નવજીવન ન્યૂઝ. અમદાવાદઃ આગામી સમયમાં લોકસભાની ચૂંટણી આવી રહી છે. જેને લઈને ભારતની તમામ રાજકીય પાર્ટી પોતાની વ્યુહરચના ઘડી રહી છે. તેવામાં કેન્દ્રની મોદી સરકારને પછાડવા માટે વિપક્ષ પાર્ટીઓએ ગંઠબંઘન કર્યું છે, જેનું નામ INDIA આપવામાં આવ્યું છે. આ ગઠબંધનમાં 26 પાર્ટીઓ ભેગી થઈને કેન્દ્ર સરકાર સામે લોકસભાની ચૂંટણી લડશે. જેને લઈને ગુજરાતમાં પણ આમ આદમી પાર્ટીએ કોંગ્રેસ સાથેના ગઠબંઘનની જાહેરાત કરી છે. આપની જાહેરાત બાદ ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ લોકસભાની ચૂંટણી લડવાની જાહેરાત કરી છે.
કેન્દ્રમાં 26 પાર્ટીઓનું ગઠબંધન થતાં ગઈકાલે ગુજરાત આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવીએ આગામી લોકસભા માટે આપ અને કોંગ્રેસના ગઠબંધનની જાહેરાત કરી હતી. જોકે ગુજરાત કોંગ્રેસ દ્વારા ગંઠબંધનને લઈને હજી સુધી કોઈ જાહેરાત કરવામાં આવી નથી. તેવામાં આપની જાહેરાત બાદ આપના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ લોકસભાની ચૂંટણી લડવાની તૈયારી બતાવી છે. ચૈતર વસાવાએ મિડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, ભરૂચ લોકસભાને લઈને આપના રાષ્ટ્રીય અધ્યક્ષ અરવિંદ કેજરીવાલે સુચન કર્યું છે. લોકના મંતવ્ય લઈને મેદાનમાં ઉતરીશું, વિધાનસભા ચૂંટણીના આંકડા અનુસાર, બારડોલી, વલસાડ, દાહોદ, છોટાઉદેપુર અને જામ જોધપુર બેઠક પર અમે બીજા નંબરે રહ્યા છીએ અને આજે પણ ત્યાં અમે મજબુત છીએ. જેથી આગામી ચૂંટણીમાં આ બેઠકો પર અમારૂ ફોકસ રહેશે, INDIAનું જે ગઠબંધન થયું છે તેમાં આટલી સીટમાં અમારૂ સંગઠન મજબુત હોવાથી અમે દાવો કરીશું.
વધુમાં જણાવ્યું છે કે, ભરૂચ લોકસભામાં અમારૂ સંગઠન ખૂબ મોટુ છે, લોકોની સાથે રહીને અમારી પાર્ટીએ કહ્યું છે એટલે પુરી તાકાતથી ભરૂચ લોકસભા લડવાનો છું, મનસુખ વસાવા છેલ્લા 6 ટર્મથી ભરૂચ લોકસભા પર છે, અમારા સમાજની ઘણી માગણીઓ છે જેમ કે, જાતીના પ્રમાણ પત્ર, સ્ટેચ્યુ ઓફ યુનિટી, રોજગારી, શિક્ષણ અને આરોગ્ય બાબતે મનસુખ વસાવાનું કોઈ સાંભળતુ નથી, જેથી આ વખતે ભરૂચ લોકસભામાં આદીવાસી ચહેરા તરીકે હું આમ આદમી પાર્ટીમાંથી ઉતરવાનો છું, અમારી પૂરી ટીમ સજ્જ છે અને INDIA વિપક્ષનું ગઠબંધન છે, તેમાં પણ કોંગ્રેસ સાથે ગઠબંધન કરીને ભરૂચ બેઠક પરથી ઉતરીશ.








