ આ મામલામાં FIR થશે કે કેમ અને શખ્સો પકડાશે કે કેમ તેને લઈને લોકોમાં કુતુહલ જાગ્યું છે, જે આગામી સમય સાથે સ્પષ્ટ થશે તેવો અંદાજ છે.








