Thursday, September 3, 2026
HomeNationalMP માં નકલી IAS-IPS ના કારનામાઃ કોઈ બન્યું જિલ્લા કલેક્ટર, તો કોઈએ...

MP માં નકલી IAS-IPS ના કારનામાઃ કોઈ બન્યું જિલ્લા કલેક્ટર, તો કોઈએ આપ્યા જોઈનિંગ લેટર્સ

- Advertisement -

Fake IAS Officer Tripti Singh: મધ્ય પ્રદેશમાં નકલી IAS તૃપ્તિ સિંહનો મામલો લોકો ભુલ્યા પણ નથી કે પાછા વધુ બે નકલી IAS-IPS અધિકારી ભોપાલ અને ઈન્દોર પોલીસના હાથે ચઢ્યા છે. આ કારનામામાં પણ તૃપ્તિ સિંહ રાજપૂતના જેવા જ છે. તૃપ્તિ સિંહના સામે તો ઠગીની ચોથી ફરિયાદ દાખલ થઈ છે જ્યારે ખુદને જિલ્લા કલેક્ટર કહેનારા હિમાંશુ પંચાલ અને ફેક આઈપીએસ ઋષિ યાદવ પર શકંજો કસ્યો છે.

નકલી IAS તૃપ્તિ સિંહ પર ચોથી FIR થઈ
પહેલો કેસ નકલી IAS અધિકારી તૃપ્તિ સિંહ સાથે જોડાયેલો છે. ભોપાલના બાગસેવનિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં તૃપ્તિ સિંહ સામે વધુ એક છેતરપિંડીનો ગુનો નોંધાયો છે. ભોપાલના એડિશનલ ડીસીપી શૈલેન્દ્ર સિંહ ચૌહાણના જણાવ્યા અનુસાર તૃપ્તિ સિંહે મધ્યપ્રદેશ ટૂરિઝમમાં હોટલ લીઝ પર અપાવવાના બહાને સિવનીના રહેવાસી ગગન ઉપવંશી પાસેથી 50 લાખ રૂપિયા પડાવી લીધા હતા.

- Advertisement -

આ પહેલાં પણ તૃપ્તિ સિંહ સામે અનેક છેતરપિંડીના કેસ નોંધાઈ ચૂક્યા છે. બાલાઘાટના રહેવાસી રોહિત લિલ્હારે પાસેથી 39 લાખ રૂપિયાની છેતરપિંડી કરવાનો આરોપ પણ તેના પર છે. હાલ અશોકનગર જેલમાં બંધ તૃપ્તિ સિંહ સામે ભોપાલ અને અશોકનગરમાં બે-બે કેસ નોંધાઈ ચૂક્યા છે. એટલે કે અત્યાર સુધી તેના વિરુદ્ધ કુલ ચાર FIR નોંધાઈ છે.

ભોપાલ પોલીસે તૃપ્તિ સિંહને પૂછપરછ માટે પ્રોડક્શન વોરંટ પર ભોપાલ લાવવાની કાર્યવાહી શરૂ કરી છે. પોલીસને આશંકા છે કે પૂછપરછ દરમિયાન આ છેતરપિંડીના નેટવર્કમાં સામેલ અન્ય લોકો અંગે પણ મહત્વની માહિતી સામે આવી શકે છે.

આ દરમિયાન તૃપ્તિ સિંહનો તેની બે મહિલા મિત્રો સાથેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. વીડિયોમાં ત્રણેય પોતાને IAS અધિકારી તરીકે રજૂ કરી રહી હોવાનું સામે આવ્યું છે અને બંને યુવતીઓ તૃપ્તિને પોતાની સિનિયર પણ ગણાવી રહી છે. હવે પોલીસ આ બંને મહિલાઓની પણ શોધખોળ કરી રહી છે. બીજો ચોંકાવનારો કેસ ઇન્દોરમાંથી સામે આવ્યો છે. લસૂડિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતો 28 વર્ષીય હિમાંશુ પાંચાલ પોતાને IAS અધિકારી અને જિલ્લા કલેક્શનર તરીકે ઓળખાવતો હતો. સ્થાનિક લોકો પણ તેને કલેક્શનર માની રહ્યા હતા, પરંતુ પોલીસ તપાસમાં આખી હકીકત સામે આવી ગઈ. હિમાંશુ પાંચાલ ઓમેક્સ સિટી-1માં આવેલા પોતાના મકાન પર “IAS RAJ SONI – District Collector” નામની નકલી નેમપ્લેટ લગાવીને રહેતો હતો. તે લોકો સમક્ષ પોતાને ઉચ્ચ અધિકારી તરીકે રજૂ કરતો અને તેનો રુઆબ જમાવતો હતો.

- Advertisement -

પોલીસે જ્યારે તેની પાસે IAS અધિકારી હોવાના દસ્તાવેજો માંગ્યા ત્યારે તે કોઈ પણ માન્ય દસ્તાવેજ રજૂ કરી શક્યો નહોતો. ત્યારબાદ કડક પૂછપરછમાં તેણે પોતાનું સાચું નામ હિમાંશુ પાંચાલ હોવાનું સ્વીકારી લીધું હતું. તેણે સમાજમાં પોતાનો પ્રભાવ અને રુઆબ વધારવા માટે નકલી IAS અધિકારી બન્યાનું પોલીસ સમક્ષ કબૂલ્યું હતું. પોલીસે તેના મકાનમાંથી નકલી નેમપ્લેટ, ફોટો ફ્રેમ અને કલેક્શનર પદ સાથે જોડાયેલી ભ્રામક સામગ્રી જપ્ત કરી છે. ભારતીય ન્યાય સંહિતા હેઠળ ગુનો નોંધીને તેની ધરપકડ કરવામાં આવી છે. તપાસમાં એ પણ સામે આવ્યું છે કે હિમાંશુ પાંચાલ વિરુદ્ધ મે 2026માં ગુજરાતના અડાલજ પોલીસ સ્ટેશનમાં પણ એક કેસ નોંધાયો હતો.

ત્રીજો કેસ ભોપાલમાં ઝડપાયેલા નકલી IPS અધિકારી ઋષિ કુમાર યાદવનો છે. ઝાંસીનો રહેવાસી ઋષિ યાદવ પોતાને 2016 બેચનો IPS અધિકારી ગણાવતો હતો. તે મુખ્યત્વે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા અને બેરોજગાર યુવાઓને નિશાન બનાવતો હતો.

ઋષિ યાદવ યુવાઓને સરકારી નોકરી અપાવવાનું વચન આપીને તેમની પાસેથી લાખો રૂપિયા પડાવતો હતો. તે ક્યારેક પોતાને ઇન્કમ ટેક્સ વિભાગનો જોઈન્ટ ઇન્વેસ્ટિગેશન ઓફિસર તો ક્યારેક ઇન્ટેલિજન્સ ઓફિસર તરીકે રજૂ કરતો હતો.

- Advertisement -

આ રીતે તેણે લગભગ એક ડઝન જેટલા યુવાઓને છેતર્યા હોવાનો આરોપ છે. તેણે યુવાઓને ઇન્કમ ટેક્સ વિભાગના નકલી જૉઇનિંગ લેટર પણ આપ્યા હતા. જોકે ત્રણ મહિના પહેલાં આરોપીના સંપર્કમાં આવેલા કેટલાક વિદ્યાર્થીઓએ જ્યારે જૉઇનિંગ લેટર ધ્યાનથી વાંચ્યા ત્યારે તેમાં ગંભીર સ્પેલિંગ અને અન્ય ભૂલો જોવા મળી હતી. આ ભૂલોથી વિદ્યાર્થીઓને શંકા ગઈ અને તેમણે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ મળતાં જ ભોપાલની MP નગર પોલીસે કાર્યવાહી કરીને આરોપી ઋષિ યાદવની ધરપકડ કરી લીધી હતી. પોલીસે તેની પાસેથી નકલી IPS આઈડી કાર્ડ, અનેક બનાવટી દસ્તાવેજો અને ઇલેક્ટ્રોનિક ઉપકરણો જપ્ત કર્યા છે. હાલ તેની વધુ પૂછપરછ ચાલી રહી છે અને પોલીસને આશા છે કે તપાસમાં છેતરપિંડીના અન્ય કેસો પણ સામે આવી શકે છે.

એક તરફ નકલી IAS બનીને કરોડો રૂપિયાની ઠગાઈ કરનાર તૃપ્તિ સિંહ, બીજી તરફ જિલ્લા કલેક્શનરનો ઢોંગ કરનાર હિમાંશુ પાંચાલ અને હવે નકલી IPS બનીને નોકરી અપાવવાના નામે યુવાઓને છેતરનાર ઋષિ યાદવ—આ ત્રણેય કેસોએ મધ્યપ્રદેશમાં નકલી અધિકારી બનીને રુઆબ અને પૈસાનો ખેલ ખેલતા લોકોની ચોંકાવનારી હકીકત સામે લાવી છે.

Follow on Social Media
Urvish Patel
Urvish Patelhttps://www.navajivan.in
A journalist with over 10 years of experience in print, electronic, and digital media. He has worked with renowned media organizations such as Divya Bhaskar, (GujaratTAK) TV Today, ETV Bharat, and Mera News, bringing extensive expertise in news reporting and content creation.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular