Saturday, April 20, 2024
HomeGujaratધોળકા હાઈવે પર બંદુકની અણીએ કરોડોના હિરાની લૂંટ, જાણો અમદાવાદ SP અમિત...

ધોળકા હાઈવે પર બંદુકની અણીએ કરોડોના હિરાની લૂંટ, જાણો અમદાવાદ SP અમિત વસાવાએ કઈ રીતે પકડ્યા

- Advertisement -

પ્રશાંત દયાળ (નવજીવન ન્યૂઝ. અમદાવાદ): મંગળવારની રાત્રે અમરેલીથી ખાનગી ટ્રાવેલ્સની બસમાં આંગડીયાઓ કરોડો રૂપિયાના હિરા અને રોકડ રકમ લઈને સુરત જવા માટે નિકળ્યા હતા. જોકે બસમાં સવાર કોઈને અંદાજ ન હતો કે બસમાં મુસાફરના સ્વાનમાં લૂંટારૂ પણ ગોઠવાય ગયા છે. રાત્રીના સવા બે વાગે બસ ધોળકા પાસે આવેલા ગુંદી ગામ પાસેથી પસાર થઈ રહી હતી ત્યારે અચાનક બસની આગળ અને બસની પાછળ બે- બે કાર બસને રોકવા લાગી હતી. અચાનક ઘટના બનતા બસના ડ્રાઈવરને કંઈક અમંગળ થવાની આશંકા થઈ. જેના કારણે તેણે બસ રોકી હતી. બસ ઊભી રહેતા જ બસમાં ગોઠવાયેલા લૂંટારૂઓ હથિયાર સાથે ઊભા થયા હતા અને તેમણે બસમાં રહેલા આંગડીયાઓને પિસ્તોલ બતાવી તેમની પાસે રહેલા કરોડો રૂપિયાનો માલ લૂંટી બસમાંથી ઉતરી કારમાં ફરાર થઈ ગયા હતા. આ બનાવની જાણકારી પોલીસને થતા અમદાવાદ જિલ્લા સહિત આણંદ અને ખેડા પોલીસને પણ એલર્ટ કરી દેવામાં આવી હતી. વહેલી સવાર પહેલા આંણદ અને અમદાવાદ ગ્રામ્ય પોલીસે સંયુક્ત ઓપરેશન પાર પાડી કુલ 13 આરોપીને ઝડપી લીધા છે.

રાત્રે સવા બે વાગે કરોડોના માલની લૂંટ થઈ છે તેવો સંદેશો પોલીસને મળતા અમદાવાદ ગ્રામ્યના એસપી અમિત વસાવાએ લોકલ ક્રાઈમ બ્રાન્ચ અને સ્પેશિયલ ઓપરેશન ગ્રુપને ધોળકા રવાના કર્યા હતા. સાથે તેમણે ખેડા અને આણંદ એસપીનો સંપર્ક કરી તેમની પણ મદદ માગી હતી. આ દરમિયાન જાણકારી મળી હતી કે, નજરે જોનારા સાક્ષીઓના વર્ણન પ્રમાણે જે ચાર કારમાં આરોપીઓ ફરાર થયા હતા તે આણંદ તરફ ગઈ છે. આણંદના એસપી પ્રવીણકુમારે આણંદની લોકલ ક્રાઈમ બ્રાન્ચને સતર્ક કરતા આણંદના મેણાવ ગામ પાસે એક અવાવરૂ જગ્યામાં ચાર શંકાસ્પદ કાર હોવાની જાણકારી મળી હતી. ઘટના સ્થળે પહોંચેલા સબ ઈન્સપેક્ટરે જોયું કે લૂંટારૂઓ લૂંટના માલના ભાગ કરી રહ્યા હતા. જોકે પોલીસને જોતા તેઓ ભાગવા લાગ્યા હતા. આમ છતાં આણંદ પોલીસ બે આરોપીને પકડવામાં સફળ રહી હતી. આ દરમિયાન આરોપીઓનો પીછો કરતી અમદાવાદ ગ્રામ્ય પોલીસ પણ આણંદ પહોંચી જતાં તેમણે સમગ્ર વિસ્તારને કોર્ડન કર્યો હતો અને અંધારામાં છુપાયેલા 7 આરોપીને ઝડપી પાડ્યા હતા.

- Advertisement -

પોલીસને કેટલાક શંકાસ્પદ વ્યક્તિઓ પણ મળી આવ્યા હતા. તેમની પુછપરછમાં જાણકારી મળી હતી કે, આ આખુ કાવતરું સુરતમાં રહેતા એક આરોપીએ ઘડયું છે, જે અગાઉ ટ્રાવેલ્સ કંપનીમાં કામ કરતો હતો. આ લૂંટની ઘટનાને અંજામ આપવા માટે ખાસ મહારાષ્ટ્રથી લૂંટારૂઓને બોલાવ્યા હતા. જોકે હજી સુધી આ હિરાની ખરેખર કેટલી કિંમત થાય છે તેની જાણકારી મળી નથી. સુરતની પ્રિવેનશન ઓફ ક્રાઈમ બ્રાન્ચના ઈન્સપેક્ટર સુવેરાએ લૂંટના મુખ્ય સુત્રધારને પકડી પાડ્યો છે.

Follow on Social Media
Prashant Dayal
Prashant Dayal
પ્રશાંત દયાળ, ગુજરાતી પત્રકારત્વનું એવું નામ જેણે પત્રકારત્વની દુનિયાની તડકી છાંયડી જોઈ આજે પણ સતત કાર્યરત રહી સાચું પત્રકારત્વ લોકો સુધી પહોંચે તેના પ્રયત્નો ચાલુ રાખ્યા છે. એક ક્રાઈમ રિપોર્ટર તરીકેની તેમની સફર ગુજરાતી પત્રકારત્વમાં ઘણા બોધપાઠ આપનારી રહી છે. તેઓ હાલ રિપોર્ટિંગની સાથે સાથે, નવજીવન ટ્રસ્ટ સંચાલિત ડિપ્લોમા ઈન જર્નાલિઝમમાં અને સાબરમતી જેલમાં પત્રકારત્વના પાઠ પણ ભણાવે છે.
RELATED ARTICLES
- Advertisment -

Most Popular