નવજીવન ન્યૂઝ. નવી દિલ્હીઃ છેલ્લા કેટલાક દિવસોથી આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલની કિંમતમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે, ત્યારે દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ હજુ પણ સ્થિર છે. તાજેતરમાં જ પેટ્રોલિયમ મંત્રી હરદીપ સિંહ પુરીએ એલપીજીના ભાવમાં વધારા પર કહ્યું હતું કે ગેસના ભાવને અલગ કરીને જોઈ શકાતા નથી અને આંતરરાષ્ટ્રીય તેલ બજારોમાં અસ્થિરતા હોવા છતાં ઈંધણના ભાવ સ્થિર છે. એપ્રિલ પછી પહેલીવાર બુધવારે ક્રૂડ ઓઇલ 100 ડોલરની નીચે આવી ગયું. જો કે તે પછી ભાવમાં વધારો થયો હતો.
ક્રૂડ ઓઇલ સતત બીજા સપ્તાહમાં ઘટાડા સાથે બંધ થઈ શકે છે. શુક્રવારની શરૂઆતના કલાકોમાં પણ તેમાં ઘટાડો જોવા મળ્યો હતો. યુએસમાં મંદી અને પુરવઠાની ચિંતા વચ્ચે બ્રેન્ટ ક્રૂડ ફ્યુચર્સ 0.4% ઘટીને બેરલ દીઠ $104.26 નોંધાયું હતું. ગુરુવારે ક્રૂડ લગભગ 4% વધ્યું હતું.
તમને જણાવી દઈએ કે આ વર્ષે ફેબ્રુઆરીમાં યુક્રેન પર રશિયાના હુમલાને કારણે સપ્લાયમાં વિક્ષેપ આવવાના ભયને કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં તેલ અને ગેસના ભાવમાં વધારો થયો છે. વિશ્વના સૌથી મોટા તેલ ઉપભોક્તા અમેરિકામાં મંદીની ચર્ચા બાદ તાજેતરના દિવસોમાં ઈંધણના ભાવમાં ઘટાડો થવા લાગ્યો છે. છેલ્લા કેટલાક સમયથી પેટ્રોલ અને ડીઝલના ભાવ સ્થિર છે. મે મહિનામાં સરકારે વધતી જતી મોંઘવારીને કાબૂમાં લેવા માટે પેટ્રોલમાં 8 રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલમાં 6 રૂપિયા પ્રતિ લિટરનો ઘટાડો કર્યો હતો.








