Thursday, October 22, 2026
HomeGujarat25 વર્ષ બાદ ST સર્ટિફિકેટ નકલી નીકળ્યું, છતાં સુપ્રીમ કોર્ટે રિટાયરમેન્ટના લાભો...

25 વર્ષ બાદ ST સર્ટિફિકેટ નકલી નીકળ્યું, છતાં સુપ્રીમ કોર્ટે રિટાયરમેન્ટના લાભો અપાવ્યા; જાણો કેમ?

- Advertisement -

Invalid ST Certificate Retirement Pension Benefits: 25 વર્ષથી વધુ સમય સુધી સરકારી નોકરી કર્યા બાદ એક કર્મચારીનું અનુસૂચિત જનજાતિ (ST)નું જાતિ પ્રમાણપત્ર અમાન્ય ઠર્યું હતું. તેમ છતાં સુપ્રીમ કોર્ટે વિશેષ સત્તાનો ઉપયોગ કરીને નિવૃત્ત કર્મચારીને રિટાયરમેન્ટ અને પેન્શન સંબંધિત લાભોથી વંચિત ન રાખવાનો મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. સુપ્રીમ કોર્ટે 3 સપ્ટેમ્બરે બંધારણના અનુચ્છેદ 142 હેઠળ મળેલી વિશેષ સત્તાનો ઉપયોગ કરીને આ નિર્ણય આપ્યો હતો. જસ્ટિસ અરવિંદ કુમાર અને જસ્ટિસ વિપુલ એમ. પંચોલીની બેન્ચે મુંબઈ મહાનગરપાલિકાના નિવૃત્ત જુનિયર એન્જિનિયર (સિવિલ)ની અરજી પર સુનાવણી કરી હતી.

અપીલકર્તાની વર્ષ 1994માં ‘ટોકરે કોલી’ અનુસૂચિત જનજાતિ (ST)ના સમુદાય પ્રમાણપત્રના આધારે મ્યુનિસિપલ કોર્પોરેશન ઓફ ગ્રેટર મુંબઈમાં નિમણૂક કરવામાં આવી હતી. જોકે વર્ષ 2020માં જાતિ ચકાસણી સમિતિએ તેમનું જાતિ પ્રમાણપત્ર અમાન્ય જાહેર કર્યું હતું. આ નિર્ણય સામે કર્મચારીએ કાનૂની લડત લડી હતી, પરંતુ બોમ્બે હાઈકોર્ટે પણ સ્ક્રૂટિની કમિટીના નિર્ણયને યોગ્ય ઠેરવ્યો હતો. ત્યારબાદ નિવૃત્ત કર્મચારીએ સુપ્રીમ કોર્ટમાં સ્પેશિયલ લીવ પિટિશન (SLP) દાખલ કરી હતી.

- Advertisement -

કેસની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટના વચગાળાના આદેશને કારણે કર્મચારી નોકરીમાં ચાલુ રહ્યો હતો. આખરે 30 જૂન, 2025ના રોજ નિવૃત્તિની વય પૂર્ણ થતાં તે નિવૃત્ત થયો હતો. આ સમય સુધી તેણે 1994થી લઈને 2025 સુધી ત્રણ દાયકાથી વધુ સમય સેવા આપી હતી. નિવૃત્તિ બાદ કર્મચારીએ પોતાના પેન્શન અને અન્ય નિવૃત્તિ લાભો બચાવવા માટે સુપ્રીમ કોર્ટના અગાઉના ‘સુરેખા બલજોરસિંહ ઠાકુર વિરુદ્ધ જાતિ સ્ક્રૂટિની કમિટી અને અન્ય’ કેસના 2024ના ચુકાદાનો આધાર લીધો હતો. સુપ્રીમ કોર્ટે એક તરફ કર્મચારીનું ST પ્રમાણપત્ર અમાન્ય જાહેર કરવાના સ્ક્રૂટિની કમિટી અને બોમ્બે હાઈકોર્ટના નિર્ણયને યોગ્ય ઠેરવ્યો હતો, પરંતુ બીજી તરફ ત્રણ દાયકાથી વધુ સમય સુધી સતત સેવા આપી હોવાના કારણે તેને નિવૃત્તિ અને પેન્શનના લાભોથી વંચિત રાખવું યોગ્ય નથી તેમ માન્યું હતું.

કોર્ટે નોંધ્યું કે કર્મચારીએ 1994માં સેવા શરૂ કરી હતી અને 30 જૂન, 2025 સુધી નોકરી કરી હતી. એટલે કે તેણે ત્રણ દાયકાથી વધુ સમય સુધી સેવા આપી હતી. આ સંજોગોને ધ્યાનમાં રાખીને સુપ્રીમ કોર્ટે સંપૂર્ણ ન્યાય માટે બંધારણના અનુચ્છેદ 142 હેઠળની સત્તાનો ઉપયોગ કરવાનો નિર્ણય કર્યો. કોર્ટે અગાઉના ‘ચેરમેન એન્ડ મેનેજિંગ ડિરેક્ટર, ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા વિરુદ્ધ જગદીશ બલરામ બહિરા’ કેસના 2017ના ચુકાદાનો પણ ઉલ્લેખ કર્યો હતો. આ ચુકાદામાં સુપ્રીમ કોર્ટની ત્રણ જજોની બેન્ચે જણાવ્યું હતું કે સામાન્ય રીતે ખોટા જાતિ અથવા જનજાતિ પ્રમાણપત્રના આધારે મેળવવામાં આવેલી નોકરીને સુરક્ષા મળી શકતી નથી. જોકે યોગ્ય અને અસાધારણ સંજોગોમાં સંપૂર્ણ ન્યાય માટે અનુચ્છેદ 142 હેઠળ વિશેષ સત્તાનો ઉપયોગ થઈ શકે છે.

સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું કે 21 ઓક્ટોબર, 1994થી 30 જૂન, 2025 સુધીની કર્મચારીની સેવાને માત્ર રિટાયરમેન્ટ અને પેન્શન લાભોની ગણતરી તથા ચૂકવણીના મર્યાદિત હેતુ માટે સુરક્ષિત ગણવામાં આવશે. જોકે કોર્ટે એક મહત્વપૂર્ણ સ્પષ્ટતા પણ કરી હતી. આ રાહતનો અર્થ એવો નથી કે કર્મચારીનો ‘ટોકરે કોલી’ અનુસૂચિત જનજાતિનો દાવો માન્ય ગણવામાં આવ્યો છે. કોર્ટના નિર્ણયથી તેમનું અમાન્ય જાહેર થયેલું જાતિ પ્રમાણપત્ર ફરીથી માન્ય બનશે નહીં.

- Advertisement -

આ ઉપરાંત કર્મચારી અથવા તેના પરિવારનો કોઈપણ સભ્ય ભવિષ્યમાં આ અમાન્ય જાહેર થયેલા જાતિ પ્રમાણપત્રના આધારે કોઈ સરકારી લાભ, અનામત કે અન્ય હકનો દાવો કરી શકશે નહીં. આ રીતે સુપ્રીમ કોર્ટે જાતિ પ્રમાણપત્ર અમાન્ય હોવાના નિર્ણયને યથાવત રાખ્યો છે, પરંતુ ત્રણ દાયકાથી વધુ સમયની સેવા અને કર્મચારી નિવૃત્ત થઈ ચૂક્યો હોવાના વિશેષ સંજોગોને ધ્યાનમાં રાખીને માત્ર પેન્શન અને નિવૃત્તિ લાભો માટે તેને રાહત આપી છે.

Follow on Social Media
Urvish Patel
Urvish Patelhttps://www.navajivan.in
A journalist with over 10 years of experience in print, electronic, and digital media. He has worked with renowned media organizations such as Divya Bhaskar, (GujaratTAK) TV Today, ETV Bharat, and Mera News, bringing extensive expertise in news reporting and content creation.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular