નવજીવન ન્યૂઝ. નવી દિલ્હીઃ કોંગ્રેસના વરિષ્ઠ નેતા મલ્લિકાર્જુન ખડગેને પાર્ટીના નવા રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે ચૂંટાઈ આવ્યા છે. 24 વર્ષ બાદ ગાંધી પરિવારની બહારના કોઈ નેતાને દેશની સૌથી જૂની પાર્ટીના અધ્યક્ષ તરીકે પસંદ કરવામાં આવ્યા છે. આ પહેલા સીતારામ કેસરી બિન-ગાંધી પ્રમુખ રહી ચૂક્યા છે. કોંગ્રેસ અધ્યક્ષ પદ માટે 17 ઓક્ટોબરે મતદાન થયું હતું. આ વખતે મુકાબલો પાર્ટીના વરિષ્ઠ નેતા મલ્લિકાર્જુન ખડગે અને શશિ થરૂર વચ્ચે હતો. જેમાં મલ્લિકાર્જુન ખડગે શશિ થરૂરને હરાવવામાં સફળ રહ્યા હતા.
મલ્લિકાર્જુન ખડગેને 7,897 વોટ મળ્યા જ્યારે શશિ થરૂરને 1,072 વોટ મળ્યા. કોંગ્રેસના લગભગ 9900 પ્રતિનિધિઓ પાર્ટીના વડાને ચૂંટવા માટે મતદાન કરવા માટે લાયક હતા. કોંગ્રેસ મુખ્યાલય સહિત લગભગ 68 મતદાન મથકો પર મતદાન થયું હતું. કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી, ભૂતપૂર્વ વડા પ્રધાન મનમોહન સિંહ, ભૂતપૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અને અન્ય ઘણા વરિષ્ઠ નેતાઓ સહિત લગભગ 9500 પ્રતિનિધિઓએ સોમવારે પાર્ટીના નવા પ્રમુખને ચૂંટવા માટે મતદાન કર્યું હતું.
કોંગ્રેસ પાર્ટીના 137 વર્ષના ઈતિહાસમાં છઠ્ઠી વખત અધ્યક્ષ પદ માટે ચૂંટણી યોજાઈ છે. પાર્ટીના મહાસચિવ જયરામ રમેશના જણાવ્યા અનુસાર, પ્રમુખ પદ માટે 1939, 1950, 1977, 1997 અને 2000માં ચૂંટણી થઈ છે. ત્યારબાદ આ વખતે 22 વર્ષ બાદ પ્રમુખ પદ માટે ચૂંટણી યોજાઈ છે.