Fake foreign liquor seized in Ahmedabad : ભાવનગર લઠ્ઠાકાંડ (Bhavnagar Lattha Kand Case) ના થોડાક દિવસો અગાઉ અમદાવાદના શાહપુર વિસ્તારમાંથી નકલી દારૂની ફેક્ટરી પકડાયા બાદ ફરી એક વખત સરખેજમાંથી ડુપ્લીકેટ દારૂ બનાવતો બુટલેગર પકડાયો છે. સરખેજના આયશા ડુપ્લેક્ષમાં સસ્તો દારૂ બ્રાન્ડેડ વિદેશી દારૂની ખાલી બોટલોમાં ભરીને વેચતા સમીરખાન પઠાણ ઉર્ફે એસ.કે. બાપુ પાસેથી અમદાવાદ ક્રાઈમ બ્રાંચે (Ahmedabad Crime Branch) સંખ્યાબંધ બોટલ, બિયરના ટીન, ખાલી બોટલો, ઢાંકણા, સ્ટીકર સહિતનો અઢી લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. સમીર ઉર્ફે એસ.કે. બાપુ અન્ય બુટલેગર પાસેથી સસ્તા ભાવનો દારૂ ખરીદતો હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. અત્રે નોંધનીય છે કે, સમીર પઠાણ વેજલપુર પોલીસ સ્ટેશન (Vejalpur Police Station) માં પ્રોહિબિશનના ગુનામાં ઝડપાઈ ચૂક્યો છે.
અમદાવાદ ક્રાઈમ બ્રાંચના પીઆઈ નિખિલ બ્રહ્મભટ્ટ (Nikhil Brahmbhatt PI) ની ટીમે સરખેજ ફતેવાડી કેનાલ પાછળ આવેલા આયશા ડુપ્લેક્ષમાં દરોડો પાડી 27 વર્ષીય સમીરખાન પઠાણ ઉર્ફે એસ.કે. બાપુ (રહે. ઉવેશ પાર્ક, સનરાઈઝ સ્કુલ પાસે, વેજલપુર) ને ઝડપી લીધો હતો. સમીરના ઘરમાંથી વિદેશી દારૂની બ્રાન્ડેડ 174 બોટલ, બિયરના 96 ટીન, બ્રાન્ડેડ વિદેશી દારૂની 29 ખાલી બોટલો, 63 ઢાંકણા-બુચ, 53 નંગ સ્ટીકર, 4 ફેવિક્વિક અને મોબાઈલ ફોન મળી આવતા કબજે લીધો છે. સમીર પઠાણ છેલ્લાં ચારેક મહિનાથી પોલીસ ચોપડે ફરાર બુટલેગરો પાસેથી સસ્તા ભાવનો વિદેશી દારૂ ખરીદી તે દારૂ બ્રાન્ડેડ દારૂની ખાલી બોટલોમાં ભરીને વેચતો હતો.
સમીર પઠાણ બ્રાન્ડેડ સ્કોચ વ્હીસ્કીની ખાલી બોટલોમાં સસ્તો દારૂ ભરીને પાંચ ગણી રકમે વેચતો હોવાની માહિતી સામે આવી છે. બ્રાન્ડેડ દારૂની બોટલોના સ્ટીકર અને ઢાંકણાનો જથ્થો તેમજ સસ્તો દારૂ કોણ સપ્લાય કરતું હતું તેની માહિતી મેળવવા ક્રાઈમ બ્રાંચે તપાસ આરંભી છે.








