Jantar-Mantar Protest Paper Leak PM Modi: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (Narendra Modi)એ એનડીએ (NDA)ના ‘મંગલ મિલન’ કાર્યક્રમમાં નીટ (NEET) પેપર લીક મુદ્દે સ્પષ્ટ નિવેદન આપતાં કહ્યું કે પેપર લીક જેવા ગંભીર મુદ્દા પર રાજકારણ ન થવું જોઈએ. વિદ્યાર્થીઓના હિતો સરકાર માટે સર્વોચ્ચ છે અને તેમના ભવિષ્ય સાથે કોઈપણ પ્રકારનો ખેલ થવો જોઈએ નહીં. છેલ્લા કેટલાક દિવસોથી જંતર-મંતર (Jantar Mantar) પર CJP દ્વારા નીટ પેપર લીક મુદ્દે ચાલી રહેલા પ્રદર્શન વચ્ચે પ્રધાનમંત્રીએ આ નિવેદન આપ્યું છે.
પીએમ મોદીએ એનડીએ સંસદીય દળને સંબોધતા જણાવ્યું કે વિપક્ષ નીટ મુદ્દે દેશને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરી રહ્યો છે. તેમણે કહ્યું કે પેપર લીકની માહિતી મળતાં જ સરકારે તાત્કાલિક કાર્યવાહી કરી હતી. વિદ્યાર્થીઓનું શૈક્ષણિક ભવિષ્ય બગડે નહીં તે માટે ઝડપથી ફરી પરીક્ષા (Re-Exam) યોજવામાં આવી હતી અને તેનું પરિણામ પણ વિલંબ વિના જાહેર કરવામાં આવ્યું હતું.
પ્રધાનમંત્રીએ જણાવ્યું કે સરકારે પેપર લીક કેસમાં સંડોવાયેલા અનેક આરોપીઓની ધરપકડ કરીને તેમને જેલમાં મોકલ્યા છે. તેમણે કહ્યું કે ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને તે માટે કડક પગલાં લેવામાં આવ્યા છે અને પરીક્ષા વ્યવસ્થાને વધુ સુરક્ષિત બનાવવા માટે જરૂરી સુધારા પણ કરવામાં આવ્યા છે.
તેમણે વધુમાં કહ્યું કે પેપર લીક માત્ર કોઈ એક રાજ્ય કે કેન્દ્ર સરકારનો મુદ્દો નથી, પરંતુ સમગ્ર દેશનો પ્રશ્ન છે. દેશના વિવિધ રાજ્યોમાં આવી ઘટનાઓ બની છે અને આવા ગુનાઓ કરનારાઓને કડકમાં કડક સજા મળે તે માટે તમામ રાજકીય પક્ષો અને સમાજે સાથે મળીને કામ કરવું જોઈએ.
પીએમ મોદીએ અપીલ કરી હતી કે પેપર લીકના દોષિતોને કડક સજા અપાવવા માટે દેશના અગ્રણી વકીલો (Top Lawyers) પણ આગળ આવે. તેમણે કહ્યું કે યુવાનોના ભવિષ્ય સાથે ચેડાં કરનારાઓને કોઈપણ સંજોગોમાં છોડવામાં નહીં આવે અને તેમના વિરુદ્ધ કડક કાનૂની કાર્યવાહી ચાલુ રહેશે.
આ ઉપરાંત પ્રધાનમંત્રીએ જણાવ્યું કે ભારતે વિવિધ દેશો સાથે કરેલા ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ (Free Trade Agreement)માં ખેડૂતોના હિતોનું પણ સંપૂર્ણ ધ્યાન રાખવામાં આવ્યું છે અને દરેક કરારમાં ખેડૂતોના હિતોની સુરક્ષા સુનિશ્ચિત કરવામાં આવી છે.
સંસદ સુધીના વિરોધ માર્ચ દરમિયાન પોલીસ અને પ્રદર્શનકારીઓ વચ્ચે થયેલી અથડામણ બાદ આજે પણ મોટી સંખ્યામાં કાર્યકરો અને સમર્થકો જંતર-મંતર ખાતે એકત્ર થયા હતા. CJP કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન (Dharmendra Pradhan)ના રાજીનામાની માંગ પર અડગ છે અને આંદોલન પાછું નહીં ખેંચવાની ચેતવણી આપી છે.
સોમવારે CJPના પ્રતિનિધિઓ અને કેન્દ્રીય આરોગ્ય મંત્રી જે.પી. નડ્ડા (JP Nadda) વચ્ચે બેઠક યોજાઈ હતી. જોકે, સૂત્રોના જણાવ્યા મુજબ સરકાર તરફથી કોઈપણ માંગ પર સ્પષ્ટ આશ્વાસન આપવામાં આવ્યું નથી. જે.પી. નડ્ડાએ પ્રતિનિધિઓને આંદોલન સમાપ્ત કરીને સામાન્ય સ્થિતિ જાળવવામાં પ્રશાસનને સહકાર આપવા અપીલ કરી હતી.
આ દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (Narendra Modi)એ NDAના ‘મંગલ મિલન’ કાર્યક્રમમાં કહ્યું હતું કે પેપર લીક જેવા મુદ્દે રાજકારણ ન થવું જોઈએ અને દોષિતોને કડકમાં કડક સજા મળવી જોઈએ. તેમણે વિદ્યાર્થીઓના હિતોને સર્વોચ્ચ ગણાવતાં દેશના અગ્રણી વકીલોને પણ દોષિતોને કડક સજા અપાવવા માટે આગળ આવવાની અપીલ કરી હતી.
દિલ્હી પોલીસ (Delhi Police)એ જણાવ્યું છે કે સોમવારના હિંસક પ્રદર્શન બાદ અત્યાર સુધી ચાર FIR નોંધવામાં આવી છે, જ્યારે વધુ બે FIR નોંધવાની પ્રક્રિયા ચાલી રહી છે. પોલીસના જણાવ્યા મુજબ કનોટ પ્લેસ (Connaught Place) વિસ્તારમાં પોલીસ વાહનોમાં તોડફોડ, પોલીસ પર પથ્થરમારો, સરકારી સંપત્તિને નુકસાન પહોંચાડવા અને કાયદો-વ્યવસ્થા ભંગ કરવાના આરોપસર કેસ નોંધાયા છે. આ ઉપરાંત સંસદ સત્ર દરમિયાન પરવાનગી વિના ડ્રોન (Drone) ઉડાડવાના મામલે પણ અલગ FIR નોંધવામાં આવી છે.
પોલીસે જણાવ્યું છે કે ભારતીય ન્યાય સંહિતા (Bharatiya Nyaya Sanhita – BNS), આર્મ્સ એક્ટ (Arms Act) અને જાહેર સંપત્તિને નુકસાન નિવારણ અધિનિયમ (PDPP Act) હેઠળ ગુનાઓની તપાસ ચાલી રહી છે. CCTV ફૂટેજ અને વીડિયો રેકોર્ડિંગના આધારે આરોપીઓની ઓળખ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
CJPના રાષ્ટ્રીય પ્રવક્તા આશુતોષ રાંકાએ આરોપ લગાવ્યો છે કે પ્રદર્શન દરમિયાન પોલીસે બળપ્રયોગ કર્યો હતો અને અનેક યુવાનો સાથે મારપીટ કરવામાં આવી હતી. બીજી તરફ દિલ્હી પોલીસે સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા કેટલાક દાવાઓને ભ્રામક અને તથ્યવિહોણા ગણાવ્યા છે. પોલીસે લોકોને અપ્રમાણિત માહિતી શેર ન કરવાની અપીલ કરી છે.
આ દરમિયાન સફદરજંગ હોસ્પિટલ (Safdarjung Hospital)એ પર્યાવરણ કાર્યકર સોનમ વાંગચુક (Sonam Wangchuk) અંગે હેલ્થ બુલેટિન જાહેર કર્યું છે. હોસ્પિટલના જણાવ્યા મુજબ તેમના તમામ મહત્વના આરોગ્ય પરિમાણો હાલમાં સ્થિર છે, પરંતુ તેઓ ડોક્ટરોની વારંવારની સલાહ છતાં આઈવી ફ્લુઈડ (IV Fluid) અને ગ્લુકોઝ (Glucose) લેવાનો ઇનકાર કરી રહ્યા છે. તેમને હાલમાં ORS અને પોટેશિયમની પૂરક માત્રા આપવામાં આવી રહી છે. લાંબા સમયથી ચાલતા ઉપવાસને કારણે તેમના શરીર પર અસર જોવા મળી રહી હોવાથી સતત તબીબી દેખરેખ રાખવામાં આવી રહી છે.
આ આંદોલનને લઈને ફિલ્મ અભિનેત્રી સોનાક્ષી સિન્હા (Sonakshi Sinha)એ પણ પ્રતિક્રિયા આપી છે. તેમણે સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરીને લખ્યું કે, “20 જુલાઈએ ઘણા લોકોના હાડકાં તૂટ્યા અને આખા દેશનું દિલ તૂટી ગયું. આ દિવસ યાદ રાખજો.”
PM ચૂપ કેમ છે માફી માગવી જોઈએઃ રાહુલ ગાંઘી
સંસદની કાર્યવાહી બપોરે 12 વાગ્યે ફરી શરૂ થઈ હતી. જોકે અગાઉના જેમ વિપક્ષે ભારે હંગામો કર્યો હતો. તેમણે અવાજ ઉઠાવ્યો હતો દેશમાં ચાલી રહેલી ઘણી બધી ઘટનાઓ અંગે. જેને કારણે દસ જ મીનીટમાં લોકસભાની કાર્યવાહી સ્પીકરે 2 વાગ્યા સુધી સ્થગિત કરી દીધી હતી. જોકે વિપક્ષોની નારાજગી યથાવત રહી હતી.
દરમિયાનમાં રાહુલ ગાંધીએ નરેન્દ્ર મોદીની માફીની માગ કરતા કહ્યું કે, વિદ્યાર્થીઓ અને યુવાનો ભવિષ્યનો સવાલ છે. કાલે બનેલી ઘટના માટે PM મોદીએ માફી પણ માગી નથી. PM ચુપ કેમ છે? તેમણે માફી માગવી જોઈએ.








