Friday, September 4, 2026
HomeNationalCJP પ્રદર્શન વખતે વિદ્યાર્થિનીના પિતાનું માથું ફોડ્યાનો વીડિયો બનાવી ગર્વ કરનાર રાઇટ-વિંગ...

CJP પ્રદર્શન વખતે વિદ્યાર્થિનીના પિતાનું માથું ફોડ્યાનો વીડિયો બનાવી ગર્વ કરનાર રાઇટ-વિંગ ઇન્ફ્લુએન્સર આખરે ડિટેઈન

- Advertisement -

Nishu Azad Swatantra Bharadwaj Delhi CJP Protest: દિલ્હીના જંતર-મંતર ખાતે જુલાઈમાં યોજાયેલા CJPના વિરોધ પ્રદર્શન દરમિયાન વિદ્યાર્થી કાર્યકર નિશુ આઝાદના પિતા પર હુમલો કરવાના આરોપમાં ચર્ચામાં આવેલા રાઇટ-વિંગ ઇન્ફ્લુએન્સર સ્વતંત્ર ભારદ્વાજને આખરે ઉત્તર પ્રદેશમાંથી ડિટેઈન કરવામાં આવ્યો છે. દિલ્હી પોલીસે શુક્રવારે આ કાર્યવાહી કરી હોવાનું જણાવ્યું છે.

આ મામલો ત્યારે વધુ ગંભીર બન્યો હતો જ્યારે સ્વતંત્ર ભારદ્વાજનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. વીડિયોમાં પોતાને ‘કટ્ટર હિન્દુ’ ગણાવતા ભારદ્વાજે નિશુ આઝાદના પિતા સંજય કુમારનું માથું ફોડી નાખ્યાનો દાવો કર્યો હતો. તેણે ઇન્ટરવ્યૂ દરમિયાન ગંભીર હુમલા બાદ પણ જેલમાં ન જવું પડ્યું હોવાનો ગર્વ વ્યક્ત કર્યો હોવાનું વીડિયોમાં સામે આવ્યું હતું.

- Advertisement -

વિદ્યાર્થી કાર્યકર નિશુ આઝાદ અને તેના પરિવારને ન્યાય અપાવવાની માંગ સાથે CJPના સહ-કન્વીનર સૌરવ દાસ અને આશુતોષ રંકા સહિત મોટી સંખ્યામાં સમર્થકો દિલ્હી પોલીસના પાર્લામેન્ટ સ્ટ્રીટ પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. આ દરમિયાન આઝાદ સમાજ પાર્ટીના સાંસદ ચંદ્રશેખર આઝાદ, કોંગ્રેસ સમર્થિત અપક્ષ સાંસદ પપ્પુ યાદવ તેમજ યુથ કોંગ્રેસના કાર્યકરો પણ પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા.

CJPના પ્રતિનિધિઓએ દાવો કર્યો હતો કે દિલ્હી પોલીસે ભારદ્વાજની 72 કલાકમાં ધરપકડ કરવાની ખાતરી આપી હતી. જોકે, આ સમગ્ર મામલાએ ત્યારે વધુ રાજકીય રંગ લીધો જ્યારે લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ નિશુ આઝાદના સમર્થનમાં સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી હતી.

રાહુલ ગાંધીએ નિશુનો વીડિયો શેર કરતાં લખ્યું હતું કે તે એકલી નથી અને તેઓ તેની સાથે છે. રાહુલ ગાંધીએ આરોપ લગાવ્યો હતો કે દલિત ઓળખ અને પોતાના સમુદાય તેમજ વિદ્યાર્થીઓના અધિકારો માટે અવાજ ઉઠાવવાના કારણે નિશુ અને તેના પરિવારને નિશાન બનાવવામાં આવી રહ્યા છે.

- Advertisement -

વાયરલ વીડિયોમાં ભારદ્વાજે કથિત રીતે કહ્યું હતું કે સંજય કુમારને ગંભીર ઇજા પહોંચી હતી અને તેમને 60 ટાંકા લેવા પડ્યા હતા. હુમલા બાદ તેમને ગંભીર હાલતમાં એમ્બ્યુલન્સમાં લઈ જવામાં આવ્યા હતા. ભારદ્વાજે એવો પણ દાવો કર્યો હતો કે આટલા ગંભીર બનાવ છતાં તેને જેલમાં મોકલવામાં આવ્યો નહોતો.

બીજી તરફ દિલ્હી પોલીસે ગુરુવારે જણાવ્યું હતું કે 38 વર્ષીય સંજય કુમારને ઝપાઝપી દરમિયાન માથામાં ઈજા થઈ હતી. પોલીસે તેમના માથાની ખોપરીમાં ફ્રેક્ચર થયાના દાવાને નકારી કાઢ્યો હતો.

રાહુલ ગાંધીએ દિલ્હી પોલીસની કાર્યવાહી પર પણ સવાલ ઉઠાવ્યા હતા. તેમણે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને નિશાન બનાવી આરોપ લગાવ્યો હતો કે એક તરફ વિદ્યાર્થીઓ સામે પોલીસ કડક કાર્યવાહી કરે છે, જ્યારે બીજી તરફ દલિત યુવતીના પિતા પર હુમલો કરવાનો આરોપી ખુલ્લેઆમ ફરી રહ્યો હતો.

- Advertisement -

નિશુ આઝાદના પિતા પર થયેલા હુમલાનો વીડિયો અને ત્યારબાદ આરોપી દ્વારા કરાયેલા કથિત દાવાઓ વાયરલ થતાં સમગ્ર મામલો દેશભરમાં ચર્ચાનો વિષય બન્યો છે. હવે સ્વતંત્ર ભારદ્વાજને ડિટેઈન કરવામાં આવતા આ કેસમાં આગળની કાયદાકીય કાર્યવાહી પર સૌની નજર રહેશે.

Follow on Social Media
Urvish Patel
Urvish Patelhttps://www.navajivan.in
A journalist with over 10 years of experience in print, electronic, and digital media. He has worked with renowned media organizations such as Divya Bhaskar, (GujaratTAK) TV Today, ETV Bharat, and Mera News, bringing extensive expertise in news reporting and content creation.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular