કોરોનાની બીજી લહેરે લોકોના હાલ બેહાલ કરી નાખ્યા છે ત્યારે કોરોનાની સારવાર લેતા દર્દીઓ અને તેમના પરિવાર જનોની ચિંતા કરવાનું અમદાવાદીઓ ચૂકતા નથી.
કોરોનાની બીજી લહેર માં અમદાવાદની ૧૨૦૦ બેડ સિવિલ હોસ્પિટલ પર ભારે ઘસારો જોવા મળ્યો છે કોરોનાની સારવાર લેતા દર્દીઓના પરિવારજનો માટે રહેવાની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. અનેક સેવાભાવી સંસ્થાઓ અને ઘણા લોકો વ્યક્તિગત રીતે પણ સેવા આપી રહ્યાં છે. દર્દીના સગાંઓ માટે કોઈક જમવાનું તો કોઈક ચા-પાણી, નાસ્તો લઈને સવારથી રાત સુધી સિવિલ હોસ્પિટલના કમ્પાઉન્ડમાં મળે છે.
સિવિલ હોસ્પિટલથી લગભગ એકાદ કિલોમીટર દૂર રામેશ્વર પાસે આવેલા સોમનાથ મહાદેવ મંદિરના સેવાભાવી યુવકોએ અનોખી સેવા ચાલુ કરી છે. સિવિલમાં સારવાર લઈ રહેલ દર્દીઓ માટે સોમનાથ મહાદેવ સંસ્કૃતિ મંદિરના પ્રાંગણથી રોજ લીંબુ સરબત પોંહાચડવામાં આવે છે. તબીબોનું પણ માનવું છે કે, કોરોનાના દર્દીઓને માટે લીંબુનું સેવન લાભદાયી છે. સિવિલ હોસ્પિટલના મેડિસિટી (1200 બેડ), મંજુશ્રી અને IKDRC ત્રણેય કોવિડ સેન્ટરમાં દાખલ દર્દીઓને આ સેવાનો લાભ મળે છે.
આ સેવાકીય પ્રવૃત્તિનો કાર્યભાર સંભાળતા બિપિનચંદ્ર પટેલ જણાવે છે કે, અમને અહીં સેવા આપતા જોઈને અન્ય લોકો પણ પ્રેરિત થયા છે. તેમાંથી ઘણા અમારી સાથે જોડાયા પણ છે. અહીં સેવામાં જોડાનાર દરેક યુવાન સ્વૈચ્છિક રીતે જોડાય છે. અને ઉત્સાહપૂર્વક કામ કરે છે. ખરેખર આ લીંબુ સરબતની પ્રસાદી મહાદેવની છે. અમે તો દર્દીઓ સુધી પહોંચાડવા માત્ર નિમિત્ત બનીએ છીએ. (વિડીયો અંતમાં દર્શાવ્યો છે.)
તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, સિવિલ હોસ્પિટલના મેનેજમેન્ટ અને દર્દીઓના ખોરાકની જવાબદારી સાંભળતા ડોક્ટર વૈષ્ણવનો પણ સહયોગ ખૂબ સરસ છે. અને લીંબુ સરબત બનાવવાની જગ્યા આપવા બદલ સોમનાથ મહાદેવ મંદિરનો અને સેવાભાવી સ્વયંસેવકોનો આભાર વ્યક્ત કરું છું.
અત્રે ઉલ્લખનીય છે કે આ સેવાકીય પ્રવૃતિનો કાર્યભાર સંભાળનારા બિપીનચંદ્ર પટેલ ચાર ટર્મ અસારવા વોર્ડ માં નગર સેવક રહી ચૂક્યા છે.