Thursday, April 16, 2026
HomeSeriesAkshardham Attackઅક્ષરધામમાં એકદમ સન્નાટો હતો, ગેટ નંબર–1 પાસેની ઓફિસમાં લોહીમાં લથબથ બે માણસો...

અક્ષરધામમાં એકદમ સન્નાટો હતો, ગેટ નંબર–1 પાસેની ઓફિસમાં લોહીમાં લથબથ બે માણસો પડ્યા હતા.

- Advertisement -

પ્રશાંત દયાળ (અક્ષરધામ અટેક. ભાગ-2): Akshardham Temple Attack Series :સબ ઇન્સપેક્ટર ભરત પટેલ હજી અક્ષરધામની બહાર જ ઊભા હતા. બહારના રોડ પર વાહનો અને માણસોની અવરજવર હતી, પણ ગેટ નંબર એકની અંદર તરફ પાંદડું પણ ઊડે તોય અવાજ આવે એવી નિરવ શાંતિ હતી. ગાંધીનગર જિલ્લામાં નોકરી કરી હોવાને કારણે એક પોલીસ અધિકારીને એટલી તો ખબર હતી જ કે, આ સાંજના સમયે અક્ષરધામમાં માણસો કીડિયારાની જેમ ઊભરાતા હોય છે; પણ અત્યારે ત્યાં કોઈ જ નહોતું! ભરત પટેલની પીઠ પાછળ રોડ હતો, ત્યારે પાછળથી આવી રહેલા વાહનના અવાજ સિવાય એક અવાજ બરાબર પાછળ આવીને રોકાયો. ભરત પટેલ હજી પાછળ ફરી જુએ તે પહેલાં જ ફરી અવાજ આવ્યો, “સાહેબ.”

ભરત પટેલે પાછળ ફરીને જોયું તો તેમનાં ઘરની નજીક આવેલા મેડિકલ સ્ટોરનો માલિક હતો. તેની પાસે બજાજ સ્કૂટર હતું. તેણે સ્ટીઅરિંગ લોકની ચાવીમાંથી આગળની ડિકી ખોલી. એમાંથી એક પાઉચ કાઢી ભરત પટેલને આપ્યું. પાઉચ આપનારને ખબર નહોતી કે, પાઉચમાં શું છે; પણ તેણે ભરત પટેલનો ગંભીર ચહેરો જોયો, એટલે પુછ્યું, “શું થયું છે સાહેબ?”

- Advertisement -

આમ તો હજી ભરત પટેલને પણ ખબર નહોતી કે, શું બન્યું છે? ભરત પટેલ પ્રશ્ન સાંભળીને વિચારમાં પડ઼ી ગયા. કારણ કે, શું જવાબ આપવો, એની તેમને પણ ખબર નહોતી. તેમણે ફરી ઊંધા ફરીને અક્ષરધામ તરફ જોયું અને તરત કહ્યું, “હમણાં તમે અહીંથી નીકળો. રાતે સ્ટોર પર આવું છું.”

મેડિકલ સ્ટોરના માલિકે સ્કૂટર પર બેઠાં બેઠાં જ કિક મારી અને ગીઅર બદલીને સ્કૂટર મારી મૂક્યું. ભરત પટેલ વિચાર કરી રહ્યા હતા કે, તે અક્ષરધામના ગેટની અંદર જઈને મામલો શું છે; તે જાણવાનો પ્રયત્ન કરે. પણ ત્યાં જ તેમની નજર ગેટ તરફ અત્યંત ઝડપે આવી રહેલી પોલીસ જિપ્સી તરફ ગઈ. તે સમજી ગયા કે, સાહેબ આવી રહ્યા છે. ભરત પટેલે ઝડપભેર હાથમાં રહેલાં પાઉચમાંથી પોતાની સર્વિસ પિસ્તોલ કાઢી. કમરપટ્ટો ખોલીને પિસ્તોલ બેલ્ટમાં ફિટ કરી. એ જ સમયે જિપ્સી ભરત પટેલ પાસે આવીને ઊભી રહી. ભરત પટેલે જિપ્સીનો દરવાજો ખોલતાં કહ્યું, “જયહિંદ સર.”

ડી.વાય.એસ.પી. જી. એલ. સિંઘલ જિપ્સીની બહાર આવ્યા. તેમની પાછળ તેમનો કમાન્ડો રામાજી પણ બહાર આવ્યો. સિંઘલે પોલીસ કારમાંથી નીચે ઊતરતાં આસપાસ નજર ફેરવી, પણ રસ્તા પર બધું સામાન્ય હતું. એટલે તેમને કંઈ અસામાન્ય લાગ્યું નહીં. એ ભરત પટેલ સમજી ગયા. તેમણે ગેટ તરફ ઇશારો કરતાં કહ્યું, “સાહેબ, અંદર એકદમ શાંતિ છે.”

- Advertisement -

સિંઘલે ગેટ તરફ જોયું. ભરત પટેલનું નિરીક્ષણ સાચું હતું. અંદર અસામાન્ય શાંતિ હતી. એક ક્ષણનો વિચાર કરીને સિંઘલે કહ્યું, “ભરત, આપણે અંદર જઈએ.”

કમાન્ડો રામાજીએ આપેલી સર્વિસ રિવોલ્વર સિંઘલના હાથમાં હતી. ગેટ નંબર એકની અંદર દાખલ થાવ એટલે બરાબર સામે મંદિર હતું. મંદિર સુધી પહોંચવા માટે લગભગ ત્રણસો મીટરનો રસ્તો હતો. રસ્તાની વચ્ચે સરસ ફુવારા હતા. ફુવારા ચાલું જ હતા, પણ તેને માણનાર ત્યાં કોઈ જ નહોતું. ગેટ નંબર એકની ડાબી તરફ અંગ્રેજી ઘાસનું મેદાન હતું, જેને આપણે લૉન કહીએ છીએ. ત્યાં બાળકોને રમવાની વિવિધ રાઇડ્સ હતી, પણ ત્યાં કોઈ બાળકો નહોતાં. જમણી તરફ અક્ષરધામની ઓફિસ અને નાનકડું પુસ્તક વેચાણ કેન્દ્ર હતું.

એક સિનિયર અધિકારી તરીકે જી. એલ. સિંઘલ પ્લાનિંગ કરી રહ્યા હતા કે, હવે શું કરવું? ત્યારે ભરત પટેલ જમણી તરફનાં પુસ્તક વેચાણ કેન્દ્રની અંદર દાખલ થયા અને એટલી જ ઝડપે ત્યાંથી બહાર નીકળ્યા. ભરત પટેલ જે ઝડપે બહાર આવ્યા, ત્યારે તેમના બૂટના અવાજને કારણે સિંઘલનું ધ્યાન તેમની તરફ ગયું. ભરત પટેલે ઇશારો કરતાં એટલું જ કહ્યું, “સર.”

- Advertisement -

સિંઘલ તથા ભરત પટેલ વેચાણ કેન્દ્રના દરવાજા પાસે ઊભા હતા. ત્યાં ભરત પટેલે આંખના ઇશારે અંદર જોવા માટે કહ્યું. સિંઘલે વેચાણ કેન્દ્રની અંદર જોતાં તે પણ એકદમ ચમકી ગયા.

અંદર બે માણસો ફર્શ પર પડ્યા હતા. લોહીમાં લથબથ હતા. એક વખત સિંઘલે ભરત પટેલ સામે જોયું. સિંઘલ રૂમમાં દાખલ થયા. તેમની પાછળ ભરત પટેલ પણ રૂમમાં આવ્યા. કમાન્ડો રૂમની બહાર, દરવાજા પાસે ઊભો હતો. સિંઘલ સરની નજર જોઈને ભરત પટેલ સમજી ગયા. તે લોહીમાં લથબથ પડેલા માણસો પાસે ગયા અને ઉભડક પગે બેઠા. તેમણે જમણા હાથની પહેલી આંગળી નીચે પડેલી વ્યકિતનાં નાક પાસે મૂકી. લગભગ અડધી મિનિટ સુધી મૂકી રાખી હશે. પછી ભરત પટેલે સાહેબ સામે જોયું અને માથું હલાવી ના પાડી.

ત્યાં પડેલી બંને વ્યકિત નિષ્પ્રાણ હતી. જે પ્રકારે ત્યાં પડેલી વ્યકિતઓ પર ગોળીબાર થયો હતો, તે જોતાં સિંઘલ અને પટેલને અંદાજ આવી ગયો કે, જે ફાયર આર્મ્સનો ઉપયોગ થયો છે; તે આધુનિક અને ઓટોમેટિક છે. સિંઘલ અને પટેલે કમાન્ડો ટ્રેનિંગ લીધેલી હતી. એટલે બંનેને એક સાથે વિચાર આવ્યો કે, આ ફાયરિંગ AK47 રાયફલનું છે.

હવે સિંઘલ અને પટેલને ગંભીરતા સમજાઈ રહી હતી; પણ ચિત્ર સ્પષ્ટ નહોતું થઈ રહ્યું. સિંઘલના હાથમાં તો રિવોલ્વર હતી; પણ રૂમની સ્થિતિ જોતાં ભરત પટેલને લાગ્યું કે, કોઈ પણ સમયે તેમની ઉપર પણ હુમલો થઈ શકે છે. તેમણે પોતાની કેશમાં રહેલી પિસ્તોલ બહાર કાઢી. તે સમયે ખૂણામાં પડેલી એક વસ્તુ તરફ સિંઘલ અને પટેલનું ધ્યાન એક સાથે ગયું. અને અચાનક જાણે તેમનું હૃદય ધબકારો ચૂકી ગયું!

જી. એલ. સિંઘલ અને ભરત પટેલે લાશની બાજુમાં જે વસ્તુ જોઈ, તે હેન્ડગ્રેનેડ હતો. હેન્ડગ્રેનેડની પીન કાઢીને ફેંકો, એટલે તે ત્રીસ સેકન્ડમાં બ્લાસ્ટ કરે. આવો જ એક ફૂટ્યા વગરનો ગ્રેનેડ ત્યાં પડ્યો હતો. તેની પીન કાઢેલી હતી; તે કોઈ પણ સમયે ફૂટે તેમ હતો. જે વખતે સિંઘલ અને પટેલ ત્યાં ઊભા હતા; ત્યારે જો તે ફૂટ્યો હોત તો સિંઘલ અને પટેલના ફૂર્ચા ઊડી જાત. તેમણે નજર સામે મોત જોયું અને એક ક્ષણનો વિચાર કર્યા વગર, એક સાથે તેઓ રૂમની બહાર તરફ ભાગ્યા અને લગભગ પચાસ મીટર દૂર જઈને ઊભા રહ્યા.

તેમને દોડતાં જોઈને કમાન્ડો પણ ભાગવા લાગ્યો. જોકે તેને ખબર નહોતી કે, સાહેબો કેમ દોડી રહ્યા છે. સિંઘલ અને પટેલનાં ફેફસાં ધમણની જેમ ચાલી રહ્યાં હતાં. યુદ્ધનાં મેદાનમાં પોતે એકલા જ ઊભા હોઈએ, એવી મનોદશા સિંઘલ અને પટેલની હતી. હજી તેમના શ્વાસ જોરથી ચાલી રહ્યા હતા. ત્યારે એક અવાજ આવ્યો, “સાહેબ.”

આ અવાજે સિંઘલ અને પટેલને ખરેખર ડરાવી દીધા હતા. કારણ કે,, ત્યાં તો કોઈ માણસ જ નહોતો. તો ‘સાહેબ’ કોણે કહ્યું? સિંઘલ અને પટેલે અવાજની દીશામાં જોયું. ત્યાં એક માણસ હાથ જોડીને ઊભો હતો. એના ચહેરા પર પરસેવો હતો. તેણે સફેદ કપડાં પહેર્યાં હતાં અને તેના ગળામાં ભગવાન સ્વામિનારાયણની કંઠી હતી. સિંઘલ તેની સામે આશ્ચર્યભરી નજરે જોઈ રહ્યા.

ગાંધીનગર ડી.જી.પી. ઓફિસમાં રોજ પ્રમાણે મીટિંગ્સનો દોર ચાલી રહ્યો હતો. ઘટના ગાંધીનગરના અક્ષરધામની હતી; પણ હજી તેની ભનક ડી.જી.પી. ઓફિસ સુધી આવી નહોતી. ડી.જી.પી. ઓફિસમાં આવેલી સી.આઈ.ડી. ક્રાઇમની ઓફિસમાં પણ એક મીટિંગનો દૌર ચાલી રહ્યો હતો. સી.આઈ.ડી. ક્રાઇમના આઈ.જી.પી. એસ. પી. ચિતુરીની ચેમ્બરમાં સી.આઈ.ડી. ક્રાઇમના આઈ.પી.એસ. અધિકારીઓ ભેગા થયા હતા. તેઓ પોતાના સેલની ચાલી રહેલી કામગીરીનું બ્રીફિંગ આઈ.જી.પી. ચિતુરીને આપી રહ્યા હતા.

સી.આઈ.ડી. ક્રાઇમમાં એસ.પી. તરીકે આર. બી. બ્રહ્મભટ્ટ પણ મીટિંગમાં હતા. તેમના મોબાઈલ ફોનની રીંગ વાગી. તેમણે સ્ક્રીન પર જોયું, તો ગાંધીનગર કંટ્રોલરૂમનો નંબર બ્લિંક થઈ રહ્યો હતો. આમ તો ગાંધીનગરના એસ.પી. સંજય શ્રીવાસ્તવ હતા, પણ તેઓ હૈદારબાદ ટ્રેનિંગમાં ગયા હોવાને કારણે તેમનો ચાર્જ સી.આઈ.ડી. ક્રાઇમના એસ.પી. આર. બી. બ્રહ્મભટ્ટ પાસે હતો.

તેમણે કંટ્રોલરૂમનો ફોન કટ કર્યો. કારણ કે, મીટિંગમાં સિનિયર અધિકારીઓ હાજર હતા. વળી તરત ફરી ફોનની ઘંટડી વાગી એટલે એસ.પી. બ્રહ્મભટ્ટને ગુસ્સો આવ્યો. તે મનોમન બબડ્યા કે, મેનર્સ જેવું કંઈપણ નથી. ફોન કટ કર્યો એટલે સર કામમાં હશે, તેવી પણ ખબર પડતી નથી.

બીજી જ ક્ષણે તેમને યાદ આવ્યું કે, ગાંધીનગર એસ.પી.નો ચાર્જ પણ તેમની પાસે છે. શક્ય છે કે, કદાચ કોઈ ઇમરજન્સી હશે. તેમણે નારાજગી સાથે ફોન ઉપાડયો અને કાન પાસે ફોન લાવ્યા. સામે છેડેથી “જયહિંદ સર.” કહીને વાત શરૂ કરી.

ફોન પૂરો થાય એ પહેલાં જ મેસેજ સાંભળીને બ્રહ્મભટ્ટ એકદમ ઊભા થઈ ગયા. આઈ.જી.પી. ચિતુરી સહિત ત્યાં હાજર તમામ આઈ.પી.એસ. અધિકારીનું ધ્યાન બ્રહ્મભટ્ટ તરફ ગયું. કારણ કે, ચાલું મીટિંગમાં કોઈ અધિકારી ઊભા થઈ જાય એને ગેરશિસ્ત ગણવામાં આવે છે. ફોન કટ કરતાં બ્રહ્મભટ્ટે રિક્વેસ્ટના ટોનમાં આઈ.જી.પી. સરને કહ્યું, “સર, મારે જવું પડશે. કંટ્રોલ રૂમનો મેસેજ છે કે, અક્ષરધામમાં ફાયરિંગ થઈ રહ્યું છે.”

બધા જ અધિકારીના ચહેરા એકદમ ગંભીર બની ગયા. એસ.પી. બ્રહ્મભટ્ટે કહ્યું, “હજી પ્રાયમરી મેસેજ છે, પણ હું ત્યાં જવા નિકળું. સર, ત્યાં જઈને આપને જાણ કરું છું.”

ચિતુરીએ જવાની મંજુરી આપતાં કહ્યું, “ઓકે.”

બ્રહ્મભટ્ટ આઈ.જી.પી.ની ઓફિસમાંથી દોડતાં બહાર નીકળ્યા. તેમનો કમાન્ડો ચેમ્બરની બહાર જ ઊભો હતો. દોડતાં દોડતાં જ તેમણે કમાન્ડોને સૂચના આપી, “જલદી ગાડી લગાવો.”

સી.આઈ.ડી. ક્રાઇમની ઓફિસ ડી.જી.પી. ઓફિસના પાંચમાં માળે હતી. કમાન્ડો દોડતો લિફ્ટ સુધી પહોંચ્યો અને લિફ્ટને કોલ કરવા લિફ્ટનું બટન દબાવ્યું. પણ એસ.પી. બ્રહ્મભટ્ટ લિફ્ટ તરફ આવવાને બદલે એક સાથે બે–બે પગથિયાં ઝડપભેર ઉતરવા લાગ્યા હતા. તે જોઈ કમાન્ડો પણ તેમની પાછળ સીડી ઉતરવા લાગ્યો.

વર્ષો પછી બ્રહ્મભટ્ટ આટલી ઝડપે દોડી રહ્યા હતા. તેઓ ડી.જી.પી. ઓફિસની બહાર આવ્યા ત્યારે તેમની ટવેરા કાર ઊભી હતી. તેમણે જાતે જ દરવાજો ખોલ્યો અને વચ્ચેની સીટમાં ગોઠવાઈ ગયા. કમાન્ડો તેમની આગળની સીટમાં બેસી ગયો. તેમણે ડ્રાઇવરને આદેશ આપતાં કહ્યું, “જલદી અક્ષરધામ લઈ લો.”

કાર અક્ષરધામ તરફ દોડવા લાગી. તેમને કંઈક યાદ આવ્યું એટલે મોબાઈલ ફોન કાઢીને એક નંબર ડાયલ કર્યો અને કહ્યું, “ટોળિયા, જલદી અક્ષરધામ પહોંચો. ત્યાં ફાયરિંગ થાય છે. તમારો જેટલો સ્ટાફ છે, તેને પણ સાથે લઈ લો.”

ગાંધીનગર લોકલ ક્રાઇમબ્રાંચમાં પોલીસ ઇન્સપેક્ટર તરીકે વી. આર. ટોળિયા ફરજ બજાવતા હતા. તેઓ બહુ જ કાબેલ અધિકારી હતા. આર. બી. બ્રહ્મભટ્ટને યાદ આવ્યું કે, એસ.પી.નો ચાર્જ સંભાળ્યા પછી બે દિવસ પહેલાં જ, રવિવારે તે બાળકો સાથે અક્ષરધામ જોવા પહેલી વખત ગયા હતા. ઇન્ચાર્જ એસ.પી. હોવાને કારણે તેમને સી.એમ. બંગલો સામે આવેલા ગેટ નંબર ચારમાંથી પ્રવેશ આપવામાં આવ્યો હતો.

ગેટ નંબર ચાર વી.આઈ.પી. ગેટ છે. આમ, બે દિવસ પહેલા જ તેમણે અક્ષરધામ જોયું હતું. બ્રહ્મભટ્ટ ગેટ નંબર એક પર પહોંચ્યા ત્યારે પી.આઈ. વી. આર. ટોળિયા બહાર જ તેમને મળી ગયા.

(ક્રમશ:)

Part 1 : DySP ગીરીશ સિંઘલે PSI ભરત પટેલને કહ્યું, “તાત્કાલિક અક્ષરધામ પહોંચો” પણ ત્યારે પટેલ પાસે પિસ્તોલ જ નહોતી!

આ ઓપરેશનમાં NSG ના બે અને ગુજરાત પોલીસના બે જવાનો શહિદીને ભેટ્યા હતા. આ ધારાવાહિક કોઈપણ રાજકીય પક્ષ, ધર્મ, જાતિ, જ્ઞાતિ અને કોઈપણ વિચારધારાનું સમર્થન કે વિરોધ કરતી નથી. સત્ય બાબત જેટલી સરળતાથી સામાન્ય લોકો સુધી મૂકી શકાય; એ દિશામાં થયેલો એક પ્રયાસ છે.

પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો

  • લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  • જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  • 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  • શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
  • દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
  • નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
Prashant Dayal
Prashant Dayal
પ્રશાંત દયાળ, ગુજરાતી પત્રકારત્વનું એવું નામ જેણે પત્રકારત્વની દુનિયાની તડકી છાંયડી જોઈ આજે પણ સતત કાર્યરત રહી સાચું પત્રકારત્વ લોકો સુધી પહોંચે તેના પ્રયત્નો ચાલુ રાખ્યા છે. એક ક્રાઈમ રિપોર્ટર તરીકેની તેમની સફર ગુજરાતી પત્રકારત્વમાં ઘણા બોધપાઠ આપનારી રહી છે. તેઓ હાલ રિપોર્ટિંગની સાથે સાથે, નવજીવન ટ્રસ્ટ સંચાલિત ડિપ્લોમા ઈન જર્નાલિઝમમાં અને સાબરમતી જેલમાં પત્રકારત્વના પાઠ પણ ભણાવે છે.
RELATED ARTICLES
- Advertisment -

Most Popular