- મતની ચિંતા જ નહીં, નકલી બુથમાં પડી ગયા આટલા મત
- ચૂંટણીપંચ ક્યારે કરશે કાર્યવાહી?
નવજીવન ન્યૂઝ.ખેડાઃ નકલી કોર્ટ, નકલી પોલીસ, નકલી ઘી, નકલી પનીર, નકલી નકલી નકલીમાં ફાવટ એવી આવી ગઈ છે કે નકલીના તો આપણે ત્યાં બાદશાહો જોવા મળી જાય છે. હાલમાં જ ખેડામાં નકલી મતદાન મથક જ ઊભું કરીને બેલેટ પેપરથી મતદાન કરવાનો મોટો ઘટસ્ફોટ થયો છે. ખેડા જિલ્લામાં મતદાન પ્રક્રિયા અંગે ગંભીર વિવાદ સામે આવ્યો છે. કોંગ્રેસના ઉમેદવારોએ આક્ષેપ કર્યો છે કે સરકારી કચેરીમાં નકલી મતદાન મથક ઊભું કરી ગેરરીતિથી મતદાન કરાવવામાં આવ્યું હતું. આ ઘટનાએ જિલ્લાની રાજકીય પરિસ્થિતિમાં ભારે ચકચાર મચાવી છે. એટલે કે મતની તો ચિંતા જ નહીં, મતદાન મથક જ આપણું છે એવો ઘાટ ઊભો થયો છે. હવે વધુ એક વખત ચૂંટણી પંચની કામગીરીને લઈને લોકોની નજર છે કે આ મુદ્દા પર પણ ચૂંટણી પંચ શું કરે છે. કારણ કે હવે મતદાનને ગણતરીના દિવસો બાકી છે. ત્યાં મતદારોને ધમકાવવા, મતદારો પર હુમલા કરવા સહિતની બાબતો પર ચૂંટણી પંચે ધ્યાન આપવું જરૂરી બન્યું છે. સાથે જ રોકડાના ધરખમ વ્યવહારો અને હવાલા કૌભાંડોના આરોપો લાગ્યા છે. તેવા સંજોગોમાં કયા પક્ષ માટે ચૂંટણી પંચ કેવા આરોપોને ધ્યાને લઈને કાર્યવાહી કરે છે તે જોવું રહ્યું. તમે પણ જોજો અને અમે પણ જોઈશું…

મળતી માહિતી મુજબ, ખેડામાં જિલ્લા હોમગાર્ડ કમાન્ડન્ટ કચેરીમાં બિનઅધિકૃત રીતે મતદાન મથક ઊભું કરાયું હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. કોંગ્રેસના ઉમેદવાર ચિરાગ પરીખે જણાવ્યું હતું કે પોસ્ટલ બેલેટ મતદાન દરમિયાન નિયમોનો ભંગ કરીને ગેરરીતિ કરવામાં આવી હતી. તેમણે દાવો કર્યો કે પૂઠાની બનાવટની મતપેટીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, જે સત્તાવાર પ્રક્રિયાનો ભાગ નથી.
આક્ષેપ મુજબ, હોમગાર્ડ કમાન્ડન્ટ પ્રણવ સાગર દ્વારા પોતાના સ્તરે મતદાનની વ્યવસ્થા ઊભી કરવામાં આવી હતી. અહીં હોમગાર્ડના જવાનોને બેલેટ પેપર આપી મતદાન કરાવવામાં આવતું હતું અને ત્યારબાદ તે મતપેટીમાં નાખવામાં આવતા હતા. આ સમગ્ર પ્રક્રિયા ચૂંટણીના નિયમો વિરુદ્ધ હોવાનું કોંગ્રેસ દ્વારા જણાવાયું છે.

કોંગ્રેસના ઉમેદવાર ચિરાગ પરીખ અને છાયાબેન પ્રજાપતિએ આ મામલે ચૂંટણી અધિકારી સમક્ષ સત્તાવાર ફરિયાદ નોંધાવી છે અને નિષ્પક્ષ તપાસ કરવાની માંગ કરી છે. તેમણે આ ઘટનાને લોકશાહી માટે ગંભીર ખતરો ગણાવ્યો છે.
બીજી તરફ, ભાજપના સ્થાનિક નેતાઓએ આ તમામ આક્ષેપોને બિનઆધારિત ગણાવી નકારી કાઢ્યા છે. આ મામલે બંને પક્ષો વચ્ચે રાજકીય આરોપ-પ્રત્યારોપનો માહોલ ગરમાયો છે.

ચૂંટણી અધિકારીઓએ મામલો ધ્યાનમાં લીધો હોવાનું જાણવા મળી રહ્યું છે અને તપાસ શરૂ કરવાની શક્યતા છે. જો આક્ષેપો સાચા સાબિત થાય તો સંકળાયેલા અધિકારીઓ સામે કડક કાર્યવાહી થઈ શકે છે.

આ સમગ્ર બનાવને કારણે જિલ્લાની ચૂંટણી પ્રક્રિયાની પારદર્શિતા અંગે પ્રશ્નો ઊભા થયા છે અને હવે ઉચ્ચ અધિકારીઓ દ્વારા સ્પષ્ટતા અને ઝડપી તપાસની માંગ ઉઠી રહી છે.








