Monday, January 20, 2025
HomeSeriesAkshardham Attackરિયાધથી રસીદે પોતાના ભાઈ આદમને ફોન કરી કહ્યું, ‘મહેમાન’ આવશે. તેમના માટે...

રિયાધથી રસીદે પોતાના ભાઈ આદમને ફોન કરી કહ્યું, ‘મહેમાન’ આવશે. તેમના માટે ભાડાનાં ઘરની વ્યવસ્થા કરજે

- Advertisement -

પ્રશાંત દયાળ (અક્ષરધામ અટેક. ભાગ-24): Akshardham Temple Attack Series : ક્રાઇમબ્રાંચ (Crime Branch) સામે હવે નવું નામ આવ્યું હતું. આદમ અજમેરી. તે રિયાધમાં (Riyadh) રહેલા રસીદ અજમેરીનો ભાઈ હતો. આદમ મૂળ તો રિક્ષા ડ્રાઇવર, પણ તેના માથા પર પોતાના ભાઈ રસીદની જેમ ધર્મ સવાર થઈ ગયો હતો. એટલે જ જ્યારે રસીદે રિયાધથી ફોન કરી આદમને કહ્યું કે, કોમ માટે કામ કરવાનું છે; ત્યારે માત્ર એટલું સાંભળતાં જ આદમ તૈયાર થઈ ગયો. તેણે રસીદને કોઈ સવાલ પણ કર્યો નહીં. કોમના કામ માટે રસીદે પૈસા પણ મોકલ્યા હતા. આ બધી હકીકત સલીમ શેખની પુછપરછમાં બહાર આવી હતી. હવે આદમની હાજરી જરૂરી હતી.

ક્રાઇમબ્રાંચની ટીમ અમદાવાદના (Ahmedabad) શાહપુર વિસ્તાર તરફ રવાના થઈ. શાહપુરમાં છેલ્લા કેટલાક દિવસથી ચર્ચા ચાલતી હતી કે, કંઈક ગરબડ છે. કારણ કે સલીમને પોલીસવાળા લઈ ગયા; તેની ઘણા લોકોને ખબર હતી, પણ પોલીસવાળા કોણ હતા? અને ક્યાંથી આવ્યા હતા? તે કોઈને ખબર નહોતી. બધાને આશ્ચર્ય એ વાતનું હતું કે, સલીમને પોલીસ લઈ ગઈ; તો પણ એના ઘરવાળા કેમ શાંત હતા! તેનું કારણ સમજાતું નહોતું. ક્રાઇમબ્રાંચની ટીમ આદમના ઘરે પહોંચી, ત્યારે આદમ ઘરે નહોતો. એ રિક્ષા લઈને ધંધો કરવા ગયો હતો. જોકે ક્રાઇમબ્રાંચે તેને શોધી કાઢ્યો.

- Advertisement -

આદમને ક્રાઇમબ્રાંચમાં લાવવામાં આવ્યો ત્યારે એના ચહેરા પર; કેમ લાવ્યા છે? એવા પ્રશ્ન સાથે ખૂબ ડર પણ હતો! પહેલા તો તેને ક્રાઇમબ્રાંચમાં લાવી ઉપરના માળે એક ખાસા મોટા રૂમમાં લઈ જવામાં આવ્યો. ત્યાંનો માહોલ જોઈને જ આદમ ડરી ગયો! આ મોટા રૂમમાં જમીનથી ત્રણ ફૂટ ઉપર દિવાલમાં હાથકડી ફિટ કરવામાં આવી હતી. ત્યાં ઘણા બધા દિવાલ તરફ મોઢું રાખીને બેઠા હતા.

આદમને જે પોલીસવાળો લઈ આવ્યો હતો એ સીધો તેને દિવાલ પાસે લઈ ગયો. ત્યાં બેઠેલા એસ.આર.પી. જવાન પાસેથી તેણે હાથકડી ખોલવાની ચાવી લીધી. એક હાથકડી ખોલી આદમને કહ્યું, “બેસી જા.”

આદમ કંઈ જ બોલી ન શક્યો. એ જાણે રોબોટ હોય, તેમ એક પછી એક આદેશ માની રહ્યો હતો. તે પલાંઠી વાળી, દિવાલ તરફ મોઢું રાખીને બેસી ગયો. પોલીસવાળાએ તેના એક હાથમાં હાથકડી પહેરાવી અને જતો રહ્યો. થોડીવાર પછી આદમે ગરદન ફેરવી પાછળ જોયું. તેના જેવા જેટલા હતા, એ બધા દિવાલ તરફ મોઢું રાખીને બેઠા હતા. તેમનો પણ એક હાથ બાંધેલો હતો. આ તમામની વચ્ચે પાંચ–પાંચ ફૂટનું અંતર હતું. જેથી તે એકબીજા સાથે વાત પણ કરી શકે તેમ નહોતા. એક એસ.આર.પી. જવાન ખુરશી પર બેઠો હતો. એ બધા ઉપર નજર રાખી રહ્યો હતો.

- Advertisement -

આદમને થોડો તો અંદાજ આવી ગયો હતો, પણ તેને હજી પાક્કી ખાતરી નહોતી કે, ખરેખર પોલીસને તેના પરાક્રમની કેટલી ખબર છે? એ આમ શાંત હતો, પણ ક્રાઇમબ્રાંચમાં લાવ્યા પછી, ત્યાંનો માહોલ જોઈને ભલભલાની સ્થિતિ બગડી જાય! ક્રાઇમબ્રાંચના ઉપરના માળે જે વિશાળ રૂમ હતો, તેમાં આદમ જેવા જે લોકો હતા, તે બધા વિવિધ ગુનામાં શંકાસ્પદ હતા. હજી તેમની સામે ગુનો નોંધાયો નહોતો. પોલીસની ભાષામાં તેમને ‘ઉપલક’ રાખ્યા હતા.

પોલીસ કાયદા પ્રમાણે કામ કરે; તો નેવુ ટકા ગુનાઓનો ભેદ ઉકેલાય જ નહીં. આ રૂમમાં બધા શંકાસ્પદ લોકો હતા. કોઈક એક અઠવાડિયાથી અહીંયાં હતો, તો કોઈકને મહિનો પણ થઈ ગયો હતો. આ ક્રાઇમબ્રાંચની એક સ્ટાઇલ હતી. જ્યારે પણ કોઈ શંકાસ્પદને લાવવામાં આવે; એની તરત પુછપરછ કરવાની નહીં. તેને આ રૂમમાં લાવી, દિવાલ તરફ મોઢું રાખી, હાથકડી બાંધીને ચોવીસ કલાક બેસાડી રાખવાનો. જેના કારણે આરોપીના મનમાં ડર ઊભો થાય. જેથી કેટલાક આરોપીઓ તો માર ખાધા વગર જ પોપટની જેમ બોલવા લાગતા. આ એક મેંટલ ગેમ હતી. કોઈ પણ માણસને તમે માર ન મારો અને કંઈ જ પુછો નહીં તો એના મનમાં સતત ડર વધતો જાય. તેવી આ પદ્ધતિ હતી.

કલાક, બે કલાક, ત્રણ કલાક થયા. અચાનક ત્યાં બેઠેલા એક માણસે જમાદારને કંઈક ઈશારો કર્યો. તે ખુરશીમાંથી કંટાળા સાથે ઊભો થયો. તેણે પોતાની રાયફલ ખભે લટકાવી અને પેલા માણસની હાથકડી ખોલતાં મોટા અવાજે પુછ્યું, “કોને કોને બાથરૂમ જવું છે?”

- Advertisement -

આદમે જોયું, તેના સિવાય બધાએ હાથ ઊંચો કયો હતો એટલે તેણે પણ હાથ ઊંચો કર્યો. જમાદારે એક પછી એક બધાની હાથકડી ખોલી. આદમ હજી નવો હતો. તેને અહીંના નિયમની ખબર નહોતી. નાનાં બાળકો રેલગાડી રેલગાડી રમતાં હોય; એ રીતે એક પછી એક, બધા લાઈનમાં ઊભા રહી ગયા. આદમ પણ બધાનું જોઈને તેમની પાછળ ઊભો રહી ગયો.

સૌથી આગળ જમાદાર ચાલવા લાગ્યો. પહેલા માળની સીડી ઉતરીને બરાબર સામે બાથરૂમ હતું. ત્યાં જમાદારે બધાને ઊભા રાખ્યા. એક નજર કરીને ખાતરી કરી કે, સંખ્યા તો બરાબર છે ને!

બપોર થઈ એટલે એક પોલીસવાળો હાથમાં પ્લાસ્ટિકની થેલી લઈને આવ્યો. રૂમમાં બેઠા હતા એ બધાની પાસે એક–એક થેલી મુકવા લાગ્યો. આ એ જ પોલીસવાળો હતો, જે આદમને લઈ આવ્યો હતો; એટલે આદમે તેને પુછવાની હિમંત કરી, “સાહેબ, મને કેમ લાવ્યા છો? તે તો કહો.”

પેલો પોલીસવાળો હસવા લાગ્યો. તેણે કહ્યું, “તારી બારાત નીકળવાની છે!”

આદમ ડરી ગયો! પેલા જમાદારે ફરી બધાની હાથકડી ખોલી. આદમે જોયું કે, બધાએ પાસે રહેલી થેલી ખોલી. તેણે પણ પોતાને આપવામાં આવેલી થેલી ખોલી. તેમાં પુરી અને શાક હતાં. શાક માટે એક પડિયો પણ હતો. આદમની ભુખ તો ડરના કારણે મરી ગઈ હતી, પણ બધા જમી રહ્યા હતા એટલે તેણે પણ જમવાનું શરૂ કર્યું. કેટલાક તો મહિનાઓથી ભુખ્યા હોય એ રીતે જમતા હતા.

આમ કરતાં કરતાં રાત પડી ગઈ. રાતનું જમવાનું પણ થઈ ગયું. હવે ઉપરના માળે ચહલપહલ ઓછી થવા લાગી હતી. હોલની ટ્યૂબલાઇટમાંથી એક લાઇટ બગડી ગઈ હોવાને કારણે સતત ઝબકી રહી હતી. ઝબકી રહેલી લાઇટનો પણ આદમને ડર લાગી રહ્યો હતો. નજીકમાં બેઠેલો પોલીસ જમાદાર પણ ખુરશીમાં ઝોકાં ખાઈ રહ્યો હતો. રૂમમાં બેઠેલા બધા હવે પોતાની જગ્યાએ સૂઈ રહ્યા હતા. આ પ્રકારે પલાંઠી વાળીને સુવાનો આદમનો પહેલો દિવસ હતો. તેને આ રીતે ઊંધ આવી રહી નહોતી.

(ક્રમશ:)

Part 23 : રિયાધમાં બધા શુક્રવારે ભેગા થતા. અબુ પણ તેમાં આવતો. તેણે કહ્યું, “અમદાવાદ ‘મહેમાન’ મોકલવાની વ્યવસ્થા હું કરીશ.”

આ ઓપરેશનમાં NSG ના બે અને ગુજરાત પોલીસના બે જવાનો શહિદીને ભેટ્યા હતા. આ ધારાવાહિક કોઈપણ રાજકીય પક્ષ, ધર્મ, જાતિ, જ્ઞાતિ અને કોઈપણ વિચારધારાનું સમર્થન કે વિરોધ કરતી નથી. સત્ય બાબત જેટલી સરળતાથી સામાન્ય લોકો સુધી મૂકી શકાય; એ દિશામાં થયેલો એક પ્રયાસ છે.

પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો

  • લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  • જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  • 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  • શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
  • દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
  • નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
Prashant Dayal
Prashant Dayal
પ્રશાંત દયાળ, ગુજરાતી પત્રકારત્વનું એવું નામ જેણે પત્રકારત્વની દુનિયાની તડકી છાંયડી જોઈ આજે પણ સતત કાર્યરત રહી સાચું પત્રકારત્વ લોકો સુધી પહોંચે તેના પ્રયત્નો ચાલુ રાખ્યા છે. એક ક્રાઈમ રિપોર્ટર તરીકેની તેમની સફર ગુજરાતી પત્રકારત્વમાં ઘણા બોધપાઠ આપનારી રહી છે. તેઓ હાલ રિપોર્ટિંગની સાથે સાથે, નવજીવન ટ્રસ્ટ સંચાલિત ડિપ્લોમા ઈન જર્નાલિઝમમાં અને સાબરમતી જેલમાં પત્રકારત્વના પાઠ પણ ભણાવે છે.
RELATED ARTICLES
- Advertisment -

Most Popular