નવજીવન ન્યૂઝ.અમદાવાદઃ અમદાવાદમાં કોંગ્રેસના સ્ટાર પ્રચારક જિગ્નેશ મેવાણીને પોતાના જ કાર્યકર્તાઓના વિરોધનો સામનો કરવો પડ્યો હતો. સરસપુર-રખિયાલ વોર્ડમાં યોજાયેલી પ્રચાર રેલી દરમિયાન કેટલાક સ્થાનિક કોંગ્રેસ કાર્યકર્તાઓએ કાળા ઝંડા બતાવી ‘હાય હાય’ના નારા લગાવ્યા હતા.
માહિતી મુજબ, રેલીમાં પૂર્વ ધારાસભ્ય હિંમતસિંહ પટેલ સહિતના નેતાઓ હાજર હતા. પરંતુ ટિકિટ વિતરણને લઈને ચાલતા આંતરિક વિવાદને કારણે જ્યારે રેલી મન્સૂરીની ચાલી વિસ્તારમાં પહોંચી ત્યારે વિરોધ શરૂ થયો.
વિરોધ દરમિયાન મોટી સંખ્યામાં સ્થાનિક કાર્યકર્તાઓએ કાળા ઝંડા ફરકાવી અસંતોષ વ્યક્ત કર્યો હતો. બીજી તરફ, રેલીમાં જોડાયેલા અન્ય કાર્યકર્તાઓએ ‘જીતેગા ભાઈ જીતેગા, પંજા વાલા જીતેગા’ના નારા લગાવી સમર્થન પણ આપ્યું હતું. પરિસ્થિતિ વધુ બગડે નહીં તે માટે મોટી સંખ્યામાં પોલીસ તહેનાત રાખવામાં આવી હતી.
રાજકીય નિવેદનો પણ ચર્ચામાં
ચૂંટણી માહોલ વચ્ચે અન્ય રાજકીય નિવેદનો પણ ચર્ચામાં આવ્યા છે. ના માત્ર જીગ્નેશ મેવાણીના નિવેદનો પરંતુ અન્ય નેતાઓ પણ ચર્ટામાં આવ્યા હતા. કડીના નંદાસણમાં પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોરે ભાજપ પર આક્ષેપ કરતા જણાવ્યું કે યુવાનોને ખોટી દિશામાં ધકેલવામાં આવી રહ્યા છે. બીજી તરફ, ભાજપના પૂર્વ સાંસદ હરિ પટેલના જવાહરલાલ નહેરુ અંગેના નિવેદન પર પણ વિવાદ ઊભો થયો છે. આ નિવેદનનો કોંગ્રેસ તરફથી કડક વિરોધ કરવામાં આવ્યો છે.








