નવજીનન ન્યૂઝ. ગીર સોમનાથઃ ગીર સોમનાથના ઉનામાં ચોરી લુંટ હત્યા મારામારી સહિતના ગુનાઓના અનેક બનાવોમાં વધારો નોંધાઈ રહ્યો છે. તેવામાં ફરીવાર ધોળા દિવસે વૃધ્ધાને વિશ્વાસમાં લઈ સોનાના દાગીનાની ચીલ ઝડપ કરવામાં આવી છે. સમગ્ર બાબતે પોલીસેને જાણ કરવામાં આવતા CCTVના આધારે તપાસ શરૂ કરી છે. દિવાળી સમયે આ પ્રકારની ઘટના બનતા બજારમાં પોલીસ પેટ્રોલિંગની માગ લોકો દ્વારા કરવામાં આવી રહી છે.
પ્રાપ્ત વિગત અનુસાર, ઉનાના ગની માર્કેટ વિસ્તારમાં આવેલા કાવ્યા મોબાઈલ નામની દુકાન પાસે એક વૃદ્ધાને અજાણ્યા શખ્સે વિશ્વાસમાં લઈ પોતાની સોનાની કાનમાં પહેરવાની બુટ્ટીની ચીલ ઝડપ કરી હતી. ત્યારબાદ લૂંટારૂ નાશી જતા મહિલા દ્વારા શોધખોળ કરાતા મળી ન આવતા ઉના પોલીસને જાણ કરવામાં આવી હતી.
કાવ્યા મોબાઈલ નામની દુકાન પાસેથી અમીના બહેન નામના વૃદ્ધ મહિલા પસાર થઈ રહ્યા હતા. ત્યારે એક અજાણ્યા શખ્સે વૃદ્ધાને વિશ્વાસમાં લઈ બંધ દુકાનના ઓટલા પર બેસવાનું જણાવી વૃદ્ધ મહિલા પાસે રહેલી કાનમાં પહેરવાની સોનાની બુટ્ટી લઈ નાસી ગયો હતો. મહિલાએ શોધખોળ કરતા ચીલ ઝડપ કરનારો શખ્સ મળી ન આવતા વૃધ્ધ અમીના બહેન દ્વારા ઉના પોલીસને જાણ કરવામાં આવી હતી.
જિલ્લા ક્રાઈમ બ્રાન્ચ તેમજ સ્થાનિક પોલીસ સહિતની ટીમો દ્વારા સીસીટીવી ના આધારે તપાસ હાથ ધરાઈ હતી. જ્યારે ઉનાના બસ સ્ટેશન પાસે ૩૬૩ દિવસ પૂર્વે પચાસ લાખની લુંટ થઈ હતી. જેનો એક વર્ષ જેટલો સમય વિતવા છતાં પણ હજુ સુધી મુખ્ય આરોપી પોલીસ પકડતથી દૂર છે. ત્યારે હાલ દિવાળીનો તહેવાર હોવાથી મુસાફરો સહિતના લોકો ઉના શહેર તેમજ આસપાસના ગામોમાં અવર જવર તેમજ ખરીદી કરવા જતા હોય છે. ઉના પોલીસ દ્વારા શહેરના સોની બજાર, મેઈન બજાર, કાપડ બજાર, ગની માર્કેટ, આનંદ બજાર તેમજ બસ સ્ટેશન સહિતની જગ્યાઓ પર પોલીસ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.
આભારસઃ ધર્મેશ જેઠવા