Vadodara Bhayli Rape case: વડોદરાના બહુચર્ચિત ભાયલી ગેંગરેપ કેસમાં વિશેષ પોક્સો કોર્ટે પાંચેય આરોપીઓને અંતિમ શ્વાસ સુધીની કેદની સજા ફટકારી છે. 20 ઓગસ્ટ, 2026ના રોજ પાંચેય આરોપીઓને દોષિત ઠેરવવામાં આવ્યા બાદ આજે 31 ઓગસ્ટે સજાનું એલાન કરવામાં આવ્યું છે. કોર્ટે તમામ આરોપીઓને જીવનના અંતિમ શ્વાસ સુધીની કેદ ઉપરાંત રૂ. 50-50 હજારનો દંડ ફટકાર્યો છે. સાથે જ પીડિતાને રૂ. 10 લાખનું વળતર ચૂકવવાનો પણ આદેશ કર્યો છે. વડોદરામાં એકસાથે પાંચ આરોપીઓને જીવે ત્યાં સુધીની કેદની સજા ફટકારવામાં આવી હોય તેવો આ પ્રથમ કિસ્સો હોવાનું સરકારી પક્ષે જણાવ્યું છે.
આ કેસમાં 4 ઓક્ટોબર, 2024ના રોજ નવરાત્રિના બીજા નોરતાની રાત્રે 16 વર્ષીય સગીરા પોતાના મિત્ર સાથે ગરબા રમવા ગઈ હતી. બંને ભાયલીના એક નિર્જન વિસ્તારમાં બેઠા હતા ત્યારે બે બાઇક પર પાંચ શખસો ત્યાં પહોંચ્યા હતા. આરોપીઓએ બંનેને ધમકાવીને તેમના ટુ-વ્હીલરની ચાવી લઈ લીધી હતી. ત્યારબાદ પરિવારને બોલાવી દેવાની ધમકી આપવામાં આવી હતી.
સગીરાએ મદદ માટે બૂમો પાડતાં પાંચમાંથી બે આરોપીઓ ત્યાંથી ભાગી ગયા હતા, જ્યારે બાકીના ત્રણ આરોપીઓએ સગીરા અને તેના મિત્રને ધમકાવ્યા હતા. સગીરાના મિત્રએ વિરોધ કરતાં તેને પકડી રાખવામાં આવ્યો હતો અને ત્યારબાદ ત્રણ આરોપીઓએ સગીરા પર સામૂહિક દુષ્કર્મ આચર્યું હતું. બનાવ બાદ સગીરા અને તેનો મિત્ર ગભરાઈ ગયા હતા. જોકે, તાલુકા પોલીસ સ્ટેશન ઘટનાસ્થળથી આશરે બે કિલોમીટર દૂર હોવાથી બંને ત્યાં પહોંચ્યા હતા અને સમગ્ર ઘટના અંગે પોલીસને જાણ કરી હતી.
ઘટનાસ્થળ નિર્જન હોવાથી ત્યાં CCTV કેમેરા ઉપલબ્ધ નહોતા. અજાણ્યા આરોપીઓ સુધી પહોંચવું પોલીસ માટે મોટો પડકાર હતો. પોલીસે ઘટનાસ્થળથી આરોપીઓના સંભવિત રૂટ સુધીના CCTV ફૂટેજની તપાસ શરૂ કરી હતી. આશરે 45 કિલોમીટરના રૂટ પર 1,100થી વધુ CCTV કેમેરાના ફૂટેજ તપાસવામાં આવ્યા હતા. સાથે જ 200થી વધુ પોલીસકર્મીઓની ટીમોએ તપાસ હાથ ધરી હતી અને ઘટનાસ્થળની આસપાસના આશરે ત્રણ કિલોમીટરના વિસ્તારમાં 1,000થી વધુ ઘરોની પણ તપાસ કરવામાં આવી હતી.
સગીરાનો મોબાઇલ ફોન પણ આરોપીઓ પોતાની સાથે લઈ ગયા હતા. રાત્રે લગભગ 12:30 વાગ્યે સગીરાની માતાએ તેના મોબાઇલ પર ફોન કર્યો હતો. આરોપીઓમાંથી એકે ભૂલથી ફોન ઉપાડી લીધો હતો અને માત્ર ત્રણ સેકન્ડ બાદ કાપી નાખ્યો હતો. આ દરમિયાન ફોનની પાછળથી ઢોલ-ડીજેનો અવાજ સંભળાયો હતો. પોલીસે આ માહિતીનો ઉપયોગ કરીને સંભવિત લોકેશન શોધવાનું શરૂ કર્યું હતું.
બીજી તરફ પોલીસે ટાવર ડમ્પ ડેટાનું પણ વિશ્લેષણ કર્યું હતું. પાંચથી છ મોબાઇલ ટાવરના ચાર લાખથી વધુ ફોન લોકેશનની તપાસ કરવામાં આવી હતી. તેમાંથી આશરે 60 શંકાસ્પદ ફોન લોકેશન મળ્યાં હતાં. વધુ તપાસમાં 10 ફોન લોકેશન આરોપીઓના સંભવિત રૂટ સાથે જોડાતા હોવાનું સામે આવ્યું હતું. એક શંકાસ્પદ ફોનનું લોકેશન સુશેન-તરસાલી રોડ પર મળ્યું હતું. તપાસ કરતાં આ ફોન મુન્ના બનજારાનો હોવાનું સામે આવ્યું હતું.
પોલીસ તપાસમાં સામે આવ્યું હતું કે આરોપીઓ ઘટના બાદ રાત્રે આશરે દોઢ વાગ્યે રજવાડી હોટલ પર ચા પીવા માટે રોકાયા હતા. આ લોકેશન પણ પોલીસ માટે મહત્વની કડી બન્યું હતું. રાત્રે મુન્નાનું લોકેશન મળ્યા બાદ પોલીસ તેના ઘરે પહોંચી હતી. પરિવારજનોએ તે બહારગામ ગયો હોવાનું જણાવ્યું હતું, પરંતુ મોબાઇલ લોકેશન આસપાસ જ હોવાથી પોલીસે વધુ તપાસ કરી હતી. અંતે રાત્રે એક વાગ્યાની આસપાસ મુન્નાને તેના ઘરથી ત્રીજા ઘરમાં સૂતો ઝડપી લેવામાં આવ્યો હતો.
મુન્નાની પૂછપરછ બાદ મુમતાઝ ઉર્ફે આફતાબ બનજારા અને શાહરૂખ બનજારાને ઝડપી લેવામાં આવ્યા હતા. ત્યારબાદ આ ત્રણેયની પૂછપરછના આધારે સૈફઅલી બનજારા અને અજમલ સત્તારને પણ ઝડપી લેવામાં આવ્યા હતા. પોલીસે રાત્રે એક વાગ્યાથી મળસ્કે ચાર વાગ્યા સુધીના સમયગાળામાં સમગ્ર ઓપરેશન પૂર્ણ કર્યું હતું. ઘટનાના માત્ર 48 કલાકમાં પાંચેય આરોપીઓ પોલીસના હાથે ઝડપાઈ ગયા હતા.
તપાસમાં પાંચેય આરોપીઓ મૂળ ઉત્તર પ્રદેશના હોવાનું અને વર્ષોથી વડોદરામાં રહેતા હોવાનું સામે આવ્યું હતું. તેઓ તાંદલજા વિસ્તારમાં રહેતા હતા અને મજૂરી તેમજ POP-કલરનું કામ કરતા હતા.
આરોપીઓની ધરપકડ બાદ પોલીસ અને SIT સામે હવે કોર્ટમાં ગુનો સાબિત કરવાનો પડકાર હતો. પોલીસે પીડિતા અને તેના મિત્રના નિવેદન ઉપરાંત અન્ય સાક્ષીઓ, CCTV ફૂટેજ, મેડિકલ પુરાવા, FSL રિપોર્ટ અને DNA સંબંધિત પુરાવાઓ એકત્ર કર્યા હતા. આરોપીઓએ પુરાવાનો નાશ કરવા માટે સગીરાનો મોબાઇલ વિશ્વામિત્રી નદીમાં ફેંકી દીધો હતો. મોબાઇલ મળી આવ્યો ન હોવા છતાં અન્ય ટેકનિકલ અને વૈજ્ઞાનિક પુરાવાઓના આધારે કેસને મજબૂત કરવામાં આવ્યો હતો.
ઘટનાના માત્ર 17 દિવસમાં પોલીસે પોક્સો કોર્ટમાં આશરે 6,000 પાનાની ચાર્જશીટ રજૂ કરી હતી. ચાર્જશીટમાં લગભગ 100 સાક્ષીઓના નિવેદનો, FSL અને મેડિકલ રિપોર્ટ, DNA સેમ્પલ તથા CCTV સહિતના પુરાવાઓ રજૂ કરવામાં આવ્યા હતા. ટ્રાયલ દરમિયાન પ્રોસિક્યુશને 45 સાક્ષીઓની તપાસ કરી હતી. સગીરાના કપડાંમાંથી મળેલા આરોપીઓના શરીર પ્રવાહીના વૈજ્ઞાનિક પુરાવાઓ પણ કેસમાં મહત્વપૂર્ણ બન્યા હતા.
ખાસ સરકારી વકીલ નયન સુખડવાલાના જણાવ્યા મુજબ, પ્રોસિક્યુશન તરફથી સંયોગિક પુરાવાની દરેક કડી કોર્ટ સમક્ષ શંકાથી પર સાબિત કરવામાં આવી હતી. શરૂઆતમાં પાંચમાંથી બે આરોપીઓએ સગીરા સાથે શારીરિક છેડછાડ કરી હતી અને ત્યારબાદ અન્ય ત્રણ આરોપીઓએ સામૂહિક દુષ્કર્મ આચર્યું હતું. બનાવ દરમિયાન સગીરાનો મોબાઇલ પણ લઈ લેવામાં આવ્યો હતો અને બાદમાં પુરાવાનો નાશ કરવાના હેતુથી તેને વિશ્વામિત્રી નદીમાં ફેંકી દેવામાં આવ્યો હતો. કોર્ટે આ સમગ્ર પુરાવા અને ઘટનાક્રમને ધ્યાનમાં લીધો હતો.
4 ઓક્ટોબર, 2024ની ઘટનાથી શરૂ થયેલી પોલીસ તપાસ, આરોપીઓની ધરપકડ, રિમાન્ડ, હજારો CCTV ફૂટેજની તપાસ, 6,000 પાનાની ચાર્જશીટ, સાક્ષીઓની જુબાની અને વૈજ્ઞાનિક પુરાવાઓની રજૂઆત બાદ કેસ ચુકાદાના તબક્કે પહોંચ્યો હતો. 20 ઓગસ્ટ, 2026ના રોજ વડોદરાની વિશેષ પોક્સો અદાલતે મુન્ના અબ્બાસ બનજારા, મુમતાઝ ઉર્ફે આફતાબ બનજારા, શાહરૂખ બનજારા, સૈફઅલી બનજારા અને અજમલ સત્તારને દોષિત ઠેરવ્યા હતા.
આજે સજા સંભળાવતી વખતે પાંચેય દોષિતોને એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ સી.એમ. પવારની કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. કોર્ટમાં રજૂ કરાયેલા દોષિતોના ચહેરા પર અફસોસ જોવા મળ્યો ન હતો અને એક દોષિતે ચહેરો છુપાવવાનો પ્રયાસ કર્યો હતો. કોર્ટે નવરાત્રિના પર્વ દરમિયાન સગીરા સાથે બનેલી આ ગંભીર ઘટનાને હળવાશથી ન લઈ શકાય તેમ માનતા પાંચેય આરોપીઓને અંતિમ શ્વાસ સુધીની કેદની સજા ફટકારી છે.








