Wednesday, December 11, 2024
HomeSeriesAkshardham Attackબંને ટેરરિસ્ટની લાશ લોહીમાં લથબથ પડી હતી, પણ હજી તેમની નજીક જવામાં...

બંને ટેરરિસ્ટની લાશ લોહીમાં લથબથ પડી હતી, પણ હજી તેમની નજીક જવામાં જોખમ હતું; કદાચ તેમણે એક્સપ્લોઝિવ પણ પહેર્યાં હોય!

- Advertisement -

પ્રશાંત દયાળ (અક્ષરધામ અટેક. ભાગ-18): Akshardham Temple Attack Series : અક્ષરધામ મંદિર પરિસરમાંથી ગુજરાત પોલીસ, સી.આઈ.એસ.એફ. અને એન.એસ.જી., કોઈ ગોળીબાર કરી રહ્યું નહોતું. કારણ, બ્રિગેડિયર સિતાપતિનો (Brigadier Sitapati) આદેશ હતો કે, સવારનું અજવાળું થાય ત્યાર પછી જ ઓપરેશન ‘અટેક’ (Operation Attack) આગળ વધશે. ત્યાં સુધી તમામ કમાન્ડોએ પોતાની પોઝિશન સંભાળીને માત્ર ટેરરિસ્ટને બહાર નીકળકતા અટકાવવાના હતા. સિતાપતિના આદેશ પ્રમાણે કોઈએ ફાયરિંગ કરવાનું નહોતું, છતાં ધાણી ફૂટે તેમ ગોળીઓ ચાલવા લાગી હતી.

ટેરરિસ્ટ ઉપર અચાનક ગોળીબાર શરું થતાં તેમને પણ સ્થિતિ સમજતાં થોડો સમય લાગ્યો. તેઓ સંતાઈને બેઠા હતા, તેની ડાબી તરફથી ફાયરિંગ થઈ રહ્યું હતું. ડાબી તરફ તો મંદિરની કંપાઉન્ડ વોલ અને ત્યાર પછી રસ્તો શરૂ થતો હતો, પણ ગોળીબાર તે જ દિશામાંથી થતો હતો. ટેરરિસ્ટે ફાયરિંગની દિશામાં ગોળીબાર શરૂ કર્યો. તે પણ હવે વળતો જવાબ આપી રહ્યા હતા. આમ, બંને તરફથી હવે ફાયરિંગ શરૂ થતાં બ્રિગેડિયર સિતાપતિની મુંઝવણમાં વધારો થયો. આ સ્થિતિ બહુ જ તણાવયુક્ત અને અસંમજસવાળી હતી. સિતાપતિએ પોઝિશન લઈને બેઠેલા એન.એસ.જી.ના (NSG) કમાન્ડોને આદેશ આપ્યો, “ફાયર.”

- Advertisement -

મંદિરની બરાબર સામે ખુલ્લાં મેદાનની ટેકરી ઉપર રહેલા સી.આઈ.એસ.એફ.ના કમાન્ડો અચૂક નિશાન લઈ રહ્યા હતા. થોડીક મિનિટના ફાયરિંગ પછી ટેકરી ઉપર રહેલા કમાન્ડન્ટને ખ્યાલ આવી ગયો કે, ખેલ પૂરો થઈ ગયો છે. તેણે પોતાના કમાન્ડોને કહ્યું, “ચાલો, નીકળીએ.”

કમાન્ડન્ટના ચહેરા ઉપર ખુશી હતી, પરંતુ આ ખુશી વિચિત્ર પણ હતી. કારણ કે, તે પોતાનો આનંદ કોઈની સાથે વ્યકત કરી શકે તેવી સ્થિતિમાં નહોતા. તેઓ પોતાનાં વાહન પાસે આવ્યા અને વાહનમાં બેસી કેમ્પ તરફ જવા રવાના થઈ ગયા.

આ તરફ મંદિરમાં રહેલા એન.એસ.જી. કમાન્ડો ફાયરિંગ કરતાં કરતાં ટેરરિસ્ટ જ્યાં સંતાયા હતા, તે દિશામાં આગળ વધવા લાગ્યા. તેમના આશ્ચર્ય વચ્ચે હવે ટેરરિસ્ટ તરફથી ફાયરિંગનો વળતો જવાબ આવી રહ્યો નહોતો. એન.એસ.જી. કમાન્ડો એકદમ ટેરરિસ્ટ પાસે પહોંચી ગયા. તેમના શરીર પર અસંખ્ય ગોળીઓનાં નિશાન હતાં. લોહી પણ વહી રહ્યું હતું. ટેરરિસ્ટ જીવે છે કે મરી ગયા, તે જોવા કરતાં તેમને મારવા અનિવાર્ય હતા. એન.એસ.જી. કમાન્ડોએ પોતાની રાયફલની તમામ ગોળીઓ ખાલી ન થઈ જાય, ત્યાં સુધી તેમની ઉપર ધડધડધડ ગોળી ચલાવી. બંને ટેરરિસ્ટ ઉપર પાંત્રીસ કરતાં વધુ ફાયરિંગ થયા હતા. તે જીવતા હોય તેવી કોઈ શક્યતા નહોતી. પરંતુ હજી લોહીમાં લથબથ ટેરરિસ્ટના શરીર પાસે જવાનો સમય નહોતો.

- Advertisement -

એન.એસ.જી.ને તાલીમમાં આ પ્રકારના ઓપરેશનનાં ભયસ્થાન પણ ભણાવવામાં આવે છે. કોઈ ટેરરિસ્ટ માર્યો ગયો હોય, પણ તેના શરીર ઉપર તેણે કોઈ સ્ફોટક પદાર્થ બાંધી દીધો હોય; તો નજીક પહોંચતાં અથવા તેનાં શરીરને સ્પર્શ કરતાં જ બ્લાસ્ટ થઈ શકે છે. એન.એસ.જી. કમાન્ડોએ તરત મંદિરમાં રહેલી ફાયર સિસ્ટમ ઓન કરી અને ટેરરિસ્ટના શરીર ઉપર પાણીનો મારો ચલાવ્યો. હવે સ્થિતિ નિયંત્રણમાં છે; તેવી ખાતરી થતાં કમાન્ડો ટેરરિસ્ટના શરીર પાસે પહોંચ્યા. ત્યારે તેમનો શ્વાસ થંભી ગયો હતો.

સવારના સાડા છ વાગ્યે ઓપરેશન ‘અટેક’ સમાપ્ત થયું હોવાની જાહેરાત કરવામાં આવી. સાથે આખાં અક્ષરધામ પરિસરને ફરી એક વખત ચેક કરી લેવામાં આવ્યું. સબ સલામત હોવાની ખાતરી થતાં મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને (CM Narendra Modi) સત્તાવાર રીતે જાણ કરવામાં આવી કે, એન.એસ.જી. દ્વારા બે ટેરરિસ્ટનો સફાયો કરાયો છે. થોડી જ વારમાં મુખ્યમંત્રી સાથે દેશના ગૃહમંત્રી લાલકૃષ્ણ અડવાણી ( LK Advani) અને સિનિયર અધિકારીઓ અક્ષરધામ આવી પહોંચ્યા. તેમણે એન.એસ.જી. કમાન્ડો અને ગુજરાત પોલીસના અધિકારીઓને અભિનંદન આપ્યા. આમ, ગુજરાત ઉપર થયેલા પહેલા આતંકી હુમલામાં બે આતંકીઓ માર્યા ગયા.

આ હુમલામાંથી ગુજરાત પોલીસ ઘણું બધું શીખી. ક્યાં ત્રુટિઓ રહી હતી અને ક્યાં અપગ્રેડ થવાની જરૂર છે, એનો અંદાજ આવ્યો હતો. નરેન્દ્ર મોદી અને લાલકૃષ્ણ અડવાણી અક્ષરધામની મુલાકાત લઈ રવાના થયા. હવે ગુજરાત પોલીસે પોતાની કામગીરી શરૂ કરવાની હતી.

- Advertisement -

એન.એસ.જી.ના અધિકારીઓએ માર્યા ગયેલા ટેરરિસ્ટ પાસેથી જે કંઈ મળ્યું તે બધું ગુજરાત પોલીસના અધિકારીઓને સોંપ્યું. જેમાં બે AK47 રાયફલ, હેન્ડગ્રનેડ, કારતુસો અને કાજુ–બદામનાં પેકેટ પણ હતાં. કારણ, ટેરરિસ્ટ લાંબી લડાઈ લડવાની તૈયારી સાથે આવ્યા હતા. તેવા સંજોગો માટે તેમની પાસે ડ્રાયફ્રૂટ્સ પણ હતાં.

એન.એસ.જી.ના અધિકારીઓ ટેરરિસ્ટ પાસેથી જે કંઈ મળ્યું તે ગાંધીનગરને પોલીસને યાદી બનાવીને સુપરત કરી રહ્યા હતા. જેમાં એક સૂચક બાબત એ હતી કે, આ યાદીમાં એક ચીઠ્ઠી હતી. ચીઠ્ઠી ઉર્દૂ ભાષામાં હતી. માર્યા ગયેલા ટેરરિસ્ટ દુનિયાને જણાવવા માગતા હતા કે, તેમણે અક્ષરધામ ઉપર હુમલો કેમ કર્યો! જોકે હજી તે પણ નક્કી થયું નહોતું કે, માર્યા ગયેલા લોકો કોણ છે? તેમને કોણે મોકલ્યા છે? આ પ્રકારના અનેક સવાલના જવાબ મેળવવાના બાકી હતા. ત્યાં હાજર ડી.એસ.પી. આર. બી. બ્રહ્મભટ્ટે (DSP RB Brahmbhatt) ડેપ્યૂટી એસ.પી. ગિરીશ સિંઘલને (Girish Singhal) બોલાવીને કહ્યું, “સિંઘલ, સરકાર પક્ષે તમે ફરિયાદી બનો અને ગુનો નોંધો.”

ગિરીશ સિંઘલ સરકાર પક્ષે ફરિયાદી થયા અને ગુના રજીસ્ટર નંબર 314/2002ની ફરિયાદ નોંધાઈ.

(ક્રમશ:)

Part 17 : CISFના કમાન્ડન્ટે પોતાના સાથી જવાનને પુછ્યું, “વો હમારી ફાયરિંગ રેંજ મેં હે?” જવાને કહ્યું, “જી જનાબ.” અને આદેશ મળ્યો, “ફાયર.”

આ ઓપરેશનમાં NSG ના બે અને ગુજરાત પોલીસના બે જવાનો શહિદીને ભેટ્યા હતા. આ ધારાવાહિક કોઈપણ રાજકીય પક્ષ, ધર્મ, જાતિ, જ્ઞાતિ અને કોઈપણ વિચારધારાનું સમર્થન કે વિરોધ કરતી નથી. સત્ય બાબત જેટલી સરળતાથી સામાન્ય લોકો સુધી મૂકી શકાય; એ દિશામાં થયેલો એક પ્રયાસ છે.

પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો

  • લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  • જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  • 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  • શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
  • દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
  • નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
Prashant Dayal
Prashant Dayal
પ્રશાંત દયાળ, ગુજરાતી પત્રકારત્વનું એવું નામ જેણે પત્રકારત્વની દુનિયાની તડકી છાંયડી જોઈ આજે પણ સતત કાર્યરત રહી સાચું પત્રકારત્વ લોકો સુધી પહોંચે તેના પ્રયત્નો ચાલુ રાખ્યા છે. એક ક્રાઈમ રિપોર્ટર તરીકેની તેમની સફર ગુજરાતી પત્રકારત્વમાં ઘણા બોધપાઠ આપનારી રહી છે. તેઓ હાલ રિપોર્ટિંગની સાથે સાથે, નવજીવન ટ્રસ્ટ સંચાલિત ડિપ્લોમા ઈન જર્નાલિઝમમાં અને સાબરમતી જેલમાં પત્રકારત્વના પાઠ પણ ભણાવે છે.
RELATED ARTICLES
- Advertisment -

Most Popular