US Green Card Wait for Indians : અમેરિકાનું ગ્રીન કાર્ડ મેળવવું ભારતીયો માટે હવે સ્વપ્ન બની જશે. અમેરિકામાં ગ્રીન કાર્ડ મેળવવા ભારતીયોને 179 વર્ષ સુધી રાહ જોવી પડશે. નરી વાસ્તિવકતા અનુસાર તમે ગ્રીન કાર્ડ માટે ફાઇલ સબમીટ તો કરો છો, પરંતુ તેનો નિર્ણય આવે તેના વર્ષો પહેલાં તમારું જીવન પૂર્ણ થઈ ચૂક્યું હશે. NFAP ના રિપોર્ટ અનુસાર EB-2 કેટેગરીમાં નવા અરજદારોને આટલો લાંબો સમય (EB-2 Backlog) લાગશે. હાલ 10 લાખથી વધુ ભારતીયો બેકલોગ (કતાર) માં છે. જેનો દર પાંચ વર્ષમાં 20.6 ટકા વધ્યો છે. દર વર્ષે 7 ટકાની કન્ટ્રી-બેઝ્ડ લિમિટને કારણે આ પરિસ્થિતિ સર્જાઈ છે. H-1B વિઝા ધારકોનું ભવિષ્ય અનિશ્ચિત બન્યું છે.
નેશનલ ફાઉન્ડેશન ફોર અમેરિકન પોલિસી (NFAP)ના અહેવાલ અનુસાર યુનાઇટેડ સ્ટેટ્સ ઑફ અમેરિકામાં કાયમી વસવાટ કરવા ઇચ્છતા ઉચ્ચ કુશળ ભારતીયો માટે એમ્પ્લોયમેન્ટ-બેઝ્ડ EB-2 કેટેગરીમાં અરજી કરનાર નવા અરજદારને ગ્રીન કાર્ડ મેળવવા માટે 179 વર્ષ સુધીની રાહ જોવી પડી શકે છે. કન્ટ્રી-બેઝ્ડ લિમિટ અને વિશાળ બેકલોગને કારણે સર્જાયેલી આ પરિસ્થિતિએ હજારો H-1B વિઝા ધારકોના ભવિષ્ય પર પ્રશ્નાર્થ ચિહ્ન મૂકી દીધું છે.
EB-2 કેટેગરીમાં ઉચ્ચ ડિગ્રી ધરાવતા અથવા વિશિષ્ટ ક્ષમતાવાળા પ્રોફેશનલ્સ માટે સંભવિત રાહ 179 વર્ષ સુધી પહોંચી શકે છે. EB-3 કેટેગરીમાં સ્કિલ્ડ વર્કર્સ અને પ્રોફેશનલ્સ માટે રાહનો સમયગાળો EB-2 કરતાં ઓછો છે, છતાં પણ તે 38 વર્ષ જેટલો લાંબો છે. EB-1 કેટેગરીમાં સૌથી ઉચ્ચ પ્રેફરન્સ ધરાવતી આ શ્રેણીમાં આવતા લોકોને પ્રમાણમાં ઘણી ઓછી રાહ જોવી પડશે. જેનો અંદાજ લગભગ 4થી 5 વર્ષનો છે.








