Friday, April 19, 2024
HomeInternationalજાપાનના પૂર્વ વડાપ્રધાન શિન્ઝો આબેનું નિધન, ચૂંટણી પ્રચાર દરમિયાન ગોળી વાગી હતી

જાપાનના પૂર્વ વડાપ્રધાન શિન્ઝો આબેનું નિધન, ચૂંટણી પ્રચાર દરમિયાન ગોળી વાગી હતી

- Advertisement -

નવજીવન ન્યૂઝ. જાપાન: જાપાનના પૂર્વ વડાપ્રધાન શિન્ઝો આબેનું ચૂંટણી પ્રચાર દરમિયાન ગોળી વાગવાથી મૃત્યુ થયું છે. આ પહેલા જાપાનના વડાપ્રધાન ફ્યુમિયો કિશિદાએ રાજધાની ટોક્યોમાં જણાવ્યું હતું કે, “પૂર્વ વડાપ્રધાન શિન્ઝો આબેની હાલત ખૂબ જ ગંભીર છે.” શિન્ઝો આબેને ગળામાં ગોળી વાગી હતી અને ઘણું લોહી વહી ગયા બાદ તેમને હોસ્પિટલમાં બચાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા હતા. પરંતુ શિન્ઝો આબેમાં જીવનની કોઈ નિશાની દેખાતી ન હતી. ફ્યુમિયો કિશિદાએ કહ્યું કે હું પ્રાર્થના કરું છું કે શિન્ઝો આબેનો જીવ બચી જાય.

સમાચાર એજન્સી એએફપીના જણાવ્યા અનુસાર, જાપાનની સત્તાવાર ચેનલ્સ એનએચકે અને જીજી (જીજી ન્યૂઝ એજન્સી)એ પૂર્વ વડાપ્રધાન શિન્ઝો આબેના મૃત્યુની પુષ્ટિ કરી હોવાના અહેવાલ આપ્યા છે. જાપાનની લિબરલ ડેમોક્રેટિક પાર્ટીના વરિષ્ઠ અધિકારીના જણાવ્યા અનુસાર, ભૂતપૂર્વ વડા પ્રધાન શિન્ઝો આબેનું નિધન નારા પ્રદેશના કાશીહારા શહેરમાં થયું હતું. અહીં 67 વર્ષીય નેતાને બચાવવાના પ્રયાસો થઈ રહ્યા હતા.

- Advertisement -

સરકારના પ્રવક્તા હિરોકાઝુ માત્સુનોએ અગાઉ સમાચાર મધ્યમોને જણાવ્યું હતું કે “શિન્ઝો આબે પર હુમલો દેશના પશ્ચિમી પ્રદેશ નારામાં બપોરે 12 વાગ્યા પહેલા થયો હતો, અને શૂટર હોવાનું માનવામાં આવતા એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે.”

જાપાનની રાજનીતિ પર નજર રાખનાર કાનાગાવા યુનિવર્સિટીના પ્રોફેસર કોરી વોલેસે અગાઉ કહ્યું હતું કે જાપાનની રાજનીતિમાં છેલ્લા 50-60 વર્ષમાં આવું બન્યું નથી. છેલ્લી વખત આવી ઘટના 1960માં બની હતી જ્યારે જાપાન સોશ્યલિસ્ટ પાર્ટીના ઇનેજીરો આસાનુમાને જમણેરી યુવકે છરી મારી હતી. પરંતુ હવે જાપાનમાં જનતાની નજીક જઈને જ ચૂંટણી પ્રચાર કરવામાં આવે છે.

67 વર્ષીય આબે સુરક્ષા દળોની હાજરીમાં ભાષણ આપી રહ્યા હતા, પરંતુ દર્શકો તેમના સુધી સરળતાથી પહોંચી શકે તેમ હતું. જાપાનના સરકારી ટીવી NHK દ્વારા પ્રસારિત કરવામાં આવેલા ફૂટેજમાં તેમણે જ્યારે હવામાં જોરથી ધડાકા અને ધુમાડાના ગોટેગોટા ઉડે ​​છે ત્યારે સ્ટેજ પર ઊભા દેખાય છે.

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular