નવજીવન ન્યૂઝ. અમદાવાદ: ગુજરાતમાં ચોમાસાનું આગમન થઈ ગયું છે. સૌરાષ્ટ્રમાં છેલ્લા કેટલાક દિવસોથી સતત વરસાદ વરસી રહ્યો છે, ત્યારે અમદાવાદમા પણ ગઇકાલથી વરસાદનું આગમન થઈ ગયું છે. અમદાવાદમા લોકો આતુરતાથી વરસાદની રાહ જોતાં હોય છે, પણ જ્યારે અમદાવાદમા વરસાદ આવે ત્યારે અમદાવાદનાં રસ્તાઓની પોલ ખૂલી જાય છે. અમદાવાદ કોર્પોરેશન પ્રીમોનસૂન કાર્યવાહી માત્ર નામની જ કરે છે, તે વરસાદ આવતા જ સમજી જવાય છે. અમદાવાદનાં નિકોલ વિસ્તારમાં એક રસ્તા ઉપર ખાડામાં વરસાદના કારણે એક કાર ફસાઈ ગઈ હતી જેને ક્રેનની મદદથી બહાર લાવવી પડી હતી.
આ ઘટનાની પ્રાથમિક માહિતી મુજબ નિકોલ રોડ ઉપર વૈકુંઠ બંગલાની સામેના રોડ ઉપર વરસાદના કારણે પાણી ભરાઈ ગયું હતું, આ રોડ અગાઉથી ખોદીને રાખવામા આવેલો હતો જે વરસાદના પાણીમાં કાર ચાલકને દેખાયું નહીં અને ખોદેલા રોડની માટીમાં કાર ફસાઈ ગઈ હતી. માટીમાં ફસાયેલી આ કારને બહાર કાઢવા માટે ક્રેન લાવવી પડી ત્યારે કાર બહાર લાવી શકાઈ હતી.
સામાન્ય રીતે ચોમાસુ શરૂ થાય તે પહેલા શહેરોમાં રોડનું જેટલું પણ કામ હોય તે પૂરું કરી દેવાનું હોય છે, પણ દર વર્ષે તંત્રની બેદરકારીના કારણે અવાર-નવાર આવી ઘટનાઓ સામે આવતી જ રહે છે. નિકોલમાં કાર ખોદેલા રોડની માટીમાં ફસાઈ ગઈ હોવાથી કાર ચાલુ કરીને બહાર લાવી શકાય તેવી સ્થિતિ ન હતી જેના કારણે ક્રેનની મદદ લેવી પડી હતી અને આખી કારને દોરડાની મદદથી બાંધીને ક્રેન દ્વારા બહાર લાવવી પડી હતી.