પ્રશાંત દયાળ (અક્ષરધામ અટેક. ભાગ-17): Akshardham Temple Attack Series : ઓપરેશન ‘અટેક’ને (Operation Attack) સવાર સુધી રોકી દેવાનો આદેશ આવ્યા પછી, ગુજરાત પોલીસ અને સી.આઈ.એસ.એફ.ના (CISF) કમાન્ડોએ મોરચો સંભાળી લીધો હતો. બ્રિગેડિયર સિતાપતિનો (Brigadier Sitapati) આદેશ હતો કે, હવે ટેરરિસ્ટ તરફ એક પણ ફાયર કરવાનું નથી. માત્ર ટેરરિસ્ટ મંદિર પરિસરમાંથી બહાર ન નીકળી જાય, તેનું ધ્યાન રાખવા માટે જ ઘેરો નાખી રાખવાનો હતો. ટેરરિસ્ટને ઘેરીને બેઠેલા કમાન્ડોની રાયફલનાં નાળચાં ટેરરિસ્ટ તરફ હતાં, પણ બધાં જ નાળચા હવે શાંત હતાં. સતત ફાયરિંગને કારણે ગરમ થઈ ગયેલી બેરલ હવે ઠંડી પડી ગઈ હતી. આખાં અક્ષરધામમાં (Akshardham) નીરવ શાંતિ હતી. પરંતુ આ શાંતિ વચ્ચે તમામનાં મનમાં ઉચાટ તો હતો જ.
ખાસ કરીને સી.આઈ.એસ.એફ.ના એક કમાન્ડન્ટ બહુ નારાજ દેખાઈ રહ્યા હતા. તે પોતાની સાથે રહેલા સી.આઈ.એસ.એફ.ના કમાન્ડો સામે બહુ જ ધીરા અવાજે બળાપો ઠાલવી રહ્યા હતા. બીજા કોઈને પણ ખબર નહોતી કે, આ સાહેબ કેમ નારાજ થઈ રહ્યા છે? એન.એસ.જી.ના કમાન્ડો મંદિરમાં થઈ રહેલી ધીમી ચહલપહલ પર પણ નજર રાખી રહ્યા હતા. મંદિરની ફરતે જે કંપાઉન્ડ વોલ હતી, તેની બહારની તરફ પણ ગુજરાત પોલીસના કમાન્ડો ઘેરો નાખીને બેઠા હતા. મંદિરમાં એકદમ શાંતિ હોવાને કારણે હવે ક્યારેક તેમને પણ ઝોકાં આવી જતાં, પણ દર પાંચ મિનિટે લાલ લાઇટવાળી પેટ્રોલિંગ કાર રસ્તા પરથી પસાર થતી હતી. જેને કારણે ઝોકું ખાવું પણ અઘરું હતું.
અમારાં પેટમાં હવે પેટ્રોલ પુરાઈ ગયું હતું. સેક્ટર વીસમાં રહેતા આઈ.એ.એસ. અધિકારી કે. જી. વણઝારાના ઘરે અમને ચ્હા–પાણી અને નાસ્તો મળી ગયો હતો, પણ હવે પેટમાં પેટ્રોલ ગયું હોવાને કારણે અમારી આંખો પણ ઘેરાવા લાગી હતી. અમે પાછા સી.એમ. બંગલો તરફના રસ્તા પર આવી ગયા. પહેલાં જે બસસ્ટેન્ડ પર બેઠા હતા, ત્યાં જ પાછા આવીને ગોઠવાઈ ગયા. ત્યાં બે એસ.આર.પી. જવાન પણ રાયફલ બાજુમાં મૂકીને ગપ્પા મારી રહ્યા હતા. જોકે પહેલાં તો અમને જોતાં જ તેઓએ પોલીસની સ્ટાઇલમાં અમને ખખડાવી નાખ્યા. પછી અમે કહ્યું “જમાદાર, પ્રેસવાળા છીએ.”
અમારો જવાબ સાંભળીને તેમના અવાજનો ડેસિબલ એકદમ ધીમો થઈ ગયો. તેમણે કહ્યું, “આવો, બેસો.”
મને હસવું આવ્યું. કારણ, હમણા તો અમારી અને પોલીસ જમાદારની હાલત સરખી જ હતી. એક જમાદાર થોડી થોડી વારે પોતાની ઊંઘને દૂર રાખવા બીડી સળગાવી લેતો હતો. અમારા પણ જે સાથીઓ તંબાકુના બંધાણી હતા, તેઓ ગલોફામાં માલ દબાવી લેતા હતા. કારણ કે, પત્રકારોને પણ હવે ઝોકાં આવી રહ્યાં હતાં. અક્ષરધામમાં શાંતિ હતી, પણ સી.આઈ.એસ.એફ.ના જે કમાન્ડન્ટ નારાજ હતા, તેમણે પોતાના સાથીના કાનમાં કંઈક કહ્યું.
થોડીવાર પછી ગેટ નંબર–1ની બહાર ત્રણ માણસો નીકળ્યા. તેમાં સી.આઈ.એસ.એફ.ના નારાજ કમાન્ડન્ટ અને અન્ય બે કમાન્ડો હતા. ત્રણેયના હાથમાં પોતાનાં સરકારી આધુનિક હથિયાર હતાં. તેઓ ગેટ નંબર–1ની બહાર નીકળીને સીધા ચાલવા લાગ્યા. અક્ષરધામ ગેટ નંબર–1ની બરાબર સામે ખુલ્લું મેદાન હતું. સામાન્ય સંજોગોમાં ત્યાં અક્ષરધામ જોવા આવતા લોકો પોતાનાં વાહન પાર્ક કરતા. નાસ્તાની કેટલીક લારીઓ પણ ત્યાં ઊભી રહેતી, પણ અત્યારે આખું મેદાન ખાલી હતું. આ મેદાનની એક ખાસિયત એવી હતી કે, મેદાનની બહાર વચ્ચોવચ એક કુદરતી ટેકરી હતી. ખબર નહીં, આ ટેકરી કેવી રીતે બની! કદાચ એની કોઈને પણ ખબર નહોતી.
સી.આઈ.એસ.એફ.ના કમાન્ડન્ટ અને કમાન્ડો મેદાન તરફ ચાલવા લાગ્યા. તેમની તરફ કોઈએ ખાસ ધ્યાન આપ્યું નહીં. કદાચ તેઓ મેદાનમાં લઘુશંકા કરવા જતા હશે, તેવી શક્યતા પણ હતી. મેદાનના કિનારે પોલીસનાં વાહનો પડ્યાં હતાં. તેમાં ડ્રાઇવર અને વાયરલેસ ઓપરેટર ગપ્પા મારી રહ્યા હતા. કારણ, તેમની પાસે પણ કોઈ કામ નહોતું. ત્યારે રાતના ત્રણ–સાડા ત્રણ થઈ રહ્યા હશે. ગેટ નંબર–1 પાસે એક રૂમમાં ડી.એસ.પી. આર. બી. બ્રહ્મભટ્ટ (DSP RB Brahmbhatt) અને બ્રિગેડિયર સિતાપતિ બેઠા હતા. એ રૂમમાં ચ્હા પર ચ્હા આવી રહી હતી.
સિતાપતિને સિગારેટની આદત હતી. ઉપરાંત હમણા તો મનમાં ઘમસાણ ચાલી રહ્યું હતું. જેના કારણે દર દસ મિનિટે એક સિગારેટ સળગતી હતી. બધાને લાગી રહ્યું હતું કે, સમય બહુ ધીમે ચાલી રહ્યો છે. આ સવાર ક્યારે પડશે? તેવો નાનાં બાળક જેવો પ્રશ્ન બધાને થઈ રહ્યો હતો. ટેરરિસ્ટ તરફથી પણ કોઈ મૂવમેન્ટ નહોતી. ખબર નહીં, તેઓ જાગતા હતા કે સૂઈ ગયા હતા.
સવારના સાડા પાંચ થઈ ગયા હતા. આકાશમાં રહેલાં આછાં વાદળોને ચીરીને એકદમ હળવો પ્રકાશ જમીન તરફ આવી રહ્યો હતો. જોકે બ્રિગેડિયર સિતાપતિને ઓપરેશન ‘અટેક’ પાર પાડવા જેટલો પ્રકાશ જોઈએ, તેનો અભાવ હતો. આખી રાત જાગીને બધાની આંખો ભારે થઈ ગઈ હતી. ત્યાં અચાનક જ ધડધડધડ ગોળીઓ ચાલવાનો અવાજ આવ્યો. રૂમની અંદર રહેલા બ્રહ્મભટ્ટ અને સિતાપતિ એકદમ દોડતા બહાર આવ્યા. સિતાપતિએ મોટેથી ત્રાડ પાડતાં કહ્યું, “ફાયરિંગ કિસ ને કિયા?”
બીજી જ ક્ષણે સિતાપતિએ જોયું કે, મોરચો સંભાળીને બેઠેલા ગુજરાત પોલીસ, સી.આઈ.એસ.એફ. કે એન.એસ.જી.ના કમાન્ડો પૈકી કોઈ ફાયરિંગ કરી રહ્યું નહોતું. તો પછી ફાયરિંગ કોણ કરી રહ્યું હતું? સિતાપતિ સહિત ત્યાં હાજર પોલીસ અધિકારીઓ અચંબામાં પડી ગયા કે, ફાયરિંગ કોણ કરી રહ્યું છે! પણ કોઈને ખબર નહોતી કે, સી.આઈ.એસ.એફ.ની ક્વિક રિસ્પોન્સ ટીમના કમાન્ડન્ટ પોતાના બે કમાન્ડો સાથે રાતે જ અક્ષરધામ સામે આવેલા મેદાનની એક ટેકરી પર ઘેરો નાખીને બેઠા હતા.
કમાન્ડન્ટ જાણતા હતા કે, ટેકરી ઉપરથી ટેરરિસ્ટનું એક્ઝેટ લોકેશન પણ જોઈ શકાશે. તેઓ માત્ર સવારના પ્રકાશની જ રાહ જોઈ રહ્યા હતા. પોણા છ વાગ્યાની આસપાસ અજવાળું થતાં તેમણે ટેકરી ઉપરથી જોયું કે, બે યુવાનો હતા. જેમણે કાળા રંગ જેવાં કપડાં પહેર્યાં હતાં. તેમના હાથમાં AK47 રાયફલ્સ હતી. કમાન્ડન્ટ સમજી ગયા કે, એ જ ટેરરિસ્ટ છે. તેમને આ સમયનો જ ઇંતજાર હતો. તેમની સાથે રહેલા બન્ને કમાન્ડોની રાયફલ ટેરરિસ્ટ તરફ હતી. બન્યું એવું કે, સવારનો આછો પ્રકાશ શરૂ થતાં જ કમાન્ડન્ટ અને તેમના બે કમાન્ડો, ત્રણેની નજર એક સાથે ટેરરિસ્ટ પર પડી. કમાન્ડન્ટે પોતાના સાથીને પુછ્યું, “વો હમારી ફાયરિંગ રેંજ મેં હે?”
બંને કમાન્ડોએ કહ્યું, “જી જનાબ.”
કમાન્ડન્ટે આદેશ આપ્યો, “ફાયર.”
તરત ધડધડધડ ગોળી છૂટવા લાગી. અચાનક હુમલો થશે, તેવો ટેરરિસ્ટને પણ અંદાજ નહોતો. ખાસ કરીને કઈ દિશામાંથી ફાયરિંગ થઈ રહ્યું છે, તેની પણ તેમને ખબર પડી નહીં. કારણ, અપેક્ષા કરતાં વિરુદ્ધ દિશામાંથી ગોળી બાર થઈ રહ્યો હતો.
(ક્રમશ:)
આ ઓપરેશનમાં NSG ના બે અને ગુજરાત પોલીસના બે જવાનો શહિદીને ભેટ્યા હતા. આ ધારાવાહિક કોઈપણ રાજકીય પક્ષ, ધર્મ, જાતિ, જ્ઞાતિ અને કોઈપણ વિચારધારાનું સમર્થન કે વિરોધ કરતી નથી. સત્ય બાબત જેટલી સરળતાથી સામાન્ય લોકો સુધી મૂકી શકાય; એ દિશામાં થયેલો એક પ્રયાસ છે.
પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796