નવજીવન આણંદઃ સતત ત્રણ વડાપ્રધાન સાથે સંયુક્ત સચિવ તરીકે રહેલા અને તેમની શાનદાર કારકીર્દી માટે જાણિતા હસમુખ શાહનું શુક્રવારે આણંદના કરમસદની એક હોસ્પિટલમાં નિધન થયું છે. 89 વર્ષિય હસમુખ શાહ લાંબા સમયથી બીમારી સામે લડી રહ્યા હતા. હાલ હોસ્પિટલના બિછાને જૈફ વયે તેમણે અંતિમ શ્વાસ લીધા છે. તેમણે પોતાની કારકીર્દી દરમિયાન ઘણી ઐતિહાસિક ઘટનાઓ જોઈ છે, તેમણે પોતાના ગુજરાતીમાં સંસ્મરણો ‘દીઠુ મેં’માં આ અંગેની વાત પણ રજુ કરી છે જેની અંગ્રેજી આવૃત્તિ ‘From The Margine of History’થોડા જ સમયમાં રિલિઝ થશે.
વર્ષ 1977થી તેઓ વડાપ્રધાન કાર્યાલયમાં ત્રણ ટર્મ સુધી રહ્યા અને તેઓએ આમ તો કેરિયરની શરુઆત 1957માં ગુજરાત યુનિવર્સિટીમાં સમાજશાસ્ત્ર વિષયના લેક્ચરર તરીકે કરી હતી અને તે પછી તેમણે 1963માં મહાત્મા ગાંધીના કાર્યો પર સંશોધન કર્યું હતું. તેમણે વડાપ્રધાન કાર્યાલયમાં મોરારજી દેસાઈ, ચૌધરી ચરણ સિંહ અને છેલ્લે ઈન્દિરા ગાંધી સાથે કામ કર્યું હતું.
1978માં જ્યારે જોરહાટમાં વડાપ્રધાનના વિમાનમાં દુર્ઘટના થઈ ત્યારે પણ તેઓ સાથે હતા અને આ ઉપતાં સિડની કોમનવેલ્થના વડાઓની બેઠક અને બોમ્બ ધડાકા તથા તિયાનેનમેન સ્કવેર વિદ્રોહ જેવી ઘણી ઐતિહાસિક ઘટનાઓના તેઓ સાક્ષી રહ્યા હતા. ઉપરાંત આઈપીસીએલનું ખાનગીકરણ થયું તે અગાઉ પણ તેઓ ત્યાં ચેરમેન અને એમડી (મેનેજીંગ ડાયરેક્ટર) હતા. આ ઉપરાંત ઘણી શૈક્ષિક સંસ્થાઓના પણ તેઓ અગ્રણી રહ્યા હતા.








