નવજીવન ન્યૂઝ. વડોદરાઃ ગુજરાત પોલીસમાં અવાર નાવર પોલીસ ઈન્સપેક્ટરની બદલી થતી રહેતી હોય છે. ત્યારે આજે વડોદરામાં માંજલપુર પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સપેક્ટરની વિશેષ શાખામાં બદલી કરવામાં આવી છે. પોલીસ ઈન્સપેક્ટર વિજય દેસાઈની બદલી હાલ ચર્ચાનો વિષય બની છે. તેની પાછળનું કારણ ગઈ કાલે માંજલપુરમાં ભાજપના કોર્પોરેટર કલ્પેશ પટેલ ઉર્ફે જય રણછોડે પોલીસ પરવાનગી લીધા વિના કાર્યક્રમનું આયોજન કર્યું હતું. આ કાર્યક્રમ દરમિયાન પોલીસ આવી પહોંચતા કાર્યક્રમ બંધ કરવાનો વારો આવ્યો હતો.
વડોદરા વોર્ડ નંબર 18ના ભાજપના કોર્પોરેટર ફરી એકવાર વિવાદમાં આવ્યા છે. ચૂંટણી નજીક આવતી હોવાના કારણે નેતાઓ જાહેર કાર્યક્રમ કરીને પ્રજા સાથે સંપર્ક કરી રહ્યા છે. કલ્પેશ પટેલના આશ્રય ફાઉન્ડેશન દ્વારા પાણીગેટ જૂનીગઢી વિસ્તારમાં આવેલા ભદ્રકાળી અને મહાકાળી માતાના પ્રાચીન 2 મંદિરોના જીર્ણોદ્ધારના કાર્યક્રમ સંદર્ભે માંજલપુર ઇવા મોલ ખાતે અશ્વિન જોશીના કંઠે મા-બાપને ભૂલશો નહીં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમ માટે એક તરફનો રસ્તો પણ બંધ કરી દેવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં દર્શન વલ્લભ સ્વામી, દ્વારકેશલાલજી મહારાજ અને અટલાદરા સ્વામિનારાયણના સંત સહિતના મહાનુભવો મંચ ઉપર બિરાજમાન હતા. કાર્યક્રમ ચાલી રહ્યો હતો તે દરમિયાન અચાનક પોલીસ કાફલો આવી પહોંચ્યો હતો. કાર્યક્રમમાં મંચ પર ચઢી પોલીસે કોર્પોરેટર પાસેથી માઈક આંચક્યું હતું અને મંજૂરી વગર કાર્યક્રમ યોજ્યો હોવાનો પોલીસએ દાવો કર્યો હતો. માંજલપુરના પીઆઈ વિજય દેસાઈએ જાહેર મંચથી કહ્યું હતું કે, કાર્યક્રમની મંજૂરી ન હોવાથી અહીંયાં જ કાર્યક્રમ રોકી રોડ ખુલ્લો કરવામાં આવે. પોલીસે કાર્યક્રમ બંધ કરવા અને રસ્તો ખુલ્લો કરવાનું કહેતા કાર્યક્રમમાં હાજર લોકો આશ્ચર્યચકિત થયા હતા.
કાર્યક્રમ બંધ કરાવા પહોંચેલા પોલીસ ઈન્સપેક્ટનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. ઉપરાંત આ વીડિયોને લઈને અનેલ લોકોએ પોલીસની કામગીરીની પ્રશંસા કરી હતી કે, માણસ સામાન્ય હોય કે નેતા હોય કાયદો બધા માટે એક સમાન છે. પરંતું આ ઘટનાને હજી 24 કલાક નથી થયા ત્યાં તો કાર્યક્રમ બંધ કરાવનારા પોલીસ ઈન્સપેક્ટરનો બદલીનો આદેશ છુટી ગયો છે. વડોદરા પોલીસ કમિશનર ડો. શમશેર સિંઘ દ્વારા બદલીનો આદેશ કરવામાં આવ્યો હતો. માંજલપુર પોલીસ સ્ટેશનનો ચાર્જ ક્રાઈમ બ્રાન્ચના PI વી.આર ખેરને સોંપવામાં આવ્યો. ગુજરાતમાં ફરી એકવાર પોલીસને પોલીટીક્સનો પાવર ભારે પડ્યો હોવાની વાત લોકમુખે ચાલી રહી છે.








