નવજીવન ન્યૂઝ. અમદાવાદઃ તાજેતરમાં અમદાવાદના (Ahmedabad) ઈસનપુર પોલીસ સ્ટેશન (Isanpur Police Station) ખાતે ભણતરના ભારના કારણે બાળક ઉપર પડેલી વિપરીત અસર અને પોલીસની સમજાવટથી આવેલા ઉત્તમ પરિણામ અંગેનો એક કિસ્સો બહાર આવ્યો છે. હાલના સમયમાં બાળકોની માનસિકતા એ પ્રકારની થઈ ગઈ છે કે, વાલી દ્વારા ભણતરને લઈને અથવા કોઈ કામને લઈને ઠપકો આપે તો નાસીપાસ થઈને ઘર મુકીને જતાં રહે છે. સાથે જ આવી સામાન્ય બાબતમાં બાળકો જીવન ટૂંકાવી દેતા હોવાના અનેક કિસ્સા અગાઉ પ્રકાસમાં આવ્યા છે. ત્યારે અમદાવાદમાં ઈસનપુરમાં પણ આ પ્રકારનો બનાવ સામે આવ્યો હતો. કિશોરીને માતાએ ઠપકો આપતા ઘર મુકીને જતી રહી હતી. જોકે પોલીસ તાત્કાલિક કાર્યવાહી કરીને ગણતરીના કલાકોમાં કિશોરીને શોધી કાઢીને તેને સમજાવીને પરિવારને પરત સોંપી હતી. પોલીસની સમજાવટના કારણે કિશોરીએ ભણતર પર પુરેપુરુ ધ્યાન આપ્યું અને ધોરણ 12 બોર્ડની પરિક્ષામાં સારા માર્ક સાથે પાસ થઈ છે.
આજથી બે અઢી મહિના પહેલા અમદાવાદના ઈસનપુર વિસ્તારમાં રહેતા મહિલા નયનાબેન (નામ બદલ્યું છે) પોતાની જૂનાગઢ રહેતી બહેન સાથે ACP જે ડિવિઝનની કચેરીએ પહોંચ્યા હતા. જ્યાં ACP પ્રદીપસિંહ જાડેજા (ACP Pradipsinh Jadeja) ને મળીને પોતાની એકની એક ધોરણ 12માં અભ્યાસ કરતી દિકરી આસી (નામ બદલ્યું છે) વહેલી સવારે શાળાએ જવાના બદલે ઘર છોડીને ભાગી ગઈ હોવાનું જણાવ્યું હતું. દિકરી ભાગી ગઈ હોવાની બાબતને ગંભીરતાથી લઈને ઈસનપુર પોલીસ સ્ટેશને જાણ કરવામાં આવી હતી. ACP પ્રદિપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ ઈસનપુર પોલીસ સ્ટેશનના PI ડી. ડી. ગોહિલ, PSI દીપક લકુમ અને તેમના સ્ટાફની શી-ટીમના મહિલા પોલીસકર્મી શકીલાબેન, માનસીબેન, ફાલ્ગુનીબેન, અનીતાબેન સહિતની ટીમે દિકરીને શોધવા માટે તપાસ શરૂ કરી હતી. CCTV કેમેરા તથા ટેકનિકલ સર્વેલન્સના આધારે દિકરીની શોધખોળ હાથ ધરવામાં આવતા મોડી રાત્રે દિકરી મળી આવી હતી.
દિકરી મળી આવતા પોલીસ ટીમ અને તેના કુટુંબીજનોએ હાશકારો અનુભવ્યો હતો. પોલીસ દ્વારા આસીને વિશ્વાસમાં લઈને સહાનુભૂતિ પૂર્વક પૂછપરછ કરવામાં આવતા દિકરી જણાવ્યું હતું કે, પોતાની માતા દ્વારા અવાર-નવાર ભણવા તેમજ રહેવાની રીતભાત માટે માનસિક ટોર્ચિંગ કરવામાં આવતું હતું. જેનાથી કંટાળીને ઘરેથી નીકળી ગઈ હતી. ઘરેથી નિકળ્યા બાદ પોતાના મિત્ર સાથે શહેરની BRTS બસ અને બગીચામાં ફરીને પાછી આવી હોવાની કબૂલાત કરી હતી. દિકરીના માતા અને માસી સહિતના કુટુંબીજનો પોલીસ સ્ટેશન આવતા શી-ટીમ દ્વારા કિશોરીને સમજાવતા પોતાના ઘરે માતા અને માસી સાથે જવા તૈયાર થઈ હતી.
પોલીસે દિકરીને પોતાના માવતર જેમ કહે તેમ કરવા અને ધ્યાન દઈને પરીક્ષા આપવા સમજણ આપતા દિકરી તૈયાર થઈ ગઈ હતી. દિકરી પોતાના પરિવારજનોને મળતા પરિવારજનો ભાવ વિભોર થઇ ગયા હતા. જો દિકરીએ કોઈ અજુગતું પગલું ભર્યું હોત તો શું થાત ? એવું વિચારીને પરિવારજનોને કંપારી છૂટી ગઈ હતી. અમદાવાદ પોલીસની સતર્કતા અને તાત્કાલિક કાર્યવાહીના કારણે મળી આવ્યા બાદ દિકરીને પરિવારજનોની હાજરીમાં સમજાવી હતી. પોલીસની શી-ટીમના મહિલા પોલીસકર્મીઓએ આ દિકરીને પોતાની દીકરી માફક સલાહ આપીને પોતાના પરિવાર જેમ કહે એમ કરવાની, ભણવામાં ધ્યાન આપવાની અને હવે પછી આવી રીતે કોઈ પગલું નહીં ભરવાની સલાહ આપી હતી. સાથે જ દિકરીના પરિવારજનોને પણ દિકરીનું ધ્યાન રાખવા વિનંતી કરી હતી.
ત્યાર બાદ દિકરીની પરીક્ષા શરૂ થતા માતા-પુત્રી જે ડિવિઝન ACP પ્રદીપસિંહ જાડેજાને મળવા માટે પહોંચ્યા હતા. જ્યાં દિકરીએ પરિક્ષા માટે આશીર્વાદ લઈને ફરીથી પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો. ધોરણ 12 બોર્ડની પરિક્ષાનું પરિણામ જાહેર થતાં દિકરી 83 ટકા પર્સેન્ટાઇલ સાથે ઉતીર્ણ થઈ હતી. દિકરીનું સારુ પરિણામ આવતા માતા-પુત્રી ફરી ACP જે ડિવિઝન ઓફિસે મીઠાઈના બોક્સ સાથે આવ્યા હતા. દિકરીનું પરિણામ સારૂ આવતા માતાની આંખમાંથી હરખના આંસુ છલકાઈ આવ્યા હતા. ACP કચેરીના તમામ સ્ટાફે દિકરીને અભિનંદન આપ્યા હતા અને જીવનમાં ખૂબ આગળ વધે એવી શુભેચ્છા પણ આપી હતી. આજના આધુનિક સમયમાં ભણતરના ભારનો તેમજ પરિવારજનોની સતત બાળકોના જીવનમાં દખલગીરીના કારણે નાની ઉંમરના તરુણો ઉપર કેવી વિપરીત અસર લાવે છે. સાથે જ પોલીસની સહાનુભૂતિ ભરેલી કામગીરી બાળકના માનસ ઉપર કેવી સકારાત્મક અસર કરે છે. તેં બાબતને ઉજાગર કરતો આ કિસ્સો સમાજના બાળકો અને તેના કુટુંબીજનો માટે પ્રેરણાદાયક સાબિત થયો છે.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796