Thursday, April 30, 2026
HomeSeriesAkshardham AttackPSI ડી. પી. ચુડાસમાને ગોળી વાગી હતી, તે હોસ્પિટલમાં હતા; પણ તેમની...

PSI ડી. પી. ચુડાસમાને ગોળી વાગી હતી, તે હોસ્પિટલમાં હતા; પણ તેમની ખબર જોવાની ફુરસદ કોઈ પાસે નહોતી

- Advertisement -

પ્રશાંત દયાળ (અક્ષરધામ અટેક. ભાગ-19): Akshardham Temple Attack Series : 24 સપ્ટેમ્બર 2002ના રોજ અક્ષરધામ ઉપર હુમલો (Attack on Akshardham) કરી આતંકવાદીઓએ ગુજરાતમાં શ્રીગણેશ કર્યા હતા. આતંકીઓ પાસેથી જે પ્રકારનો દારૂગોળો, ડ્રાયફ્રૂટ અને ઉર્દૂ ભાષામાં લખેલી ચીઠ્ઠી મળી આવી હતી; તેનો અર્થ સ્પષ્ટ હતો કે, અક્ષરધામ આવેલા આતંકીઓનો ઇરાદો લાંબી લડાઈ લડવાનો હતો. પરંતુ ગુજરાત પોલીસ, (Gujarat Police) સી.આઈ.એસ.એફ. (CISF) અને એન.એસ.જી.ના (NSG) કમાન્ડોએ લગભગ બાર કલાકમાં બંને આતંકીને ઠાર કરી નાખ્યા હતા.

આ બનાવ પછી ગુજરાત પોલીસને અંદાજ આવી ગયો હતો કે, સ્થિતિ સારી નથી. મુખ્યમંત્રી, રાજ્યપાલ અને મંત્રીમંડળના નિવાસસ્થાનની બરાબર સામે આંતકી આવીને હુમલો કરે અને તેની આગોતરી જાણકારી રાજ્ય કે કેન્દ્રની ગૃપ્તચર એજન્સીઓને ન મળે! આ ગુપ્તચર એજન્સીઓની મોટી ચૂક હતી. હવે આ પ્રકારની ગફલત ચાલે તેમ નહોતી.

- Advertisement -

બીજી તરફ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ગુજરાત પોલીસના જવાનો હજી સારવાર હેઠળ હતા. કારણ કે, ગુજરાત પોલીસના અનેક કમાન્ડોના શરીરમાં કારતુસ એવી રીતે ફસાઈ હતી કે, ઓપરેશન કરી તે બહાર કાઢી શકાય નહીં. સિવિલના ડૉકટર્સની સલાહ એવી હતી કે, હવે આ જવાનોએ શરીરમાં બુલેટ સાથે જ આખી જિંદગી પસાર કરવી પડશે.

એન.એસ.જી. કમાન્ડો સૃજનસિંઘની (Commando Surjan Singh) સ્થિતિ ગંભીર હતી. કારણ કે, તેને કપાળમાં જે પ્રકારે ગોળી વાગી હતી, તેનાથી તે તરત કોમામાં જતો રહ્યો હતો. સૃજનસિંઘના પરિવારને પણ અમદાવાદ બોલાવી લેવામાં આવ્યો હતો. હવે પ્રશ્ન એવો હતો કે, અમદાવાદ આવી પહોંચેલાં સૃજનસિંઘનાં પત્ની અને અન્ય સગાં ક્યાં રહેશે? પણ ગાંધીનગરના તત્કાલીન ઇન્ચાર્જ એસ.પી. આર. બી. બ્રહ્મભટ્ટે (RB Brahmbhatt) પોતાના સ્ટાફને સૂચના આપીને; અમદાવાદના અસારવા વિસ્તારમાં એક ભાડાનું મકાન લઈ આપ્યું. જે સિવિલ હોસ્પિટલથી નજીક છે. ઉપરાંત તેમને સવાર–સાંજ ટિફિન મળી રહે; તેનું પણ ગાંધીનગર પોલીસ ધ્યાન રાખતી હતી. આખી વાતમાં અફસોસ એ હતો કે, સિવિલમાં સારવાર લઈ રહેલા પોલીસ જવાનો તથા અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા પી.એસ.આઈ. ડી. પી. ચુડાસમાની (PSI D P Chudasama) ખબર જોવાની તસ્દી અક્ષરધામના કોઈ સંત કે પદાધિકારીએ લીધી નહોતી. સૃજનસિંઘ જીવન મરણ વચ્ચે ઝોલાં ખાઈ રહ્યો હતો. તેનો પરિવાર અમદાવાદમાં એકલો હતો, પણ તેમની પડખે ઊભા રહેવા મંદિરના કોઈ સંત આવ્યા નહીં.

ખેર, સમય સમયનું કામ કરતો હતો. ભગવાન સ્વામિનારાયણમાં શ્રદ્ધા રાખનારો ગુજરાતમાં મોટો વર્ગ છે. એટલે તે કોઈ રીતે નારાજ થાય, એ સરકારને પરવડે તેમ નહોતું. પ્રમુખસ્વામી સાહેબ ત્યારે ધંધુકા પાસે આવેલાં સાણંગપુરમાં હતા. હુમલા વખતે તે ખૂબ ચિંતામાં હતા. તેઓ સતત મંદિરમાં સંતોના સંપર્કમાં પણ હતા. મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ પણ પ્રમુખસ્વામીને ફોન કરીને આશ્વાસન આપ્યું હતું કે, ગુજરાત અને કેન્દ્ર સરકાર પૂરી તાકાતથી કામ કરી રહી છે. થયું પણ તેવું જ. બાર કલાકમાં આતંકીઓનો સફાયો થઈ ગયો હતો.

- Advertisement -

આ ઘટનાના બે દિવસ બાદ નરેન્દ્ર મોદી (CM Narendra Modi) પોતે પ્રમુખસ્વામીને (Pramukh Swami) મળવા સાણંગપુર પહોંચ્યા હતા. ત્યાં નરેન્દ્ર મોદીએ તેમના આશીર્વાદ લીધા અને બંધ બારણે સ્વામી સાથે ચર્ચા કરીને સમગ્ર ઘટનાની જાણકારી આપી હતી. ત્યારબાદ તેમણે કષ્ટભંજન દેવના પણ દર્શન કર્યા હતા. અક્ષરધામ હુમલાની ઘટના આતંકી હુમલાની ઘટના હતી. જેના કારણે ગાંધીનગર પોલીસને આદેશ મળ્યો કે, આ કેસ ગુજરાત એન્ટી ટેરરિઝમ સ્કવોડને (Gujarat ATS) સોંપી દેવામાં આવે. કારણ કે, ટેરરિઝમ તેમનો વિષય હતો.

ગુજરાત એ.ટી.એસ.ના વડા વિપુલ વિજોય હતા. ગુજરાત એ.ટી.એસ.ની પૂરી ટીમ કામે લાગી ગઈ હતી. સૌથી પહેલા ગુજરાત એ.ટી.એસ.ને શોધવાનું હતું કે, માર્યા ગયેલા આતંકીઓ કોણ હતા? તેમની ઓળખ થઈ જાય, તો કામ સરળ થઈ જાય. એ.ટી.એસ. દ્વારા માર્યા ગયેલા આતંકીઓના ફોટોગ્રાફ્સ હજારો લોકોને બતાવવામાં આવ્યા, પણ તેમને ઓળખી શકે તેવી એક પણ વ્યકિત પોલીસ સામે આવી નહીં. એ.ટી.એસ.ને પાક્કી ખાતરી હતી કે, ગુજરાત આવેલા આતંકીને અમદાવાદ અથવા ગુજરાતમાંથી કોઈકે સપોર્ટ જરૂર આપ્યો હશે. એટલે લોકલ મદદગાર કોણ છે? તે શોધવા માટે એ.ટી.એસ.એ પોતાના ગુપ્તચરોને કામે લગાડયા, પણ કોઈ ફળદાયી માહિત મળી નહીં. એ.ટી.એસ. ઉપર સતત ગૃહવિભાગનું દબાણ હતું કે, કેમ કામ થતું નથી? કારણ, બજારમાં એક એવી થીયરી ફ્લોટ થઈ રહી હતી કે, મંદિર ઉપર ટેરરિસ્ટ એટેક થયો છે; તે ખુદ સરકારે કરાવ્યો છે. એટલે કે નરેન્દ્ર મોદી અને અમીત શાહે કરાવ્યો છે.

આ થીયરીને સમર્થન મળે તેવો તર્ક એ હતો કે, તે આતંકીઓ ગેટ નંબર–4 પાસેથી પંદર ફૂટ ઊંચી રેલિંગ કૂદીને અક્ષરધામમાં ઘુસી જાય છે. તેમણે મંદિરમાં ઘુસી જવાને બદલે બરાબર મંદિરની સામે સી.એમ. બંગલો આવ્યો છે, તેને નિશાન કેમ ન બનાવ્યું? કારણ કે, આતંકીઓને ગુસ્સો તો 2002નાં તોફાન (2002 Riots) માટે નરેન્દ્ર મોદી સામે હતો. તો તેમણે મંદિરમાં ઘુસી નિર્દોષોને કેમ માર્યા? આ થીયરી ત્યાં સુધી બજારમાં ફરવાની હતી; જ્યાં સુધી, આતંકીઓ કોણ છે? અને તેમને મદદ કરનાર કોણ છે? એમના સુધી પોલીસ પહોંચી ન જાય. પણ ખબર નહીં, કોઈને કોઈ કારણે ગુજરાત એ.ટી.એસ.ને કોઈ કડી મળી રહી નહોતી.

- Advertisement -

આમ કરતાં એક વર્ષ પસાર થવાં આવ્યું. બીજી તરફ અમદાવાદ ક્રાઇમબ્રાંચમાં (Ahmedabad Crime Branch) ખાસ્સી ચહલપહલ ચાલી રહી હતી. રોજ નવા માણસોને પોલીસવાળા લઈ આવતા હતા. રોજ રાતે ‘બાંકડો લાગતો’ હતો. બાંકડો લાગવો એટલે કે, જેને લઈને આવ્યા છે; તેમને બાંકડે સુવડાવી ધોલાઈ કરવી. કારણ કે, હાર્ડકોર આરોપી કંઈ થમ્સઅપ પીવડાવવાથી માહિતી આપતો નથી. અમદાવાદ ક્રાઇમબ્રાંચના ડી.સી.પી. તરીકે ડી. જી. વણઝારા (D G Vanzara) હતા. એક યોગાનુયોગ પણ ઊભો થયો. અક્ષરધામ હુમલા પછી જેમણે ગાંધીનગરમાં ફરિયાદ નોંધાવી હતી; તે ગિરીશ સિંઘલની (Girish Singhal) બદલી પણ અમદાવાદ ક્રાઇમબ્રાંચમાં થઈ અને તેમને એક મહત્ત્વની જાણકારી મળી.

(ક્રમશ:)

Part 18 : બંને ટેરરિસ્ટની લાશ લોહીમાં લથબથ પડી હતી, પણ હજી તેમની નજીક જવામાં જોખમ હતું; કદાચ તેમણે એક્સપ્લોઝિવ પણ પહેર્યાં હોય!

આ ઓપરેશનમાં NSG ના બે અને ગુજરાત પોલીસના બે જવાનો શહિદીને ભેટ્યા હતા. આ ધારાવાહિક કોઈપણ રાજકીય પક્ષ, ધર્મ, જાતિ, જ્ઞાતિ અને કોઈપણ વિચારધારાનું સમર્થન કે વિરોધ કરતી નથી. સત્ય બાબત જેટલી સરળતાથી સામાન્ય લોકો સુધી મૂકી શકાય; એ દિશામાં થયેલો એક પ્રયાસ છે.

પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો

  • લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  • જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  • 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  • શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
  • દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
  • નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
Prashant Dayal
Prashant Dayal
પ્રશાંત દયાળ, ગુજરાતી પત્રકારત્વનું એવું નામ જેણે પત્રકારત્વની દુનિયાની તડકી છાંયડી જોઈ આજે પણ સતત કાર્યરત રહી સાચું પત્રકારત્વ લોકો સુધી પહોંચે તેના પ્રયત્નો ચાલુ રાખ્યા છે. એક ક્રાઈમ રિપોર્ટર તરીકેની તેમની સફર ગુજરાતી પત્રકારત્વમાં ઘણા બોધપાઠ આપનારી રહી છે. તેઓ હાલ રિપોર્ટિંગની સાથે સાથે, નવજીવન ટ્રસ્ટ સંચાલિત ડિપ્લોમા ઈન જર્નાલિઝમમાં અને સાબરમતી જેલમાં પત્રકારત્વના પાઠ પણ ભણાવે છે.
RELATED ARTICLES
- Advertisment -

Most Popular