Tuesday, May 5, 2026
HomeGujaratકોરોનાકાળમાં આશા બનનારાં ચહેરાઓ...

કોરોનાકાળમાં આશા બનનારાં ચહેરાઓ…

- Advertisement -

કોરોનાની પ્રથમ વેવ બાદ એક સમય એવો આવ્યો હતો જ્યારે કેસીસની ઘટતી સંખ્યાએ આપણને હાશકારો આપ્યો હતો અને જીવન યથાવત્ થવા માંડ્યું હતું. માંડ આવાં ચાર મહિના ગયા હશે ને કોરોના બમણાં વેગથી ફરી ત્રાટક્યો છે અને હવે તેની શક્તિ અનેકગણી વધી છે. યુવાનો, બાળકોને પણ તે શિકાર બનાવવા માંડ્યો છે. પહેલાં જ્યારે તેના મુખ્ય લક્ષણોમાં તાવ, કળતર, સ્વાદ અને સૂંઘવાની શક્તિ ગુમાવી દે તે હતાં, પણ હવે કોરોના સીધો જ શ્વાસ લેવાની ક્ષમતા પર હુમલો કરે છે અને એકાએક દરદીનું ઑક્સિજન ઘટાડે છે. આનાથી પ્રસરેલા કહેરે આપણી આસપાસ ડરામણો માહોલ ઊભો કર્યો છે. વાસ્તવિકતા હોવા છતાં હવે તે ડરની અસર આપણી માનસિકતા પર થઈ રહી છે. આ ડરની વચ્ચે ભાગ્યે જ કોઈ જ આશા જન્માવે તેવાં ન્યૂઝ દેખા દે છે. હાલમાં એક પ્રયાસ ‘ધ લલ્લનટોપ’ નામની વેબસાઇટે કર્યો છે. તેઓએ કોરોનાકાળની કેટલીક એવી સ્ટોરી દર્શકો સામે મૂકી જેમાણસાઈનો પુરાવો આપે. આ જ તર્જ પર અન્ય સ્ટોરી જોડીને ઉમેદ જાગે તેવા કેટલાંક દાખલા અહીં રજૂ કર્યા છે.






છેલ્લા વર્ષથી દેશમાં મેડિકલ સ્ટાફ ખડેપગે ફરજ બજાવી રહ્યો છે. રજા વિના, થાક્યા વિના અવિરત તેઓ પોતાની ડ્યૂટી કરી રહ્યાં છે. ઘણાં તો પરિવારથી દૂર રહીને મહિનાઓ સુધી કામ કરી રહ્યા છે, તેમાંના એક ડૉ. પ્રજ્ઞા ઘરડે છે. થોડા સમય પહેલાં જ્યારે કોરોનાના કેસ ઘટ્યા હતા ત્યારે તેઓ નાગપુરથી પોતાના ઘરે મધ્ય પ્રદેશ બાલાઘાટ આવ્યાં હતાં. નાગપુરના કોવિડ સેન્ટર પર ડૉ. પ્રજ્ઞા આરએમઓના પદ પર છે. આ સરકારી નોકરી સાથે તેઓ અહીંના જ એક અન્ય હોસ્પિટલમાં પણ પોતાની સેવા આપતાં હતાં. બાલાઘાટનાઘરે આવ્યા બાદ મુંબઈ, નાગપુર સહિત મહારાષ્ટ્રમાં કોરોના કેસ અચાનક વધવા લાગ્યા. કેસીસની વધતી સંખ્યા જોઈ ત્યારે તેમણે રજા મોકૂફ રાખીને તાત્કાલ પોતાના પદે હાજર થવાનો નિર્ણય લઈ લીધો હતો. જોકે મધ્ય પ્રદેશથી મહારાષ્ટ્ર જનારી તમામ ટ્રાન્સપોર્ટેશન વ્યવસ્થા બંધ હતી. આવા કટોકટીભર્યા સમયમાં મહારાષ્ટ્ર પહોંચવું મુશ્કેલ હતું. પરંતુ ડૉ. પ્રજ્ઞા નિર્ધાર કરી ચૂકી હતી કે કોઈ પણ હિસાબે ફરજ પર હાજર થવાનું છે. આ માટે તેમણે સ્કૂટી પર નાગપુર જવાનું નક્કી કર્યું. અંતર ઓલમોસ્ટ 180 કિલોમીટર હતું. પરિવારની ના હતી પણ ડૉ. પ્રજ્ઞા નાગપુર જવા મક્કમ હતી. તેઓએ તે માર્ગ કાપ્યો અને ડ્યૂટી પર હાજર થયાં. આજે તેઓ નાગપુરના એક કોવિડ સેન્ટરમાં દિવસરાત કોરોના દરદીઓને એટેન્ડ કરે છે. ડૉ. પ્રજ્ઞાની આ સ્ટોરી આપણી સમક્ષ આવી છે, બાકી મહદંશે દરેક મેડિકલ અને પેરામેડિકલ સ્ટાફ છેલ્લા વર્ષથી આ કટોકટીમાંનાનાં-મોટા સંઘર્ષો સાથે ફરજ નીભાવી રહ્યા છે. અહીંયા એ પણ યાદ રાખવું જોઈએ કે આમાંથીજ અનેક આ જંગમાં પોતે દરદી બન્યા છે; અને કેટલાંકે દુનિયામાંથી વિદાય પણ લીધી છે!

- Advertisement -

આજે તોતિંગ ક્ષમતા ધરાવતી સરકાર પણ સવાલ ઊઠી રહ્યા છે ત્યારે એક વ્યક્તિ કે કોઈ નાનું જૂથ મદદ કરી કરીને કેટલી કરી શકે, એ પ્રશ્ન થાય. પરંતુ આવો વિચાર સેવાના વિચારના ભાવને પાછળ ધકેલે છે અને તેની અમલવારી ગ્રાઉન્ડ પર થતી નથી. પણ જેઓ આવું વિચાર્યા વિના માત્ર સેવાધર્મ નિભાવે છે તેઓ અનેકોનું જીવન બચાવી શકે છે. દિલ્હીના માયાપુરી ઇન્ડસ્ટ્રીઅલ એરિયામાં વિનાયક ઓક્સિજન પ્લાન્ટ આવેલો છે. અહીંયા જે કોઈ પણ આવે છે તેને વિનામૂલ્યે ઓક્સિજન ભરી આપવામાં આવે છે. અત્યાર સુધી વિનાયક ઓક્સિજન પ્લાન્ટમાંથી કોઈ નિરાશ પાછું ફર્યું નથી. આ પ્લાન્ટ આમ તો કોમર્શિયલ ડિમાન્ડની આપૂર્તિ કરી છે, પણ હાલમાં પ્લાન્ટના માલિકે હોસ્પિટલોને ઓક્સિજન આપવાનો નિર્ધાર કર્યો છે. આ પ્લાન્ટમાં ચોવીસ કલાક ઓક્સિજન ઉપલબ્ધ છે.ઓક્સિજનની સ્થિતિ આપણે બેખબર નથી. હાલમાં તો ઓક્સિજનના અભાવે દિલ્હીની એક હોસ્પિટલમાં વીસ દરદીઓના મૃત્યુ થયા. આવા સમયે પ્લાન્ટના માલિક અભિષેક ગુપ્તાએ તેમના કંપનીના દરવાજા જરૂરિયાતમંદો માટે ખોલી દીધા છે.દેશમાં અનેક લોકો આ રીતે કોરોનાના પડકારને પહોંચી વળવા માટે પોતાનું ખિસકોલીકાર્ય કરી રહ્યા છે; જેનાથી લોકોનું જીવન બચી રહ્યું છે કાં તો તેઓને આ મુશ્કેલી સામે લડવામાં થોડી રાહત મળી છે.




આવા અનેક દાખલાઓ આપણી આસપાસ પણ મોજૂદ છે. કોઈ તેમના સંબંધીને, કોઈ મિત્રોને કે પછી કોઈ અજાણ્યાને કપરા કાળમાં ભોજન પૂરું પાડી રહ્યું છે, તો વળી કોઈ દવા ઉપલબ્ધ કરાવે છે તો વળી કોઈ કોરોના સંબંધિત સાચી માહિતી આપીને પણ સેવા કરી રહ્યાં છે. આ નાની નાની સહાયથી જ આ કટોકટીના ભારના દિવસો વીતી રહ્યા છે. આવું જ નેક કામ મુંબઈના શાહનવાઝે કરી રહ્યા છે. શાહનવાઝે પોતાની બાવીસ લાખની એસયુવી વેચીને લોકો માટે ઓક્સિજનની વ્યવસ્થા કરી છે. આ શરૂઆત તેમણે ગત્ વર્ષે કરી હતી. મુંબઈમાં કોરોનાને લઈને સતત સ્થિતિ ખરાબ થતી ગઈ છે. આ સ્થિતિ પારખીને જ શાહનવાઝે ઓક્સિજન પૂરું પાડવા માટે કાર્ય ઊપાડ્યું હતું. તેમણે પોતાની મોંઘીદાટ કાર વેચી અને પ્રથમ વેવમાં 6000થી વધુ લોકોને ઓક્સિજન પૂરો પાડ્યો. તેમણે હવે એક પ્લેટફોર્મ પણ ઊભું કર્યું છે તેનું નામ રાખ્યું છે ‘યૂનિટી એન્ડ ડિગ્નિટી ફાઉન્ડેશન’ અને તે અંતર્ગત તેઓ કામ કરી રહ્યાં છે. શાહનવાઝનું કહેવું છે કે ગત્ વર્ષે તેમને ઓક્સિજન માટે દિવસના50થી 60 કોલ આવતાં હતાં; આ વર્ષે તે કોલની સંખ્યા પાંચસોથી છસ્સોએ પહોંચી છે. સેવાધર્મ નિભાવવા માટે પોતાની જાતને હોમી દેવાનું શાહનવાઝ શ્રેષ્ઠ ઉદાહરણ છે.


ગ્રાઉન્ડ લેવલ પર આવાં ફરિશ્તાઓ સીધી જ દરદીઓની મદદ કરી રહ્યાં છે. તેમની મદદ લેવામાં કોઈ જ અંતરાય નથી. સામાન્ય રીતે સિસ્ટમમાં મદદ લેવા જાવ તો અનેક કોઠા પાર કરીને મદદ મેળવી શકાય છે, જ્યારે આવાં વ્યક્તિની મદદ તુરંત જ જરૂરિયાતમંદ પાસે પહોંચે છે. આવું જ એક નામ વારાણસીના અમન કબીર છે. તેઓએ મદદ કરવાનો ઇનોવેટિવ આઇડિયા શોધી કાઢ્યો છે. આમ તો તેઓ વર્ષોથી બાઇક એમ્બ્યુલન્સ ચલાવી રહ્યાં છે, પરંતુ કોરોનાની એન્ટ્રી બાદતેમની વ્યસ્તતા સતત વધી છે. તેમની સેવા વારાણસીમાં ચોવીસ કલાક ઉપલબ્ધ છે. વારાણસી શહેરમાં જ્યાં પણ કોઈ લાવારીસ મૃતદેહ હોય તો તેને અંતિમ સંસ્કાર કરાવવાના સ્થળ સુધી પહોંચવાનું કાર્ય અમન કબીર કરે છે. હાલ તેઓ કોરોના દરદીઓને હોસ્પિટલ પહોંચાડવાનું કામ પણ કરી રહ્યાં છે. વર્ષથી તેમની સેવા અનેક કોરોના દરદીઓ લઈ ચૂક્યા છે. આ કામ તેઓ વિનામૂલ્યે કરે છે. હાલ અમન કબીરની સ્ટોરી નેશનલ મીડિયા પર ચમકી રહી છે, પણ તે માટે તેમણે અવિરત દાયકા સુધી સેવા કાર્ય કરે રાખ્યું છે.



- Advertisement -

ઘણી વાર સિસ્ટમમાં રહેલાં પદાધિકારીને પણ પોતાની સેવા પૂરતી નથી તેવું અનુભવે છે અને તેઓ વ્યક્તિગત રીતે પહેલ કરે છે. એવી પહેલ ઓડિશાના આઈપીએસ અધિકારી અરૂણ બોથરાએ કરી છે. તેમણે ‘ઇન્ડિયા કેઅર્સ’ નામે એક પ્લેટફોર્મ શરૂ કર્યું છે, જે અંતર્ગત કોરોનાના કેઅર મુદ્દે ડિમાન્ડ અને સપ્લાય થનારી બાબતો પર ધ્યાન રાખે છે. હાલમાં દિલ્હીમાં જ્યારે ઓક્સિજનની ખૂબ કમી છે ત્યારે અરૂણ બોથરાએ ‘ઇન્ડિયા કેઅર્સ’ના મદદમથી દિલ્હીની રાઠી હોસ્પિટલમાં ઓક્સિજન પહોંચાડવાની વ્યવસ્થા કરી હતી. આ ઉપરાંત ઓક્સિજન માટે જે સિલિન્ડરની જરૂરિયાત હોય તે પણ પહોંચાડ્યા.

કેટલાંક અજાણી મદદ પણ છે જે ચહેરાઓ આપણી સમક્ષ નથી, પણ તેની વાત તો થઈ શકે છે. જેમ કે એક ગર્ભવતી સ્ત્રીને કોરોનાકાળ દરમિયાન બાળક થયું. માતા કોરોનાથી સંક્રમિત થયાં અને બાળક તેનાથી સુરક્ષિત રહ્યું. માતાની સારવાર દરમિયાન મોત થયું, બાળકને જીવાડવા હોસ્પિટલના સ્ટાફે ઓબ્ઝર્વેશનમાં રાખીને પહેલાં તો અઠવાડિયા સુધી પાવડરનું દૂધ પીવડાવ્યું. અંતે કોઈ સોશિયલ મીડિયા પર માતાના દૂધની અરજ કરી, અને એક નહીં પણ 26 બહેનોએ બ્રેસ્ટ ફીડ માટે તૈયારી દાખવી. કેટલીક મહિલાઓએ તો જ્યાં સુધી બાળકને બ્રેસ્ટી ફીડીંગની જરૂર છે ત્યાં સુધી તેમની પાસે રાખશે તેવો પણ પ્રસ્તાવ મૂક્યો.




આ ઉપરાંત પણ અનેક સંસ્થાઓ પણ મદદ માટે આગળ આવી છે. જેમ કે વડોદરામાં સ્વામિનારાયણ મંદિર દ્વારા પચાસ બેડની હોસ્પિટલ શરૂ કરવામાં આવી છે. અને એ જ રીતે જહાંગીરપુરામાં મસ્જિદ દ્વારા હોસ્પિટલ નિર્માણ કરવામાં આવી છે.

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular