Gujarat NEET Exam 2026: ગુજરાતના 15 હજાર સહિત દેશભરમાંથી 2.73 લાખ વિદ્યાર્થીઓ NEET PGની પરીક્ષા આપી રહ્યા છે. રાજકોટમાં ચાર કેન્દ્રો પર પરીક્ષા યોજાઈ રહી છે, જેમાં આત્મીય યુનિવર્સિટી અને મેટોડા ખાતેના કેન્દ્રો પર કુલ 1,238 ઉમેદવારો પરીક્ષા આપી રહ્યા છે.
રાજકોટની આત્મીય યુનિવર્સિટી ખાતે એક વિદ્યાર્થિની મોડી પહોંચતાં તેને પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશ આપવામાં આવ્યો નહોતો. આ દરમિયાન વિદ્યાર્થિનીની માતા ધ્રૂસકે-ધ્રૂસકે રડી પડી હતી અને ત્યારબાદ અચાનક બેભાન થઈ જતાં પરીક્ષા કેન્દ્ર બહાર હોબાળો મચી ગયો હતો. બાદમાં સંચાલકો દ્વારા વિદ્યાર્થિનીને પ્રવેશ આપવામાં આવતા મામલો થાળે પડ્યો હતો.

બીજી તરફ અમદાવાદના સિલ્વર ઓક યુનિવર્સિટી ખાતે ત્રણ ઉમેદવારો મોડા પહોંચતા તેઓ પરીક્ષા આપી શક્યા નહોતા. આ ત્રણમાંથી બે ઉમેદવારો બોટાદથી અને એક ઉમેદવાર જૂનાગઢથી પરીક્ષા આપવા આવ્યો હતો.
ધોરાજીથી આવેલા વાલી જગદીશ ધુલિયાએ જણાવ્યું હતું કે, તેમનું બાળક છેલ્લા પાંચ વર્ષથી પરીક્ષાની તૈયારી કરી રહ્યું છે. અગાઉની કેટલીક પરીક્ષાઓમાં બનેલી ઘટનાઓને કારણે વિદ્યાર્થીઓ અને વાલીઓની માનસિક સ્થિતિ પર અસર થઈ હોવાનું તેમણે જણાવ્યું હતું. તેમણે આશા વ્યક્ત કરી હતી કે આજની પરીક્ષા શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થાય અને વિદ્યાર્થીઓ પોતાના ધ્યેય સુધી પહોંચી શકે.

ડો. સૃષ્ટિ ગોસ્વામીએ જણાવ્યું હતું કે, તેમના પતિ ફિલિપાઇન્સથી ફોરેન મેડિકલ ગ્રેજ્યુએટ છે અને NEET PGની પરીક્ષા આપી રહ્યા છે. તેઓ MD બનવા માગે છે અને પરિવાર તરફથી તેમને સંપૂર્ણ સહયોગ મળી રહ્યો હોવાનું તેમણે જણાવ્યું હતું. પરીક્ષા અઘરી હોવા છતાં તેમના પતિ પરીક્ષામાં સફળ થશે તેવો વિશ્વાસ પણ તેમણે વ્યક્ત કર્યો હતો.
આ વર્ષે ઉમેદવારોને 180 MCQ પ્રશ્નો આપવામાં આવ્યા છે. દરેક સાચા જવાબ માટે ચાર માર્ક્સ મળશે, જ્યારે ખોટા જવાબ માટે એક માર્ક્સ કપાશે. સમગ્ર પ્રશ્નપત્ર 720 માર્ક્સનું છે. પેપરને પાંચ વિભાગમાં વહેંચવામાં આવ્યું છે અને દરેક વિભાગમાં 36 પ્રશ્નો માટે 42 મિનિટનો સમય ફાળવવામાં આવ્યો છે.
વાલી અનિલ ગરાળાએ જણાવ્યું હતું કે, તેમની દીકરી આત્મીય યુનિવર્સિટી ખાતે NEET PGની પરીક્ષા આપી રહી છે. તે છેલ્લા દોઢ વર્ષથી પરીક્ષાની તૈયારી કરી રહી છે અને આગળ MD અથવા ગાયનેકોલોજિસ્ટ બનવા માગે છે.
પરીક્ષામાં ગેરરીતિ અને ડમી ઉમેદવારોને રોકવા માટે બાયોમેટ્રિક વેરિફિકેશનની વ્યવસ્થા કરવામાં આવી હતી. ફિંગરપ્રિન્ટથી ઓથેન્ટિકેશન ન થઈ શકે તેવી સ્થિતિમાં આઇરિસ આધારિત ચકાસણીની પણ વ્યવસ્થા રાખવામાં આવી હતી.

NEET PG ભારતમાં MBBS બાદ મેડિકલ ક્ષેત્રે ઉચ્ચ અભ્યાસ માટેની નેશનલ લેવલની પ્રવેશ પરીક્ષા છે. આ પરીક્ષા નેશનલ બોર્ડ ઓફ એક્ઝામિનેશન્સ (NBEMS) દ્વારા લેવામાં આવે છે. પરીક્ષા માટે ઉમેદવાર પાસે માન્ય સંસ્થામાંથી MBBS ડિગ્રી, મેડિકલ કાઉન્સિલનું રજીસ્ટ્રેશન અને એક વર્ષની ફરજિયાત રોટેટરી ઇન્ટર્નશિપ પૂર્ણ કરેલી હોવી જરૂરી છે. વિદેશમાંથી MBBS કરનારા ઉમેદવારોએ અગાઉ FMGE પાસ કરવી પડે છે.
NEET PGમાં સારો રેન્ક મેળવનારા ઉમેદવારોને દેશની સરકારી અને ખાનગી મેડિકલ કોલેજોમાં MD, MS અથવા DNB જેવા પોસ્ટ ગ્રેજ્યુએટ અભ્યાસક્રમોમાં પ્રવેશ મળી શકે છે. સરકારી કોલેજોમાં ઓછા ખર્ચે સ્પેશિયલાઇઝેશન કરવાની તક સાથે અભ્યાસ દરમિયાન સ્ટાઇપેન્ડ પણ મળી શકે છે.








