નવજીવન ન્યૂઝ. અમદાવાદ: અમદાવાદમાં ધોળાદિવસે જાહેરમાં એક યુવકને માર મારીને હત્યા કરવામાં આવી છે. ખાડિયામાં જુગારના કુખ્યાત મોન્ટુ નામદારે તેના સાગરીતો સાથે મળીને યુવકને ઢોર માર માર્યો હતો. ઢોર મારના કારણે યુવકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. મૃતક ભાજપના એક નેતાની નજીક હોવાનું ચર્ચાઇ રહ્યું છે.
માહિતી અનુસાર, સેટેલાઈટ વિસ્તારના હેતવી ટાવરમાં રહેતા પવન ગાંધી અને મોન્ટુ ઉર્ફે નામદાર સુરેશચંદ્ર ગાંધી પિતરાઈ ભાઈ છે. મોન્ટુ નામદારે વર્ષ 1992માં પવનની સગી બહેન નમ્રતા સાથે લગ્ન કર્યા હતા. પરિવાર અને સમાજનો વિરોધ હોવા છતાં લગ્ન કરતાં પવન અને મોન્ટુના પરિવાર વચ્ચે છેલ્લા ઘણા સમયથી દુશ્મનાવટ ચાલી રહી હતી. પવન ગાંધીનો એક મિત્ર રાકેશ મહેતા ખાડિયા રહેતો હતો. રાકેશ પવનને મદદ કરી રહ્યો હતો. આ વાત મોન્ટુ નામદારને પસંદ ન આવતા અંગત અદાવત રાખીને ગઈ કાલે સાંજના સમયે મોન્ટુ નામદારે સાગરીકો સાથે મળીને તેની ઓફિસની બહાર હોકી, બેઝબોલના બેટ અને અન્ય હથિયારો વડે રાકેશને માર માર્યો હતો. મારના કારણે રાકેશને ગંભીર ઇજાઓ થતાં ઘટનાસ્થળે જ રાકેશનું મોત નીપજ્યું હતું.
હત્યાની જાણ થતાં ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે દોડી ગયા હતા પરંતુ સ્થાનિકો હત્યારાઓનું નામ લેવા તૈયાર ન હતા. જોકે પોલીસ તપાસમાં કુખ્યાત હત્યારો મોન્ટુ નામદાર હોવાનું બહાર આવ્યું હતું. મૃતકના મિત્ર પવન ગાંધીએ ફરિયાદ આપતા ખાડિયા પોલીસ સ્ટેશનમાં મોન્ટુ સામે હત્યા તેમજ ષડયંત્રનો ગુનો દાખલ કરી આગળની તપાસ શરૂ કરી હતી. પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતું કે આરોપી મોન્ટુ નામદારે તેની પિતરાઈ બહેન નમ્રતા સાથે લગ્ન કર્યા હતા. નમ્રતાના બે ભાઈ પવન અને જુગ્નુ સહિતના પરિવારજનન આ લગ્ન મંજૂર ન હતા. જેથી કૌટુંબિક ઝઘડો ચાલતો હતો. રાકેશ ઉર્ફે બોબી પવન અને જુગ્નુનો ખાસ મિત્ર હતો. રાકેશ ઉર્ફે બોબી તેના મિત્રો સાથે કૌટુંબિક ઝઘડામાં જતો હતો. રાકેશ મિલકતના વિવાદમાં પવનને મદદ કરતો હોવાથી આરોપી મોન્ટુ નામદારે રાકેશ ઉર્ફે બોબીની હત્યા કરી નાખી હતી.
સૂત્ર અનુસાર, મોન્ટુ નામદાર ખાડિયા વિસ્તારમાં જુગારની ક્લબ ચલાવે છે, અમદાવાદના નામાંકિત બિલ્ડરોના મોન્ટુ પર ચાર હાથ છે. ઉપરાંત મોન્ટુ નામદાર પોલીસનો બાતમીદાર છે અને જુગાર બૂટલેગર હોવાથી પોલીસ અધિકારીઓ સાથે પણ સારા સંબધ હોવાથી તેના ક્લબ પર પોલીસની મીઠી નજર રહે છે. મોન્ટુ નામદારનો તેના વિસ્તારમાં એટલો ખોફ છે કે સ્થાનિક લોકો તેના જુગારના ક્લબથી પરેશાન છે પરંતુ અવાજ ઉઠાવી શકતા નથી. અગાઉ જ્યારે તેના જુગાર ક્લબ પર પોલીસે રેડ કરી હતી ત્યારે ખાડિયા પીઆઇ સસ્પેન્ડ થઈ ગયા હતા, મોન્ટુ નામદાર સામે અગાઉ અનેક ગુના નોંધાયેલા છે, પરંતુ પોલીસ તેને પકડે તે પહેલા જ કેટલાક અધિકારીઓ તેને છોડાવવા દોડી આવે છે, જો કે આ હત્યાના બનાવમાં તેની પર કડડ કાર્યવાહી કરવામાં આવશે કે નહીં તે એક ચર્ચાનો વિષય બન્યો છે.
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.











