પ્રશાંત દયાળ(નવજીવન ન્યૂઝ. અમદાવાદ): ગુજરાત પોલીસ માટે અને પોલીસ પરિવાર માટે બુધવારની સવાર આટલી દુખદ હશે તેની કોઈને કલ્પના ન હતી. અમદાવાદના પોલીસ કોન્સટેબલ કુલદેપસિંહએ મંગળવારની રાત્રે સિહોરના કેટલાક મિત્રો અને પોતાના સાથી પોલીસ મિત્રોને એક લાંબો વોટ્સ એપ મેસેજ કર્યો હતો. જેમાં મમ્મી-પાપા, બેન બનેવી, વસ્ત્રાપુરના પોલીસ ઇન્સ્પેક્ટર ખાંભલા સહિત અનેકોને ઉદ્દેશી જૂનો દિવસો અને જૂની યાદોને વગોળી હતી. કેટલાક મિત્રોને ઉધાર રૂપિયા આપ્યા છે તે પરિવારને પરત આપજો ના આપો તો કઈ નહીં જલસા કરો તેમ પણ જણાવ્યુ હતું.
અમદાવાદના વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ કોન્સટેબલ કુલદીપસિંહ યાદવએ પોતાની પત્ની અને બે વર્ષની દીકરી સાથે મંગળવારે રાત્રે દોઢ વાગ્યે ગોતામાં આવેલા દિવા હાઇટ્સ નામના ટાવર ઉપરથી કૂદકો મારી જીવનનો અંત આણ્યો હતો. અંગ્રેજી અને ગુજરાતીમાં લખેલા પત્રમાં કુલદીપસિંહના મનની વ્યથા સમજાય છે કે આખી ઘટના માટે કોઈને દોશી ઠરાવતો નથી. ઘરમાં કોઈ પણ પ્રકારની ચિઠ્ઠી મૂકી હોવાનો તે ઇનકાર કરે છે. કુલદીપસિંહના મિત્રો પાસેથી મળેલો વોટ્સ એપ મેસેજ આત્મહત્યાની પાંચ મિનિટ પહેલા જ કર્યો હતો. જે અમે અહીં અક્ષરસહ મૂકીએ છીએ. હવે કુલદીપસિંહ જીવિત નથી એટ્લે તેની ખરાઈનો દાવો કરી શકાય તેમ નથી.


રાત્રે 11:30 વાગ્યે કુલદીપસિંહએ સ્ટેટસમાં લખ્યું જીવાય એટલી જિંદગી બાકી બધો વખત છે. કુલદીપસિંહના અંતિમ પગલાંના સમાચાર મળતા પરિવારજનો ભાંગી પડ્યા છે, કુલદીપસિંહનો મૃતદેહ સ્વીકારવા તેઓ અમદાવાદ પહોંચી ગયા છે. તેણે વોટ્સ એપ મેસેજમાં લખ્યું છે કે, પોલીસનો ગ્રેડ પે વધે તેવી અંતિમ ઈચ્છા છે.
[આત્મહત્યા ક્યારેય કોઈ બાબતનું સમાધાન નથી. જો તમારે મદદની જરૂર છે અથવા આપ એવા કોઈ વ્યક્તિને ઓળખો છો કે જેમને આવા કોઈ સંજોગોના કારણે મદદની જરૂર છે, તો તેવા સમયે નજીકના માનસિક સ્વાસ્થ્ય કેન્દ્ર પર જાઓ અથવા હેલ્પલાઈન નંબર- AASRA: 91-22-275-46-669 (24 કલાક ઉપલબ્ધ), Icall- 91-915-298-7821 (સોમવારથી શનિવાર સુધી સવારે 8થી રાત્રે 10 વાગ્યા સુધી ઉપલબ્ધ), NGO- 1800-209-4353 (બપોરે 12 વાગ્યાથી રાત્રે 8 વાગ્યા સુધી ઉપલબ્ધ)]