નવજીવન ન્યૂઝ. અમદાવાદ: અમદાવાદમાં લોકોને સુરક્ષા આપતી પોલીસ જ અસુરક્ષિત બની છે. અમદાવાદમાં પોલીસ પર હુમલો કરવાની વધુ એક ઘટના સામે આવી છે. અમદાવાદના જાહેર રસ્તા પર વાહન પાર્ક કરીને બેસી જતાં રસ્તા પર ટ્રાફિક જામની પરિસ્થિતી સર્જાઈ હતી. જો કે ઘટના સ્થળ પર પોલીસ પહોંચતા યુવકે છરીથી હુમલો કરવાનો પ્રયત્ન કર્યો હતો.
પ્રાપ્ત વિગત અનુસાર, અમદાવાદના નારોલ વિસ્તારમાં આવેલા પીપળજ પીરના રોડ ગણેશનગર ખાતે સવારે 11 વાગ્યાની આસપાસ સ્થાનિક યુવકએ રસ્તા પર અડચણ રૂપે વાહન રાખીને બેસી ગયો હતો. આ અંગે કંટ્રોલમાંથી માહિતી મળતા જે ટ્રાફિક પોલીસ સ્ટેશનના પોલીસકર્મી સ્થળ પર દોડી આવ્યા હતા અને યુવકને સમજવાનો પ્રયત્ન કર્યો હતો.
રસ્તાની વચ્ચે વાહન પાર્ક કરીને યુવાન ઉભો રહી જતાં ટ્રાફિક જામના દ્રશ્ય સર્જાયા હતા. પોલીસ જગ્યા પર આવી પહોંચતા તેનું વાહન સાઈડમાં લેવાનું કહેતા યુવકે આક્રોશમાં જણાવ્યુ હતું કે પહેલા તમે ગણેશનગરમાં જે વરસાદી પાણી ભરાયું છે તેનો નિકાલ કરો ત્યાર બાદ જ હું અહીંયાથી જઈશ, હું ગણેશનગરનો સજ્જુ સલીમખાન પઠાણ છું અને અહીંનો દાદા છું, તમે ટ્રાફિક વાળા પોતાનને શું સમજો છો, તમે મારૂ કઈ ઉખાડી નહીં શકો, હું જેમ કહું તેમ કરો નહિતર જાનથી મારી નાખીશ કહીને ગાળો ભાંડવા લાગ્યો હતો.
ઉશ્કેરાયેલા યુવકે જે ટ્રાફિક પોલીસ સ્ટેશનના કોન્સટેબલ પરાક્રમસિંહ ભરતસિંહનો કોલર પકડીને ઝપાઝપી કરવા લાગ્યો હતો. એટલામાં અન્ય પોલીસ કોન્સટેબલ ભરતકુમાર ધનજીભાઈ આવી જતાં બંને પોલીસકર્મી તેને પકડીને રોડની સાઈડમાં લઈ જતાં હતા તે દરમિયાન યુવકે તેની પાસે રહેલી છરી કાઢીને પોલીસકર્મી પર હુમલો કરવાનો પ્રયત્ન કર્યો હતો. આ હુમલામાં એક પોલીસકર્મી ઇજાગ્રસ્ત થયો હતો. યુવકે હુમલો કર્યા બાદ પીરાણા ચાર રસ્તા ટ્રાફિક પોઈન્ટના પોલીસકર્મી અને આજુ બાજુના લોકો એકઠા થઈ જતાં યુવક તેનું વાહન મૂકીને નાશી ગયો હતો. સમગ્ર બાબતે નારોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796