Saturday, June 3, 2023
HomeGujaratVadodaraકોમી ઘર્ષણ બાદ હિન્દૂ-મુસ્લિમ એકબીજાના જામીન બન્યા, અધિકારી હોય તો PSI લાબરિયા...

કોમી ઘર્ષણ બાદ હિન્દૂ-મુસ્લિમ એકબીજાના જામીન બન્યા, અધિકારી હોય તો PSI લાબરિયા જેવા

- Advertisement -

નવજીવન ન્યૂઝ. વડોદરા: દેશમાં ધર્મના નામે રાજકારણને પગલે ધાર્મિક નફરતનું વાતાવરણ જોવા મળે છે. એવામાં કેટલાક નેતાઓ ડહોળાતા વાતાવરણને હવા આપવા ઉશ્કેરણીજનક ભાષણો આપી બળતામાં ઘી હોમે છે. જેના કારણે નાની બાબતોમાં પણ હિન્દૂ-મુસ્લિમ (Hindu Muslim) વચ્ચે ઘર્ષણની ઘટનાઓ નોંધાતી જોવા મળી રહી છે. એવામાં પોલીસ કાયદો અને વ્યવસ્થાના ભાગરૂપે ફરજ નિભાવી છૂટી જતી હોય છે. પરંતુ વડોદરા તાલુકા પોલીસ સ્ટેશન (Vadodara Taluka Police Station) ના પી.એસ.આઈ. વી.જી. લાબરિયાએ (PSI V.G. Lambria) નૈતિક ફરજ બજાવી એવું કામ કરી બતાવ્યું કે જેના કારણે કાયમી શાંતિ સ્થપાઈ તેવો કોમી એખલાસનો માહોલ પેદા થયો છે.

આ પણ વાંચો: નકલી નોટ અને ડોક્યુમેન્ટના આરોપીઓને વડોદરા સેસન્સ કોર્ટે દોષિત ઠેરવ્યા, PI એચ.એમ. વ્યાસની તપાસ રંગ લાવી

ઘટનાની વિગત એવી છે કે ગત તારીખ 10 માર્ચના રોજ વડોદરાના સમિયાલા ગામ ખાતે એક વરઘોડો નિકળ્યો હતો. લગ્ન પ્રસંગના માહોલમાં મશગુલ લોકો મસ્જીદ નજીક પહોંચતા ત્યાં ફટાકડાની રમઝટ બોલાવવા લાગ્યા હતા. જેના કારણે મુસ્લિમ સમુદાયના લોકોની લાગણી દુભાઈ હતી અને પરિણામે બંને પક્ષે ઘર્ષણ સર્જાયું હતું. કોમી ઘર્ષણના પગલે સમિયાલા ગામની શાંતિ ડહોળાઈ અને ભયજનક વાતાવરણ ઉભું થયું હતું. મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચતા વડોદરા તાલુકા પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ. વી.જી. લાબરિયાએ બંને પક્ષે કોઈની શરમ રાખ્યા વગર કાર્યવાહી શરૂ કરી હતી.

- Advertisement -

લાબરિયાએ બંને પક્ષની ફરિયાદ નોંધી હિન્દૂ અને મુસ્લિમ બંને સમુદાયના આરોપીઓ વિરૂધ્ધ કાર્યવાહી કરી અને ધરપકડ કરી લીધી હતી. કાર્યવાહી સમયે જ વી.જી. લાબરિયાને સમિયાલા ગામની પણ ચિંતા કોરી ખાતી હોય તેમણે ગામમાં ચુસ્ત બંદોબસ્ત મુકી દીધો હતો. છતાં પણ તેમને આટલું પુરતું લાગતું ન હતું તેમને ભવિષ્યમાં પણ આવા ઘર્ષણ થાય તેવી સંભાવના જણાતા તેમને રચનાત્મક રીતે મામલાનું નિરાકરણ લાવવાનું નક્કી કર્યું. પરંતુ તેમના પર કાયદાની કેટલીક મર્યાદાને પણ હતી. જેથી તેમણે કાયદાની મર્યાદામાં રહી કાર્યવાહી પણ કરી અને છતાં સમિયાલામાં સુલેહ શાંતિ ડહોળાઈ નહીં તેવો વિચાર ગ્રામજનો સમક્ષ રજૂ કર્યો અને તેઓ સફળ પણ રહ્યા.

આ પણ વાંચો: વડોદરાઃ BJP કોર્પોરેટરના કાર્યક્રમને બંધ કરાવા ગયેલા પોલીસ ઈન્સપેક્ટરની 24 કલાકમાં જ બદલી

વી.જી. લાબરિયાએ સમિયાલા ગામની પંચાયતમાં તાત્કાલીક સુરક્ષા સમિતિની બેઠક બોલાવી. જેમાં હિન્દૂ અને મુસ્લિમ બંને પક્ષના સભ્યો હાજર રહ્યા અને ત્યાં પી.એસ.આઈ. લાબરિયાએ પોતાનો વિચાર રજૂ કર્યો. જેમાં તેમણે સભ્યોને કહ્યું કે, જો તમે ખરેખર ગામમાં કોમી એખલાસ અને શાંતિ જાળવવા ઈચ્છતા હોય તો પોલીસ પણ તમને મદદ કરવા તૈયાર છે. ગામની શાંતિ માટે ગ્રામજનોએ જ હ્રદય પૂર્વક એકતા લાવવી પડશે માટે જો હિન્દૂના જામીન મુસમાન અને મુસમાનના જામીન હિન્દૂ બને તો આ પ્રશ્ન કાયમી હલ થવા સાથે એક બીજાના હ્રદય પરિવર્તન પણ થશે. બેઠકમાં હાજર ગ્રામજનોને આ ઉમદા વિચાર પસંદ પડતા સૌએ પી.એસ.આઈ. લાબરિયાના વિચારને વધાવી તેવું જ કર્યું.

તારીખ 11ના રોજ હિન્દૂ અને મુસ્લિમ વડોદરા તાલુકા પોલીસ સ્ટેશન પર પહોંચ્યા અને કોમી એકતાના દર્શન થાય તેવી ઘટના બની. પોલીસ સ્ટેશનમાં ખરેખર હ્રદય પૂર્વક હિન્દૂ આરોપીના જામીન મુસ્લિમ સમુદાયના લોકો અને મુસ્લિમ આરોપીના જામીન હિન્દૂ સમુદાયના લોકો બનવા લાગ્યા. આ પી.એસ.આઈ. લાબરિયાની નૈતિકતા અને ઉમદા વિચારને કારણે ગુજરાતમાં કોમી એખલાસના ઐતિહાસિક દૃષ્યો જોવા મળ્યા હતા. આ ઘટનાની વિગતો સામે આવતા ચારે તરફ પોલીસ વિભાગ અને ગ્રામજનોના વખાણ થતા જોવા મળી રહ્યા છે. આ ઘટના પરથી આશા બંધાઈ છે કે રાજકીય નેતાઓ ચાહે એટલા ઉશ્કેરણીજનક ભાષણો આપે છતાં કોમી એખલાસ પર વિજય મેળવી શકે નહીં.

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular