Friday, September 4, 2026
HomeNationalજજને જ જામીન આપવા ભારે પડ્યાઃ અલ્હાબાદ હાઈકોર્ટે દહેજ હત્યા કેસમાં તપાસની...

જજને જ જામીન આપવા ભારે પડ્યાઃ અલ્હાબાદ હાઈકોર્ટે દહેજ હત્યા કેસમાં તપાસની ભલામણ કરી

- Advertisement -

Dowry Death Case Additional Sessions Judge: દહેજ હત્યાના કેસમાં પૂરતા પુરાવા અને કાયદાકીય અનુમાનને નજરઅંદાજ કરીને આરોપી પતિને જામીન આપનાર એડિશનલ સેશન જજ સામે તપાસની ભલામણ અલ્હાબાદ હાઈકોર્ટે કરી છે. હાઈકોર્ટે આરોપી પતિને આપવામાં આવેલા જામીન પણ રદ કરી દીધા છે.

જસ્ટિસ અરુણ કુમાર સિંહ દેશવાલની બેન્ચે જાલૌન જિલ્લાના ઉરઈ ખાતેના એડિશનલ સેશન જજ કોર્ટ નંબર-1 દ્વારા આરોપી પતિને આપવામાં આવેલા જામીન સામે દાખલ જામીન રદ કરવાની અરજી પર આ મહત્વપૂર્ણ આદેશ કર્યો હતો. મામલો વર્ષ 2025માં નોંધાયેલા દહેજ હત્યાના કેસ સાથે જોડાયેલો છે. જાલૌન જિલ્લાના એક પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ 85 અને 80(2) તેમજ દહેજ પ્રતિબંધ અધિનિયમની કલમ 3 અને 4 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. આરોપી પતિને અગાઉ જિલ્લા કોર્ટ દ્વારા જામીન આપવામાં આવ્યા હતા. હાઈકોર્ટ સમક્ષ જામીન રદ કરવાની માંગ સાથે રજૂઆત કરવામાં આવી હતી કે, મૃતક મહિલાનું લગ્નના સાત વર્ષની અંદર અસામાન્ય સંજોગોમાં મોત થયું હતું. મેડિકલ તપાસમાં મોત પહેલાં ફાંસી અને ગૂંગળામણના સંકેતો મળ્યા હતા. આ ઉપરાંત મૃત્યુ પહેલાં દહેજની માંગણી પૂર્ણ ન થવાને કારણે મહિલાને ત્રાસ આપવામાં આવતો હોવાના આક્ષેપો પણ હતા.

- Advertisement -

હાઈકોર્ટે એડિશનલ સેશન જજ પાસેથી સ્પષ્ટતા માંગી હતી કે, ભારતીય સાક્ષ્ય અધિનિયમની કલમ 118 હેઠળ લાગુ થતા કાયદાકીય અનુમાનને ધ્યાનમાં લીધા વગર આરોપી પતિને જામીન કેવી રીતે આપવામાં આવ્યા. સ્પષ્ટીકરણમાં એડિશનલ સેશન જજ સતીશ ચંદ્ર દ્વિવેદીએ સ્વીકાર્યું હતું કે આરોપી વિરુદ્ધ દહેજ માટે ત્રાસ આપવાના પુરાવા ઉપલબ્ધ હતા અને મૃતકના લગ્નને સાત વર્ષ પૂર્ણ થયા નહોતા. જજે એ પણ સ્વીકાર્યું હતું કે આ કેસમાં કલમ 118 હેઠળ કાયદાકીય અનુમાન લાગુ પડતું હતું. જોકે, તેમણે આરોપીની સાસુ અને સસરાને મળેલા જામીનના આધારે સમાનતાના સિદ્ધાંત હેઠળ પતિને પણ જામીન આપ્યા હોવાનું જણાવ્યું હતું. પરંતુ હાઈકોર્ટે આ સ્પષ્ટીકરણને સંતોષકારક માન્યું નહોતું. જસ્ટિસ દેશવાલે નોંધ્યું કે સંબંધિત જજે જામીન આપતી વખતે પોતાના ન્યાયિક વિવેકાધિકારનો મનસ્વી રીતે ઉપયોગ કર્યો હતો. કોર્ટે જણાવ્યું કે પૂરતા પુરાવા હોવા છતાં, કાયદાકીય અનુમાન લાગુ પડતું હોવા છતાં અને જામીન આપવા માટે યોગ્ય કારણ નોંધ્યા વગર આરોપી પતિને રાહત આપવામાં આવી હતી.

હાઈકોર્ટે કહ્યું કે જામીન આપવાની સમગ્ર પ્રક્રિયાથી ન્યાયિક વિવેકાધિકારના ઉપયોગ અંગે સવાલો ઊભા થાય છે. જોકે, કોર્ટે સ્પષ્ટ કર્યું કે તે સંબંધિત જજની ઈમાનદારી કે નિષ્ઠા અંગે કોઈ ટિપ્પણી કરી રહી નથી. અલ્હાબાદ હાઈકોર્ટે મામલાની વહીવટી સ્તરે તપાસ જરૂરી હોવાનું જણાવ્યું છે અને કેસને વહીવટી સમિતિ સમક્ષ મૂકવાનો નિર્દેશ આપ્યો છે. સમિતિ હવે વિચારશે કે પૂરતા પુરાવા અને કલમ 118 હેઠળના કાયદાકીય અનુમાન હોવા છતાં આરોપી પતિને જામીન આપવા માટે સત્તાનો ખોટો અને મનસ્વી ઉપયોગ થયો હતો કે નહીં અને સંબંધિત એડિશનલ સેશન જજ સામે તપાસ કરવી જરૂરી છે કે નહીં. હાઈકોર્ટે નીચલી કોર્ટના જામીનના આદેશને સંપૂર્ણપણે ખોટો ગણાવ્યો છે. સાથે જ આરોપી સતેન્દ્ર ઉર્ફે સોનૂના જામીન રદ કરીને તેને 10 દિવસની અંદર સંબંધિત મેજિસ્ટ્રેટ સમક્ષ આત્મસમર્પણ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.

Follow on Social Media
Urvish Patel
Urvish Patelhttps://www.navajivan.in
A journalist with over 10 years of experience in print, electronic, and digital media. He has worked with renowned media organizations such as Divya Bhaskar, (GujaratTAK) TV Today, ETV Bharat, and Mera News, bringing extensive expertise in news reporting and content creation.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular