પ્રશાંત દયાળ (અક્ષરધામ અટેક. ભાગ-25): Akshardham Temple Attack Series : આદમને આખી રાત ઊંઘ આવી નહીં. તેણે જોયું તો ત્યાં ખુરશીમાં બેઠેલા જમાદાર સહિત ઊંધા મોઢે બેઠેલા તમામ ઘસઘસાટ ઊંધતા હતા. આદમને લાગ્યું કે, આ માણસો છે કે જાનવર! બેઠાં બેઠાં ઊંઘવાનું તો બાજુ પર રહ્યું; એક હાથ બાંધેલો હોવાના કારણે હાથ અધ્ધર રહેતો અને લોહી બધું નીચે તરફ આવી જતાં હાથની આંગળીઓ બહેરી થઈ જતી હતી. ઉપરથી બાકી હતું તો ક્રાઇમબ્રાંચનાં (Crime Branch) મચ્છર પણ ક્રાઇમબ્રાંચવાળા જેવાં જ હતાં. બહુ લોહી પીતાં હતાં.
આમ કરતાં કરતાં આદમને ક્યારે ઊંઘ આવી ગઈ, તેની ખબર જ ન પડી. અચાનક એને ભાસ થયો કે, હજી હમણાં જ આંખો મળી છે; ત્યાં કોઈએ તેની પીઠમાં અચાનક લાત મારી! તેની આંખો એકદમ ખુલી ગઈ. તેણે ગરદન પાછળ કરીને જોયું તો ચ્હાવાળો એક છોકરો હતો. આ ચ્હાવાળો ક્રાઇમબ્રાંચમાં ચ્હા આપતો હોવાને કારણે તેનો રૂઆબ પણ ક્રાઇમવાળા જેવો જ હતો. તેના એક હાથમાં કીટલી હતી અને બીજા હાથમાં પેપરકપ હતા. તેણે પુછ્યું “મીંયા, ચાય પીના હૈ?”
આદમે તેને હા પાડી. ચ્હાવાળાના ગળામાં એક લીલા રંગનું તાવીજ હતું. આદમ સમજી ગયો કે, ‘અપણેવાલા’ હે. આદમે જરા ધીમા અવાજે પુછ્યું, “યહાં એસે કબ તક રખતે હૈ?”
ચ્હાવાળો છોકરો ઉભડક પગે બેઠો અને સામો સવાલ કર્યો, “કિસ મેં આયા હૈ?”
આદમે કહ્યું, “વો હી પતા નહીં.”
ચ્હાવાળાએ આસપાસ નજર કરતાં કહ્યું, “તો લંબી સફર કી તૈયારી કરો. ‘દાઢીવાલા’ સા’બ બીના સબૂત લાતા નહીં ઔર યહાં કોઈ આયે તો ફીર બહાર જાતા નહીં.”
આટલું બોલીને તેણે પેપરકપમાં ચ્હા ભરી. આદમ પાસે કપ મૂકીને એ આગળ ચાલતો થયો. આદમ વિચારતો થઈ ગયો કે, આ ‘દાઢીવાળો’ સાહેબ કોણ હશે? જોકે હજી અમદાવાદ પણ પુરી રીતે ‘દાઢીવાળા’ સાહેબથી પરિચિત થયું નહોતું. તેમનું નામ હતું, ડાહ્યાજી વણઝારા. તેમને બધા ડી. જી. વણઝારા (D G Vanzara) તરીકે ઓળખતા હતા.
તેમની જિંદગી બહુ સઘર્ષમય હતી. વણઝારા જ્ઞાતિમાં જન્મ લેવો, ત્યારપછી પણ ઉચ્ચ શિક્ષણ મેળળવું અને પોલીસ અધિકારી તરીકે આ પદ પર પહોંચવું! ડી. જી. વણઝારા અને કે. જી. વણઝારા, બંને સગા ભાઈ. ડી. જી. પોલીસ અધિકારી થયા અને કે. જી. સનદી અધિકારી થયા. ડી. જી. વણઝારા ક્રાઇમબ્રાંચના ડેપ્યૂટી પોલીસ કમિશનર તરીકે ફરજ બજાવતા હતા.
ચ્હાવાળા છોકરાને દિવસમાં અનેક વખત ચ્હા આપવા આવવું પડતું હતું. જેથી તેને અંદરની બધી વાતની ખબર પડતી હતી. જોકે આદમનો ભેટો હજી ‘દાઢીવાલા’ સાહેબ સાથે થયો નહોતો.
બીજા દિવસે સવારના અગિયાર વાગી રહ્યા હતા. કારણ કે, એ મોટા રૂમમાં એક ઘડિયાળ પણ ટાંગેલી હતી. આદમની નજર વારંવાર ત્યાં જતી હતી. જે પોલીસવાળો એને લઈ આવ્યો હતો; તે ત્યાં આવ્યો અને જમાદારને કહ્યું, “ખોલો આને.”
જમાદારે ઊભા થઈ આદમનો હાથ ખોલ્યો. પોલીસવાળાએ તેને ઊભો થવાનું કહ્યું. સતત પલાંઠી મારી બેસી રહેવાને કારણે આદમના પગમાં ખાલી ચઢી ગઈ હતી. પોલીસવાળાએ આદમનું પેન્ટ કમરની પાછળથી પકડ્યું અને કોઈ જાનવરને ખેંચી જતો હોય એ રીતે ખેંચીને લઈ ગયો. એક ચેમ્બર પાસે તે રોકાયો. પહેલાં તેણે દરવાજો નોક કર્યો અને પછી દરવાજો ખોલતાં કહ્યું, “સર, આદમને લાવ્યો છું.”
એ.સી.પી. ગિરીશ સિંઘલે (ACP Girish Singhal) માથું હલાવી હા પાડી. પોલીસવાળો તેને લઈ અંદર આવ્યો. પોલીસવાળાએ આદમના પગમાં લાત મારતાં કહ્યું, “બેસી જા.”
આદમ જમીન પર બેસી ગયો. સિંઘલે પોલીસવાળા તરફ જોયું. તે સલામ કરી બહાર જતો રહ્યો. ગિરીશ સિંઘલ કોઈક ફાઈલ વાંચી રહ્યા હતા. લગભગ અડધો કલાક તે પોતાનું કામ જ કરતા રહ્યા. પછી ઊભા થઈને ચેમ્બરની બારી પાસે જઈ તેમણે સિગારેટ સળગાવી અને કસ ખેંચવા લાગ્યા.
તેમની સિગારેટ ચાલું જ હતી. તેમણે એકદમ ઊંધા ફરી આદમને પુછ્યું, “આદમ, તું તારી રીતે વાતની શરૂઆત કરીશ કે હું પુછીશ પછી તું જવાબ આપીશ?”
આદમે હાથ જોડતાં કહ્યું, “સાહેબ, હું પેલા સાહેબને આખા રસ્તા પુછતો રહ્યો કે, મારો કસુર શું છે? મને શું કામ લઈ જાવ છો? તે તો કહો; પણ સાહેબ, તેમણે મને કંઈ જ કહ્યું નહીં.”
સિંઘલે ધીમા અવાજે કહ્યું, “એટલે તને નથી ખબર કે, તને શું કામ લાવ્યા છે?”
આદમે માથું હલાવી ના પાડી. સિંઘલે કહ્યું, “સારું, એટલે તને લાગે છે કે, મને કંઈ જ ખબર નથી!”
આદમ મુંઝાઈ ગયો. કારણ કે, આ ગુગલી બોલ હતો. તે રમવો કે નહીં; તેની ખબર જ ન પડી. સિંઘલે બેલ મારી. પેલો કોન્સટેબલ તરત અંદર આવ્યો. તેમણે કોન્સટેબલને કહ્યું, “આ ભાઈ પહેલાં જેને લાવ્યા હતા; તેને લઈ આવ.”
કોન્સટેબલ જતો રહ્યો. સિંઘલ સિગારેટ પી રહ્યા હતા. આદમ વિચાર કરવા લાગ્યો કે, મારી પહેલા કોને લાવ્યા હશે? કોણ હશે? તેણે મારા વિશે શું કહ્યું હશે? પણ આદમને કંઈ જ યાદ આવ્યું નહીં. ત્યાં ચેમ્બરનો દરવાજો નોક થયો. પેલો પોલીસવાળો એક માણસને લઈ દરવાજામાં જ ઊભો રહ્યો. આદમની પીઠ દરવાજા તરફ હતી. સિંઘલે કહ્યું, “આદમ, પાછળ જો.”
આદમે દરવાજા તરફ જોયું. તે સ્તબ્ધ થઈ ગયો! દરવાજામાં સલીમ શેખ હતો. આદમ તેની સામે જોઈ જ રહ્યો. સિંઘલે આદમને થોડા મોટા અવાજે પુછ્યું, “આદમ, ઓળખે છે આને?”
તેણે હા પાડી. સિંઘલે પુછ્યું, “કોણ છે?”
આદમે કહ્યું, “સલીમ છે. અમારા એરિયામાં જ રહે છે.”
સિંઘલે પોલીસવાળાને કહ્યું, “લઈ જાવ એને.”
પોલીસવાળો સલીમને લઈ બહાર નીકળી ગયો. હવે ચેમ્બરમાં આદમ અને સિંઘલ, બે જ હતા. સિંઘલે આદમ સામે જોયું. તે પોતાના પગના નખ સામે જોઈ રહ્યો હતો. સિંઘલે કહ્યું, “જો આદમ, મારી પાસે તારી આખી કુંડળી છે. સલીમે મને બધું જ કહી દીધું છે. હવે તું પ્રેમથી વાત કરીશ કે લાતોનો ભૂત થઈશ?”
આદમ થોડીવાર ચૂપ રહ્યો; પછી તેણે વાતની શરૂઆત કરતાં કહ્યું, “સાહેબ, ઓટોરિક્ષા ચલાવી હું મારું ગુજરાન ચલાવું છું. મારો ભાઈ રસીદ રોજીરોટી માટે રિયાધ ગયો હતો. આ સલીમ પણ એની સાથે હતો. ત્યાં શું થયું, એ મને ખબર નથી. મારા ભાઈએ મને ફોન કરી કહ્યું હતું, આપણી કોમ પર બહુ જુલમ થાય છે. કોમ માટે કામ કરવાનો સમય આવી ગયો છે; એટલે મેં હા પાડી.”
(ક્રમશ:)
આ ઓપરેશનમાં NSG ના બે અને ગુજરાત પોલીસના બે જવાનો શહિદીને ભેટ્યા હતા. આ ધારાવાહિક કોઈપણ રાજકીય પક્ષ, ધર્મ, જાતિ, જ્ઞાતિ અને કોઈપણ વિચારધારાનું સમર્થન કે વિરોધ કરતી નથી. સત્ય બાબત જેટલી સરળતાથી સામાન્ય લોકો સુધી મૂકી શકાય; એ દિશામાં થયેલો એક પ્રયાસ છે.
પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796