નવજીવન ન્યૂઝ. અમદાવાદ: Ahmedabad Missing Girl : આજના સમયમાં આપણે મહિલા સશક્તિકરણ અને સમાનતાની ગમે તેટલી વાતો કરીએ તેમ છતાં મહિલાઓની પરિસ્થિતી શું છે એ આપણે સૌ જાણીએ છે. એક ચોક્કસ ઉંમર બાદ છોકરીના પરિવારજનો તેના લગ્ન કરાવવાની ઉતાવળ કરવા લાગે છે, જ્યારે કેટલાક રૂઢિચુસ્ત પરિવારોમાં તો છોકરીની આ ઉંમર સામાન્ય કરતાં પણ ઓછી હોય છે. આવી જ સમસ્યાથી કંટાળીને ભાગી ગયેલી આમદવાદની (Ahmedabad) યુવતી ગાંધીનગરથી (Gandhinagar) મળી આવી છે. અમદાવાદ પોલીસે (Ahmedabad Police) યુવતીના માતા-પિતાનું કાઉન્સિલિંગ કરીને યુવતીને પરિવાર સાથે પરત મોકલી આપી હતી.
ઘટનાની પ્રાથમિક જાણકારી મુજબ, અમદાવાદના વસ્ત્રાલમાં રહેતી અને અમદાવાદનાં ખોખરા વિસ્તારની કોલેજમાં BBAનો આભાસ કરતી એક યુવતી થોડા દિવસ અગાઉ કોલેજ પરીક્ષા આપવા જાઉં છું તેમ કહીને ઘરેથી નીકળી હતી અને પરત ફરી ન હતી. ત્યાર બાદ તેના માતા-પિતાએ શોધખોળ કરી તો એક ચિઠ્ઠી મળી હતી. જેમાં લખ્યું હતું કે, “હું IPS બનવા દિલ્હી જાઉં છું, મને શોધતા નહીં.” યુવતીની આવી ચિઠ્ઠી મળ્યા બાદ તેના માતા-પિતાએ પોલીસ સ્ટેશનમાં દીકરી ગુમ થઈ હોવાની ફરિયાદ નોંધાવી હતી.
પોલીસ જ્યારે ટેકનિકલ સર્વેલન્સના આધારે યુવતીની શોધખોળ કરી રહી હતી, ત્યારે જાણવા મળ્યું કે આ યુવતી ખરેખર પ્લેનમાં એકલી દિલ્હી ગઈ હતી અને ત્યાં એક UPSCનો અભ્યાસ કરાવતા એક સેન્ટરમાં તેણે IPS બનવા અંગેની તપાસ પણ કરી હતી અને પરત અમદાવાદ આવી ગઈ હતી. પરંતુ આ યુવતી અમદાવાદ આવ્યા બાદ પોતાના ઘરે જવાને બદલે ગાંધીનગરની એક હોસ્ટેલમાં જઈને રહેવા લાગી હતી. પોલીસને યુવતીનું લોકેશન મળતા પોલીસ યુવતીને લેવા માટે ગાંધીનગરની હોસ્ટેલ પહોંચી હતી.
જ્યારે પોલીસ તેણે લેવા આવી ત્યારે યુવતીએ ચોંકાવનારો ખુલાસો કર્યો હતો. યુવતીએ પોલીસને પૂછપરછ દરમિયાન જણાવ્યું હતું કે, તે પોતે ભણવામાં ખૂબ હોંશિયાર છે અને પોતે સારી નોકરી મેળવીને પોતાના પગ ઉપર ઊભી થવા માગે છે, પરંતુ તેની મોટી બહેને પ્રેમ લગ્ન કરી લીધા હોવાને કારણે તેના માતા-પિતા તેને વહેલા લગ્ન કરી લેવા દબાણ કરે છે. તે લગ્ન કરવા ઇચ્છતી ન હોવાથી તેણે ઘર છોડવાનો નિર્ણય કર્યો હતો. આ વાત જાણ્યા બાદ પોલીસ યુવતીને અમદાવાદ લઈ આવી હતી અને તેના માતા-પિતાને બોલાવીને કાઉન્સિલિંગ કર્યું હતું અને યુવતીને તેમની સાથે મોકલી દીધી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, આજના સમયમાં જ્યારે આપણે સમાનતાની વાતો કરીએ છે, ત્યારે દીકરીને પણ ભણવાનો અને નોકરી કરીને પોતાના પગ પર ઊભા રહેવાનો એટલો જ અધિકાર છે જેટલો દીકરાને છે. કેટલાક લોકો આજના સમયે પણ દીકરીને બોઝ અને પારકી માને છે. સામાજિક સુધારકોએ આ વાતને ધ્યાનમાં લઈને આવા લોકોની માનસિકતા જલદીથી બદલાય તે દિશામાં કામ કરવું જોઈએ. આ કિસ્સામાં અમદાવાદ પોલીસની કામગીરી ખરેખર સરાહનીય છે કે તેમણે આ યુવતીના માતા-પિતાને સમજાવવાનું અગત્યનું કામ કર્યું છે.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








