પ્રશાંત દયાળ (અક્ષરધામ અટેક. ભાગ-1): Akshardham Temple Attack Series સાંજના પાંચ વાગી રહ્યા હતા. આખો દિવસ કોર્ટમાં જુબાની આપીને સબ ઇન્સપેક્ટર ભરત પટેલનું માથું ફાટી રહ્યું હતું. 1995માં પોલીસ સબ ઇન્સપેક્ટર તરીકે જોડાયા પછી ભરત પટેલે ગાંજાનો એક મોટો કેસ કર્યો હતો. તેનો રોમાંચ હજી પણ મનમાંથી જતો નહોતો. જોકે નાર્કોટિક્સનો કેસ કર્યા પછી કોર્ટની એક લાંબી પ્રક્રિયામાંથી પસાર થવું પડતું હોય છે. તેમનો આ પહેલો અનુભવ હતો.
આમ તો ભરત પટેલનું પોસ્ટિંગ ગાંધીનગરનાં ડભોડા પોલીસ સ્ટેશનમાં હતું. દહેગામથી આશરે પાંચ-સાત કિલોમીટર દૂર ડભોડા આવેલું છે. જો આ ડભોડામાં હનુમાનજીનું પૌરાણિક મંદિર ન હોત, તો ડભોડા માત્ર ડભોડા જ રહી જતું; પણ હનુમાનજીને કારણે ડભોડા ‘ડભોડિયા હનુમાન’ તરીકે આજે ઓળખાય છે.
કેસ તો ડભોડાનો હતો, પણ કોર્ટ ગાંધીનગરનાં સેકટર–30માં આવેલી હતી એટલે ભરત પટેલ ગાંધીનગર કોર્ટમાં જુબાની આપવા આવ્યા હતા. કોર્ટ સામે હાજર રહેવાનું હતું એટલે પોલીસ યુનિફોર્મ પહેરવો પણ અનિવાર્ય હતો. છ ફૂટની ઊંચાઈ ધરાવતા સબ ઇન્સપેક્ટર ભરત પટેલ પોલીસ યુનિફોર્મમાં ‘જક્કાસ’ લાગી રહ્યા હતા. જાણે કોઈ હિન્દી ફિલ્મનો ‘સિંઘમ’ પોલીસ અધિકારી હોય તેવા દેખાતા હતા!
કોર્ટની બહાર નિકળીને ભરત પટેલ પોતાની બુલેટ મોટરસાયકલ પાસે પહોંચ્યા. બુલેટ તેમની પ્રિય હતી. જાણે પ્રેમિકાને જોતાં હોય, તેમ તેમણે પોતાની બુલેટને જોઈ! પછી પોતાની પી–કેપ ઉતારીને બુલેટની સીટ પર મૂકી. આખો દિવસ પી–કેપ પહેરી રાખી હોવાને કારણે માથું ભીનું થઈ ગયું હતું. તેમણે માથા પર રૂમાલ ફેરવ્યો. તરત તેમના ચહેરા પર આછું સ્મિત આવ્યું. પોલીસમાં જોડાયા ત્યારે માથામાં ભરાવદાર વાળ હતા. આજે માથા પર હાથ ફેરવ્યો ત્યારે અનાયાસે લાગ્યું કે, વાળ હવે ઓછા થતાં જાય છે. જોકે હજી ટાલ પડવાની શરૂઆત થઈ નહોતી. ત્યારે ભરત પટેલની નજર સામે જાસ્મીનો ચહેરો આવી ગયો.
ડાબા હાથનો અંગુઠો અને પહેલી આંગળી મૂકીને એક ક્ષણ માટે બંને આંખો બંધ કરી. તરત તેમને યાદ આવ્યું કે, અરે! ચાર–પાંચ કલાક થઈ ગયા છે. સિગારેટ પીધી નથી! કદાચ એટલે જ માથું ભમી રહ્યું હતું. હાથમાં રહેલાં પાઉચમાંથી સિગારેટ કાઢી અને બે હોઠ વચ્ચે મૂકી. લાઈટર વડે સળગાવીને એક ઊંડો કસ ખેંચ્યો અને ફેફસાં સુધી તેની અસર થઈ. જાણે કોઈએ પ્રાણ ફૂંક્યો હોય એવું લાગ્યું! એક કસ, બે કસ અને ત્રણ કસ થયા ત્યાં સુધીમાં તો ભરત પટેલ સિગારેટના ધુમાડા વચ્ચે વિચારોમાં ખોવાઈ ગયા. આખો દિવસ તેમનું મન અનડિટેક્ટ ક્રાઇમ અને તપાસમાં ખોવાયેલું રહેતું. જેને કારણે અનેક વખત જાસ્મી ગુસ્સે થતી કે, તમે મારી સાથે હોવ છો; પણ વિચારો તો ક્યાંક બીજે જ ભટકતા હોય છે! જાસ્મીની વાત પણ સાચી હતી.
અચાનક ભરત પટેલનો ફોન વાઇબ્રેટ થવા લાગ્યો. તે જુબાની આપવા આવ્યા હોવાને કારણે મોબાઈલ ફોન વાઇબ્રેશન મોડ પર મૂક્યો હતો. પેન્ટનાં નીચેનાં ખિસ્સામાંથી ફોન બહાર કાઢયો અને કોનો ફોન છે, તે જોવા માટે સ્ક્રીન જોઈ. તેમની આંખો જરા મોટી થઈ ગઈ. ભરત પટેલને અનેક લોકોના નામ ટૂંકા નામે સેવ કરવાની આદત હતી. ફોનની સ્ક્રીન ઉપર નામ બ્લિંક થઈ રહ્યું હતું, ‘GLS’. ભરત પટેલે ફોન રિસિવ કરતાં પહેલાં જમણા હાથમાં રહેલી સિગારેટ જમીન પર ફેંકી અને તેને બૂટથી રગદોળી નાખી. તરત ફોન રિસિવ કરતાં કહ્યું, “જયહિંદ સર.”
સામેથી છેડેથી પૂછવામાં આવ્યું, “ભરત, ક્યાં છો?”
ભરત પટેલ ફોન ઉપર જ વાત કરી રહ્યા હતા, પણ એકદમ સાવધાન થઈ ગયા. પોલીસને થોડી નજીકથી ઓળખનારને પણ અંદાજ આવી જાય કે, ભરત પટેલ જેમની સાથે વાત કરી રહ્યા છે, તે કોઈ સિનિયર અધિકારી છે. ભરત પટેલે કહ્યું, “સર, મુદત હતી એટલે ગાંધીનગર કોર્ટમાં આવ્યો હતો.”
પછી સામેથી જે આદેશ મળી રહ્યો હતો; તેમાં ભરત પટેલ માત્રને માત્ર “સર.” “સર.” “સર.” કહી રહ્યા હતા. છેલ્લો આદેશ હતો, “ભરત, તરત અક્ષરધામ પહોંચો.”
ભરત પટેલે ફોન કટ કરતાં કહ્યું, “સર.”
ભરત પટેલ વિચાર કરવા લાગ્યા કે, શું થયું હશે અક્ષરધામમાં? તેમનો જમણો હાથ તરત ડાબી તરફ કમ્મર પર ગયો અને ભરત પટેલને ફાળ પડી! કારણ કે,, સાહેબે તરત અક્ષરધામ આવવાનું કહ્યું, પણ પોતાની સર્વિસ પિસ્તોલ તો આજે ઘરે જ હતી. કોર્ટમાં આવવાનું હતું એટલે પિસ્તોલ ઘરે પાઉચમાં મૂકી હતી. સાહેબે કહ્યું છે કે, અક્ષરધામ ફાયરિંગ થઈ રહ્યું છે એટલે વેપન તો જોઈશે. હવે જો ભરત પટેલ પિસ્તોલ લેવા જાય તો મોડું થઈ જાય. ભરત પટેલનું મન એકદમ વ્યાકુળ થઈ ગયું. એવામાં તરત યાદ આવ્યું કે, પોતાના ઘરની પાસે એક મેડિકલ સ્ટોર છે. તેમને મેડિકલ સ્ટોરના માલિક સાથે થોડીક મિત્રતા પણ ખરી. ભરત પટેલે તરત પોતાનો ફોન ખોલ્યો અને નામ શોધી મેડિકલ સ્ટોર પર રિંગ કરી. ભરત પટેલનો અવાજ મેડિકલ સ્ટોરનો માલિક તરત ઓળખી ગયો. “બોલો સાહેબ.”
ભરત પટેલ ઉતાવળમાં હતા. છતાં પોતાની કાયમી સ્ટાઇલમાં કહ્યું, “દોસ્ત એક મદદ કરવી પડશે. તરત મારા ઘરે જાવ. મારી વાઈફ તમને એક પાઉચ આપશે. તે લઈ તરત મને અક્ષરધામ આપી જાવને. બહુ ઇમરજન્સી છે.”
ભરત પટેલ આખી વાત એક જ શ્વાસમાં બોલી ગયા. મેડિકલ સ્ટોરના માલિકે “જી… જી, સર.” કહેતાં ફોન મૂક્યો.
ભરત પટેલે તરત બીજો ફોન ડાયલ કર્યો. ‘HM’. એટલે આ નંબર તેમની પત્ની જાસ્મીનો હતો. ફોન ઉપડતાં જ કહ્યું, “જાસ્મી, દેખો, વો મેડિકલ સ્ટોરવાલા આયેગા. વોર્ડરોબ મેં મેરા વેપન કા પાઉચ હે. તુરંત ઉસ કો દે દેના.”
જાસ્મીએ પુછ્યું, “ક્યા હુવા હે?”
ભરત પટેલે કહ્યું, “અભી વકત નહીં બાત કરને કા. ઘર આ કે બાત કરેગેં.”
આટલું કહી તેમણે ફોન કાપી નાખ્યો અને બુલેટ પર બેસી ગયા. કિક મારતાં પહેલાં મિટર એડજસ્ટ કર્યું અને પહેલી કિકમાં બુલેટ ચાલું કરી. ત્યારે ઓલ્ડ બુલેટનો જમાનો હતો. કિક મારતાં પહેલાં મિટર એડજસ્ટ ન કરો તો કિક પગ તોડી નાખતી હતી. ભરત પટેલની બુલેટ અક્ષરધામ જવાના રોડ પર દોડવા લાગી હતી.
ભરત પટેલને જેમણે ફોન કરીને બોલાવ્યા હતા, એ ગાંધીનગરના ડી.વાય.એસ.પી. હતા. જી. એલ. સિંઘલ. તેઓ મૂળ અમદાવાદના વતની હતા અને ઇન્કમટેક્સ અધિકારી હતા. પણ પોલીસફોર્સમાં જવાનો શોખ હતો એટલે ઇન્કમટેક્સની નોકરી સાથે જી.પી.એસ.સી.ની પરીક્ષા આપી અને ડાયરેક્ટ ડી.વાય.એસ.પી. તરીકે ગુજરાત પોલીસમાં જોડાયા હતા. હમણાં તેમનું પોસ્ટિંગ ગાંધીનગરમાં હતું.
બપોર થતાં તેઓ ઘરે જમવા આવ્યા હતા અને થોડીક વાર આડા પડીને ફરી ઓફિસ જવા માટે તેમણે હજી તો યુનિફોર્મ પહેર્યો જ હતો, ત્યારે મોબાઈલ ફોનની રિંગ વાગી. તેમણે જોયું તો સ્ક્રીન ઉપર કોઈ ડાભીનું નામ હતું. ફોન ઉપાડતાં પહેલાં તેમણે વિચાર કર્યો કે, કોણ હશે ડાભી? તેમને તરત યાદ આવ્યું; હા, અમદાવાદનાં શહેર કોટડા પોલીસ સ્ટેશનનો કોન્સટેબલ ડાભી હતો.
તેમણે ફોન ઉપાડતાં કહ્યું, “બોલ ડાભી.”
ડાભીએ ઉતાવળે “જયહિંદ” કહેતાં કહ્યું, “સર, મારો છોકરો અક્ષરધામ જોવા માટે આવ્યો છે. તેનો ફોન હતો કે અક્ષરધામમાં ફટાકડા ફૂટી રહ્યા હોય તેવો અવાજ આવી રહ્યો છે. પણ સર મને કંઈક ગરબડ લાગે છે.”
એની વાત ચાલું હતી ત્યારે જી. એલ. સિંઘલનો ચહેરો ગંભીર થઈ રહ્યો હતો. ડાભીની માહિતી કંઈ ઠોંસ નહોતી, પણ એક પિતા તરીકે એ બોલ્યા વગર શું કહેવા માગી રહ્યો હતો, એનો અંદાજ સિંઘલને એક સિનિયર પોલીસ અધિકારી તરીકે આવી રહ્યો હતો. સિંઘલે ડાભીને કહ્યું, “ડાભી, ચિંતા કરીશ નહીં. હું ત્યાં પહોંચી રહ્યો છું.”
પોલીસ અધિકારી માટે આવી ક્ષણે તરત નિર્ણય લેવો બહુ અગત્યનો હોય છે. સિંઘલ કંટ્રોલરૂમમાં ફોન કરીને મોબાઈલવાન મોકલી શકતા હતા, પણ ખબર નહીં કેમ; તેમને લાગ્યું કે જાતે જ જવું જોઈએ.
જી. એલ. સિંઘલ તૈયાર જ હતા. તેમણે એકદમ મોટા અવાજે બૂમ પાડી, “રામાજી…” અડધી મિનિટમાં એક પોલીસ જવાન દોડતો આવ્યો. તે પણ યુનિર્ફોમમાં હતો. તેણે ગળામાં કાર્બાઇન ગન લટકાવેલી હતી. તેણે આવીને તરત સલામ કરી. સિંઘલે કહ્યું, “ગાડી લગાવો.”
રામાજી સમજી ગયો કે મામલો ગંભીર લાગે છે. રામાજી ગુજરાત પોલીસનો કમાન્ડો હતો. તેની ડ્યૂટી ડી.વાય.એસ.પી. સિંઘલ સર સાથે હતી. જી. એલ. સિંઘલ ઘરની બહાર આવે એ પહેલાં જિપ્સી ગોઠવાઈ ગઈ હતી. ડ્રાઇવરની બાજુની સીટનો દરવાજો ખોલીને કમાન્ડો રામાજી ઊભા હતા. સિંઘલ ઉતાવળે આવ્યા અને આગળની સીટમાં ગોઠવાઈ ગયા. રામાજી તરત જિપ્સીની પાછળ ગયા અને પાછળની સીટમાં ગોઠવાઈ ગયા. પોલીસ ડ્રાઇવરે ત્રાંસી નજરે સિંઘલ સર સામે જોયું. આદેશ મળ્યો, “અક્ષરધામ લઈ લો.”
જિપ્સી ગાંધીનગરના ખુલ્લા રસ્તા ઉપર દોડવા લાગી હતી. જિપ્સી કરતાં સિંઘલના વિચારો ઝડપથી દોડી રહ્યા હતા એટલે તેમને લાગી રહ્યું હતું કે, જિપ્સીની સ્પીડ ઓછી છે. તેમણે સ્પીડો મીટર તરફ જોયું. 70ની સ્પીડ હતી એટલે સિંઘલે ડ્રાઇવર સામે જોયું. ડ્રાઇવર માત્ર નજરથી જ સમજી ગયો. તેણે એક્સેલેટરનું પેડલ દબાવ્યું.
જિંદગીની કેટલીક ક્ષણ એવી હોય છે, જયારે તમને સૌથી વધારે ભરોસો હોય તેવી વ્યક્તિનું નામ યાદ આવે. તેવુ જ હમણાં પણ થયું. આમ તો જી. એલ. સિંઘલ અને ભરત પટેલને સાથે કામ કરે લાંબો સમય થયો નહોતો. છતાં કોણ જાણે, સિંઘલને ત્યારે ભરત પટેલ સાથે હોવા જોઈએ તેવું લાગ્યું. તેમણે પી.એસ.આઈ. ભરત પટેલને ફોન કરીને મદદમાં બોલાવ્યા. સદ્નસીબે પટેલ ગાંધીનગરમાં જ હતા. જો ડભોડા હોત તો મોડું થઈ જતું. સિંઘલે પાછળની સીટમાં બેઠેલા કમાન્ડો રામાજીને પુછ્યું, “મારું વેપન?”
રામાજીએ તરત સાહેબની બેગમાં રહેલી તેમની સર્વિસ રિવોલ્વર કાઢી અને સાહેબના હાથમાં મૂકી. સિંઘલના સતત ફોન ચાલું હતા. હજી શું બન્યું છે, તેની તેમને ખબર નહોતી. પણ તેમણે કંટ્રોલરૂમને ફોન કરીને નજીકના તમામ પોલીસ સ્ટેશનના સ્ટાફને અક્ષરધામ પહોંચવા આદેશ આપ્યો હતો. પી.એસ.આઈ. ભરત પટેલ અક્ષરધામ પહોંચ્યા અને ગેટ નંબર–1ની અંદર નજર કરી તો એકદમ સન્નાટો હતો.
(ક્રમશ:)
આ ઓપરેશનમાં NSG ના બે અને ગુજરાત પોલીસના બે જવાનો શહિદીને ભેટ્યા હતા. આ ધારાવાહિક કોઈપણ રાજકીય પક્ષ, ધર્મ, જાતિ, જ્ઞાતિ અને કોઈપણ વિચારધારાનું સમર્થન કે વિરોધ કરતી નથી. સત્ય બાબત જેટલી સરળતાથી સામાન્ય લોકો સુધી મૂકી શકાય; એ દિશામાં થયેલો એક પ્રયાસ છે.
પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








