નવજીવન ન્યૂઝ. અમદાવાદઃ અમદાવાદના ગોતા વિસ્તારમાં આવેલી સિલ્વર ઓક યુનિવર્સિટીમાં ITના દરોડા પડ્યા હોવાના અહેવાલ સામે આવ્યા છે. તાજેતરમાં જ અમદાવાદમાં ચિરિપાલ ગૃપના અનેક ઠેકાણે ITના દરોડા પડ્યા હતા. દરમિયાન લાખોના બેનામી હિસાબો મળી આવ્યા હતા. જોકે હવે શિક્ષણ વિભાગમાં ITના દરોડા પડતા હાલ યુનિવર્સિટીઓમાં ચર્ચાનો વિષય બન્યો છે.
પ્રાપ્ત વિગત અનુસાર, અમદાવાદની સિલ્વર ઓક યુનિવર્સિટીમાં વહેલી સવારે ITની ટીમ ત્રાટકી હતી. ITના દરોડા પડ્યા કોલેજનું કેમ્પસ પણ ખાલી કરાવામાં આવ્યું હતું. ITની કાર્યવાહીના કારણે વિદ્યાર્થીઓને પણ ક્લાસમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. જોકે હાલ કેટલાક કર્મચારીઓને અને વિદ્યાર્થીઓને પણ રજા આપીને પરત મોકલી દેવામાં આવ્યા છે.
સિલ્વર ઓકને યુનિવર્સિટીને માન્યતા મળ્યા બાદ યુનિવર્સિટીમાં અનેક નવા કોર્સ શરૂ કરવામાં આવ્યા હતા. જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીને એડમિશન આપવામાં આવ્યું હતું. જેમાં મોટા પાયે ટ્રાન્ઝેકશન થયા હોવાનું IT વિભાગને ધ્યાને આવતા દરોડો પડ્યો હોવાની શક્યતાઓ સેવાઈ રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાત સહિત દિલ્હી, ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર અન્ય કેટલાક રાજ્યમાં 50 થી વધુ જગ્યાએ આજે ITનું મેગા સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે.