Rahul Gandhi on Paper Leak: નીટ (NEET) પેપર લીક (Paper Leak) મુદ્દે ચાલી રહેલા વિદ્યાર્થી આંદોલન વચ્ચે કોંગ્રેસ (Congress)ના નેતા અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી (Rahul Gandhi)એ ફરી એકવાર કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન (Dharmendra Pradhan)ને સરકારમાંથી હટાવવાની માંગ કરી છે. દિલ્હીના 10 જનપથ (10 Janpath) ખાતે ત્રણ વિદ્યાર્થીનીઓ સાથે યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં તેમણે જણાવ્યું કે વિદ્યાર્થીઓની ત્રણ મુખ્ય માંગણીઓ છે અને તેમાં કોઈપણ પ્રકારનો સમાધાન સ્વીકાર્ય નથી.
રાહુલ ગાંધીએ કહ્યું કે વિદ્યાર્થીઓની માંગ માત્ર સુધારાની નથી, પરંતુ ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની છે. તેમણે દાવો કર્યો કે માત્ર શિક્ષણ મંત્રી પદેથી રાજીનામું અપાવવું પૂરતું નથી, પરંતુ તેમને સમગ્ર મોદી સરકારમાંથી બહાર કરવામાં આવવા જોઈએ. તેમણે એવો પણ આક્ષેપ કર્યો કે જો ધર્મેન્દ્ર પ્રધાનને અન્ય કોઈ મંત્રાલય સોંપવામાં આવે તો તે પણ વિદ્યાર્થીઓને સ્વીકાર્ય નહીં હોય.
પ્રેસ કોન્ફરન્સ દરમિયાન રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કરતાં કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi) દેશના “ભૂતકાળ”નું પ્રતિનિધિત્વ કરે છે અને “ભૂતકાળ ભવિષ્ય સામે લડી શકતો નથી.”
આ પ્રસંગે જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી (Jawaharlal Nehru University – JNU)ની વિદ્યાર્થી નેતા નેહાએ પણ મીડિયા સાથે વાત કરી હતી. તેમણે દાવો કર્યો કે બિહારમાં વિરોધ પ્રદર્શન દરમિયાન મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓની અટકાયત કરવામાં આવી છે અને તેમની સ્થિતિ અંગે માહિતી મળી રહી નથી.
રાહુલ ગાંધીએ વિદ્યાર્થીઓની ત્રણ માંગણીઓનો પણ ઉલ્લેખ કર્યો. પ્રથમ, ધર્મેન્દ્ર પ્રધાનને કેન્દ્રીય મંત્રિમંડળમાંથી હટાવવામાં આવે. બીજી, વિદ્યાર્થીઓ પર બળપ્રયોગ કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવે. અને ત્રીજી, વિદ્યાર્થીઓ પર થયેલા લાઠીચાર્જ અને કથિત પેલેટ ગન (Pellet Gun) હુમલાને લઈને વડાપ્રધાન વિદ્યાર્થીઓની જાહેરમાં માફી માંગે.
તેમણે આરોપ લગાવ્યો કે વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ અને પેલેટ ગનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, જેમાં એક વિદ્યાર્થીની આંખને ગંભીર ઇજા પહોંચી હોવાનું પણ જણાવ્યું. તેમણે કહ્યું કે વિદ્યાર્થીઓની આ ત્રણ માંગણીઓ દેશભરના વિદ્યાર્થીઓની માંગ છે અને તેમાં કોઈ ફેરફાર કરવામાં આવશે નહીં.
આ દરમિયાન એવી ચર્ચાઓ પણ ચાલી રહી છે કે ધર્મેન્દ્ર પ્રધાનને શિક્ષણ મંત્રાલયમાંથી હટાવીને અન્ય કોઈ મંત્રાલય સોંપવાની વિચારણા થઈ રહી છે. જોકે રાહુલ ગાંધીએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે તેઓ આ પ્રકારના કોઈપણ નિર્ણયથી સહમત નથી અને ધર્મેન્દ્ર પ્રધાનને સરકારમાંથી સંપૂર્ણપણે દૂર કરવામાં આવવા જોઈએ.








